કાવ્યના આસ્વાદની સાચી સામગ્રી એ છે. આને માટે એ શબ્દોના ધ્વનિને ખપમાં લે છે,જે ઇન્દ્રિયોનાં પરિમાણને બદલે છે, જે શ્રવણગોચર હોય તેને સ્પર્શક્ષમ કે દૃષ્ટિગોચર બનાવે છે,એવી દ્રષ્ટિથી અંગત ડાયરી વોટ્સઅપ ગ્રુપમાં તોફાની તાંડવના સથવારે આસ્વાદ લેખનનું આયોજન દર બુધવારે કરવામાં છે.જેમાં શ્રી જયેશ કેલરના માર્ગદર્શન હેઠળ
શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ દ્વારા લખાયેલી આ રચના નો આસ્વાદ અંગત ડાયરી થકી લેખકો એ પોતાના લેખન ને ધારદાર અને ચોટદાર બનાવી રહ્યા છે.નાવીન્યસભર વાક્ય રચનાઓ વાંચતાં તાજગી મળ્યાનો અહેસાસ થાય.ભાગ લેનાર તમામ ને મારા અભિનંદન. આપ સૌ વિજેતા જ છો..આપ લખતા રહો અને સહુને પ્રેરકબળ પૂરું પાડતા રહો એજ અભ્યર્થના ..

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

આ દુનિયા માનો તેટલી ક્યાં સહેલી છે! ડગલે ને પગલે જિંદગી પરિક્ષા લેતી જ રહે છે. હું તો મારી આવનારી ખુશીના સપના જોવા લાગ્યો, પણ જિંદગી એટલી સરળ નથી. મને બરબાદ કરવામાં આ દુનિયા ક્યાં પાછળ છે! બીજાની ખુશી છીનવી તેને બરબાદ કરતા લોકો મારી આજુબાજુ જ છે. દીવાનગીની હદમાં હું આંધળો જ થઈ ગયો. બસ હું અને મારી દીવાનગી. ચાલતા જ ગયા. ક્યાં ખબ હતી કે મારી મંજિલ મારી બરબાદી છે!!

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

ખબર હતી મને કે હું વિશાળ પાણીના વહેણમાં ડૂબી જ જઈશ. ક્યાં કદી તરતા શીખ્યું છે મેં! સિકંદર તો નાદાન હતો. દુનિયાથી બેખબર હતો. એટલે જીતની રાહ ઉપર દોડી પડ્યો, પણ હું તો સમજદાર હોવા છતાં વિશાળ સમુદ્રના ઉછળતા મોજાની સાથે કૂદી પડ્યો. થોડે સુધી તો પાણીએ પણ મને સાથ આપ્યો, પણ મધદરિયે પહોંચતા જ શું થયું! સાથ છૂટી ગયો મારો ધીમી લહેરો સાથે. અને હતા ફક્ત ભયાનક ઘૂઘવાટ કરતા ઉછળતા મોજા.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

આ દુનિયામાં જ્યારે મારો શ્વાસ આનંદથી હિલોળા લેતો હતો ત્યારે ખૂબ સતાવ્યો મને એ જિંદગી. મારી દરેક નાનકડી રાહ ઉપર તે કંટકોની ચાદર પાથરી દીધી. મારી ખુશીના દરેક રસ્તા વચ્ચે મોટા પથ્થરો ખડકી દીધા. મારા શ્વાસના અહેસાસને મારાથી છીનવી લીધો તે. મારી દીવાનગીને ઠોકર મારી ફેંકી દીધી એક વેદનાથી લથબથ ખૂણામાં. જ્યાં કારમી ચીસ સાંભળવા માટે હું અને મારું એકાંત બસ બે જ હતા. હવે શ્વાસ લેવાની ક્યાં જગ્યા રહી છે? બસ એક ઉપકાર કરી દે. મારા મર્યા પછી મારી કબર ઉપર ફૂલ ચડાવી મારો મજાક ના બનાવતી. હવે હું જાણી ગયો છું તારા દંભને. મર્યા પછી મને શાંતિથી સુવા તો દેજે!

ચેતના રાઠોડ ગોહેલ”ઝાકળ”
ભાવનગર

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે, જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી

ઉપરોક્ત કાવ્યકણિકામાં કવિ શ્રી ‘બેફામ’ સર્જકની વ્યથા વર્ણવે છે. કવિ કહે છે કે મારા જેવા સર્જકની નિષ્ફળતા/ બરબાદી માટે બે પરિબળો સરખાં જવાબદાર છે. સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ પણ ક્ષેત્રમાં, ચીલા બહાર જઈ કૈક નવું વિચારે કે નવું સર્જનાત્મક કરવા ચાહે ત્યારે દુનિયાના કહેવાતાં ડાહ્યા લોકો સ્થાપિત ધોરણોની દુહાઈ દઈ, નિષ્ફળતાનો ડર બતાડી તેમ કરતાં રોકે છે. વળી સર્જકો પોતે પણ ખૂબ ધુની હોય છે. પોતાની વિચારધારાને પાગલની જેમ પ્રેમ કરીને તેમાં ખુવાર થવામાં પાછી પાની કરતાં નથી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો, હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

આ સતત પરિવર્તનશીલ જગત ક્યારેય કોઈનું થતું નથી. કવિ કહે છે કે મને ખબર છે કે હું દુનિયાને ક્યારેય મારા ઢાળમાં ઢાળી શકીશ નહીં. સિકંદર આખી દુનિયાને ફતેહ કરવા નીકળ્યો હતો પણ ભારતનાં પ્રવેશદ્વારે જ મેલેરિયાનો શિકાર બન્યો.
અધૂરાં સ્વપ્ને અને ખાલી હાથે જગતમાંથી જ વિદાય થયો. હું એ નાદાન સિકંદર જેવા ભ્રમમાં રાચતો નથી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ, કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

વળી કવિ કહે છે કે મારું ખુદ્દાર જીવન, વિરોધ અને સંઘર્ષો વચ્ચે વીત્યું છે. પોતાની શરતોએ જીવવાની મથામણમાં આખું જીવન ઉપહાસ, તિરસ્કાર અને અપમાનના કાંટાઓથી લોહીલુહાણ થયું છે. જ્યારે ધરતીના ખોળામાં પરમ શાંતિથી સૂતો હોઉં ત્યારે મારી કબર પર લાગણીનાં પુષ્પો મુકવાનો દંભ કરી મને કનડશો નહીં.

કૌમુદી સોની

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ દ્વારા લખાયેલી આ રચના વ્યક્તિની જિંદગી વિશે આલેખાયેલી છે. જેનો આસ્વાદ હું મારી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

પ્રથમ પંક્તિમાં કવિ શ્રી કહે છે કે મારા પોતાના લોકો અને મારી આજુબાજુના આ જગતના લોકો મારી સાથે મીઠી મીઠી વાતો કરે છે મને એમની વાતોમાં ભોળવી છેતરે પણ છે, ડહાપણ કરે છે, મારી લાગણીઓ સાથે રમત પણ રમે છે. એ બધું જ હું જાણું છું પરંતુ એ બધા લોકો માટે મારો પણ પ્રેમ છે અને મને પણ દરેક સંબંધો માટે લાગણી છે દીવાનગી છે એટલે હું પણ છેતરાતો ગયો છું ભોળવાતો ગયો છું એટલે મારી જિંદગી જે બરબાદ થઈ છે તેના માટે માત્ર લોકોનો જ વાંક ના કાઢી શકું. મને બરબાદ કરવા માટે ડહાપણ અને મારી દીવાનગી બંને એકસરખા છે.

આ પણ વાંચો:-  ઈચ્છાતોઘણીછે.પણ ઈચ્છામુત્યુ ની આખરી ઈચ્છાછે.

બીજી પંક્તિમાં કવિ આ દુનિયાને જીતવા નીકળેલા સિકંદરને નાદાન ગણાવે છે અને કહે છે કે મૃત્યુ પછી સિકંદર સાથે શું લઈ ગયો..!? ને હું પહેલેથી જ જાણું છું કે મારું મારું કરીને શું જીવવાનું..! જન્મ્યા ત્યારે ક્યાં કશું લઈને આવ્યા હતા અને મૃત્યુ થશે ત્યારે અહીંથી કઇ પણ સાથે ક્યાં લઈ જવાના છીએ. એટલે મને ખબર છે આ દુનિયા મારી નથી. અત્યારે જે મારી સાથે રહેલા દરેક સંબંધો, મનગમતી વસ્તુઓ કંઇજ મારી સાથે આવવાનું નથી એટલે કુદરતે આપેલા જીવનમાં જે મળ્યું છે તે આંનંદથી માણી લેવાનું. આનંદથી જીવી લઇશુ તો સૌના દિલમાં રહીશું.

ત્રીજી પંક્તિમાં કવિ મળેલી જિંદગી પાસે ક્ષમા માંગે છે કહે છે દિવસ દરમિયાન એટલી બધી વ્યક્તિઓ સાથે મળવાનું થાય છે અને કઇ કેટલાયે લોકો સાથે માથાકૂટ થાય છે જેમાંથી સમય જ નથી મળતો એટલે આ મારી મળેલી અમૂલ્ય જિંદગીને સમય જ નથી આપી શકતો. ખબર છે મને સમય તો નીકળતો જ જાય છે પણ એમાંથી મારી મળેલી અમૂલ્ય જિંદગી માટે થોડો પણ સમય હું ફાળવવા ઈચ્છું છું છતાં પણ સમય ફાળવી નથી શકાતો.

કૌશા જાની (કલ્પ)

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.


આ પંક્તિઓમાં બરકત વિરાણી બેફામ જી એ કહ્યું છે…
આ જગતમાં એવા પણ ઘણા શાણા લોકો હતાં જેમણે મને બરબાદ કરવાની એક તક નથી છોડી અને એ માટે સૌથી વધું દોષ હું મારી જાતને જ આપું છું કારણકે હું સંબંધોમાં હોશિયાર નહીં પણ ભાવનાઓ થી જીવ્યો એટલે જ એ શાણા લોકોએ મારી નિઃસ્વાર્થ લાગણીઓ નો ભરપુર ફાયદો ઉઠાવ્યો…
બીજી પંક્તિમાં કહ્યું કે આ દુનિયા જીતીને પણ શું કરવાની… ઉપર તો ખાલી હાથે જ જવાનું છે… એટલે જ કહ્યું કે સિકદર તો નાદાન હતો દુનિયા જીતવા નિકળ્યો… હું તો પહેલેથી જ જાણું છું કે આ સ્વાર્થી અને ક્ષણભંગુર દુનિયા મારી નથી..
ત્રીજી પંક્તિમાં કહ્યું છે જિંદગી નાં દિવસોમાં એટલાં ( માણસો ) માથાં, ચેહરા મળ્યા છે કે એ જોઈ દુઃખ થયું કે માણસ માણસને જ વફાદાર નથી અને એને બનાવનાર ભગવાન ને જ બનાવે છે આ જોઈ હું શરમથી મારી જિંદગી અર્પણ કરી શકતો નથી.

ભાવના ભટ્ટ અમદાવાદ

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

ઉપરની પંક્તિઓમાં કવિ બરકત વિરાણી બેફામે તત્કાલીન સમાજને ઉદેશીને કહે છે ;”સિકંદરે જે ભુતકાળમાં ભૂલ કરી એવી ભૂલ હું નથી કરવા માગતો.” કોઈના ઉપર વિજય શસ્ત્રોથી દબાણ કરીને નહી પણ દિલ જીતીને મેળવી શકાય છે. ખરેખર આ ફાની- નાશવંત દુનિયા જે મારી છે જ નહી એને જીતીને પણ શું ફાયદો.
બીજી પંક્તિમાં કવિ કહે છે કે પહેલાં ના સમયમાં લોકો શિષ્ટાચારમાં કેમ છો ? મજામાં ને ! આવા હાલતાં ચાલતાં સમાચાર પૂછતા અને એ પણ એકબીજાના નામથી પરિચિત જયારે હાલ આ ફાસ્ટ સમયમાં મને કેટલા એવા માથા મળે છે કે એમને હું મારી જિંદગીની એ ધન્ય પળોને શેર પણ કરી શકતો નથી.
જો આ બીજા નંબરની પંક્તિમાં ટાઈપિંગ ભૂલ હોય ને ‘માથા’ ને બદલે ‘માઠા’ શબ્દ હોય તો પણ પોતાની આ ચાર દિનની નાની જિંદગીમાં દિવસો એટલા માઠા-ખરાબ મળ્યા છે કે એકપણ દિવસની જિંદગી પોતાના સ્વજનો સાથે માણી શક્યો નથી એમને સમય આપી શક્યો નથી. અહીં કવિ માઠી સ્થિતિની વાત કરે છે.
કવિ મક્તા શેરમાં કહે છે બેફામ જયાં સુધી આ જિંદગી જીવ્યો ત્યાં સુધી મારો મારગ કાંટાળો જ હતો. એટલે કે જિંદગી સંઘર્ષમય પૂર્ણ કરી છે. અને મૃત્યુંને ભેટ્યા પછી મારી કબર પર ફુલડાં વેરે છે એ મારી ઇજ્જત નથી કરતા પણ મારી મશ્કરી કરતા હોય એવું લાગે છે.
અહીં ભારતીય લોકોની પરંપરાનું ખંડન કર્યું છે જયારે મનુષ્ય હયાત હોય છે ત્યારે એને હડધૂત કરે છે અને મર્યા પછી જ એના વખાણ થાય છે.

આ પણ વાંચો:-  ભાઇ પર જ ભાઇનો મગજનો ‘બાટલો’ ફાટ્યો અને થઇ બરાબરની જોવા જેવી

રઘુ શિવાભાઈ રબારી


સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દુનિયાના પ્રવાસની વાતો કરતાં કવિ કહે છે કે પ્રવાસ તો માત્ર પળ-બે-પળ માટેનો હોય છે બાકી કશું’ય સાથે આવતું નથી. દ્રષ્ટાંત આપતા કવિ કહે છે કે સિકંદર જેવો દુનિયા જીતવા નીકળ્યો હતો પણ છેવટે એને પણ ખાલી હાથે જ જવું પડ્યું, તેથી કવિ આવી કોઈ અપેક્ષા કે ઈચ્છા રાખતા નથી. દુનિયામાં કોઈ આપણું હોતું જ નથી, તો પછી એને જીતવાના વ્યર્થ પ્રયત્નો શા માટે?

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

એક શેરમાં ઘણું છુપાવીને પણ ઘણું કહી દેવાતું હોય છે, એમ અહીં કવિ પોતાની જિંદગી વિશે કહે છે કે મારા દિવસો એટલા કપરા, કઠણ વીત્યા છે કે હવે મારી આ દર્દ ભરેલી જિંદગી તને અર્પણ કઈ રીતે કરી શકું? આમ માત્ર એક શેરમાં માર્મિક રીતે કવિએ પોતાની જિંદગીનો અણસાર આપી દીધો છે.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

જિંદગી એટલે શું? જિંદગી એ તો માત્ર ઘટનાઓ અને અવસરોના મણકાઓથી ગૂંથાયેલ માળા છે. દુઃખ કે પીડાઓ વગરની જિંદગી હોઈ જ ન શકે. અહીં કવિ પણ પોતાની વાત કરતા કહે છે કે આ જિંદગીમાં માત્ર પીડાઓએ કાંટાની જેમ સતાવ્યા કર્યું છે હવે છેલ્લે કબર પર ફૂલો ન મૂકશો, એ મશ્કરી લાગશે. જીવતે-જીવત કોઈએ દુઃખમાં સાથ કે સાંત્વના આપી નહીં, હવે ફૂલ ચડાવીને મશ્કરી કરવાની કવિ ના પાડે છે.

ધાર્મિક પરમાર ‘ધર્મદ’

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

નઠારી દુનિયા અને દર્દથી ઘેરાયેલી જિંદગીની વ્યથા રજૂ કરતી બેફામ સાહેબની રચના ખરેખર દાદ માંગી લે તેવી છે.
કવિ અંહિ સ્વાર્થી દુનિયાને ઉદ્દેશીને કહે છે આ કદી કોઈની થઇ નથી અને કદી થશે પણ નહીં. દુનિયાને પોતાની બાનમાં લેનારો સિકંદરને પણ ખાલી હાથે જવું પડ્યું હતું તો આપણા જેવા સામાન્ય માણસે દુનિયાને પોતાની બનાવવાના વ્યર્થ પ્રયત્નો છોડી દેવા જોઈએ.
સમગ્રતય જિંદગી માઠા દિવસોમાંથી જ પસાર થઇ છે આ જિંદગીએ હંમેશા મીઠા દિવસોથી અણગમો જ દાખવ્યો છે.
જિંદગીભર કેવળ ને કેવળ ઝખમો જ જીલ્યા છે આ જિંદગીએ, ત્યારે મૂલાયમ ફુલોની માલિશ કોઈએ કરી નથી. તો મારા મૃત્યુ બાદ મારા શરીર કે કબર પર ફૂલો મુકીને મશ્કરી ન કરવાની આજીજીનો વ્યંગાત્મક ઉલ્લેખ કરીને કવિએ પોતાની રચનાને વિશિષ્ટતા બક્ષી છે.
દાદની હકદાર બેફામ સાહેબની આ રચનાને સો સો સલામ.

મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ )
ખેરાળી

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

ગઝલકાર બરકત વિરાણી ‘બેફામ’નું પૂરું નામ બરકતઅલી ગુલામ હુસેન છે.તેઓ ચૌદ વર્ષના હતા ત્યારે પ્રથમ ગઝલની રચના કરી હતી.

ઉપરોકત પંકિતઓમાં ગઝલકાર બરકત વિરાણી ‘બેફામ’કહે કે,જીવનમાં તેમનો પોતાનો જ સ્વભાવ જ નડ્યો અને ભોળપણનો આ લાભ જગતે ઉઠાવ્યો.સમાજમાં અમુક ડાહ્યા ગણાતા નામધારી લોકોએ જ તેમનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

ઉપરોક્ત પંક્તિમાં વિશ્વવિજેતા સિકંદરનું ઉદાહરણ આપી સમજાવે છે કે સિકંદર નાદાન હતો તે ભલેને આખી દુનિયા જીતવા નિકળ્યો હતો પણ તેને ક્યાં ખબર હતી કે દુનિયા અહીં જ છોડીને ખાલી હાથે જવું પડશે.આ સ્થૂળ શરીર પણ તેનો સાથ નહિ આપે. ફક્ત માનવી કરેલા કર્મોની છાપ અહીં છોડી જાય છે.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

ઉપરોક્ત ગઝલની પંક્તિઓમાં બેફામ કહે છે કે જ્યાં સુધી જીવન જીવ્યો છું ત્યાં સુધી મારા પોતાના અંગત સ્નેહીજનોએ મને દિલમાં ઘા આપ્યા છે અને આ ઘા કાંટાની જેમ દિલમાં આખી જિંદગી જીવતે જીવ ચુમ્યાં છે.આવા શત્રુઓને કટાક્ષમાં કહે છે કે મારા મર્યા બાદ મારી કબર ઉપર તમે ફૂલ મૂકી મારી મશ્કરી કરશો નહિ.