અંગત ડાયરી ના વિજેતા મહારથીઓ

Gujarati <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a>, <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a> in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

માઇક્રોફિક્શન
શીર્ષક : દહેજનો ત્રાસ

- Advertisement -

સાસરિયામાં દહેજ માટે આપવામાં આવતા રોજ રોજના ત્રાસથી કંટાળીને રૂડીએ કૂવામાં પડી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. ગામલોકોએ એને બચાવી તો લીધી પણ રૂડી સાવ સાનભાન ગુમાવી ચૂકી હતી. એના મા બાપુ એને ઘેરે લઈ આવ્યા.

ઘણા દિવસે રૂડીને થોડીઘણી સાનભાન આવી. એના મા બાપુ રૂડીને કંઈ તકલીફ ના થાય એનું બોવ ધ્યાન રાખતા.

રૂડી એની મા સાથે રસોડામાં બેઠી હોય છે ત્યારે અચાનક એને બાપુ સાથે વાત કરતો ફરી એ જ પરિચિત અવાજ સંભળાયો અને એક કારમી ચીસ પાડી ત્યાંને ત્યાંજ બેભાન થઈ ઢળી પડી.

કૌશા જાની (કલ્પ)

શીર્ષક: “અંધારા”

દરરોજ નેહા સાંજે રિવરફ્રન્ટ વોક કરવાં નીકળી પડે, આમ પણ એનાં બે સંતાનો પોતાનાં અભ્યાસમાં વયસ્ત રહેતાં અને એનાં પતિદેવતો સર્વિસીંગની જોબ એટલે મહિનાઓ સુધી બહાર રહેતા. નેહાને વોકનું વોક અને સમય પણ પસાર થઈ જતો.

નેહા સાબરમતીનું પાણી જોતી ઉભી હતી ત્યાં સામેથી એક યુવતી પોતાને થાકેલી મહેસૂસ કરતી બેસી પડી, એને જોતા એવું લાગ્યું કે એને ચક્કર આવી રહ્યાં છે.
નેહા એની પાસે જઈને જોયું તો ખરેખર એનું અનુમાન સાચું પડ્યું.તરત જ એણે બોટલ પેલી યુવતીને આપી.
થોડી સ્વસ્થતા આવતાં પેલી આભાર માનીને “હું સીમા અને પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો જાય છે.એનાં કારણે આવું થાય કયારેક તમે..?”
“હું નેહા”
સ્ત્રી સ્વભાવ વાતો એ વળગ્યો.
“મારા પતિ અહીં..નજીક આશ્રમ રોડ પર એનું કામ પતાવીને થોડીવારમાં મને લેવા આવશે…એટલે ચિંતાનો વિષય નથી”
“ઓકે”
નેહાને આ અજાણી સ્ત્રીની ઈર્ષ્યા થઈ.
પોતાનો પતિ તો..લોકડાઉનની વાતનો બીજા રાજ્યમાં ફસાયો એટલે ક્યારે આવે..
થોડે દૂરથી આવતાં શખ્સને જોઈને સીમા ખુશ થતાં બોલી… “લો આવી ગયા એનું કામ પતાવી” એનાં ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ.

એ શખ્સને નજીક આવ્યો…નેહાની એનાં પર નજર પડી… હવે ચક્કર આવવાનો નેહાનો વારો હતો…

ઈલા મિસ્ત્રી ‘કલમ’

શીર્ષક – મારૂં ઘર

લગ્નજીવનના બાર વર્ષે, બીજી સ્ત્રીના મોહપાશમાં જકડાઈ ગયેલા પતિથી અલગ થયેલાં વંદનાબેને, મારૂં ઘર નામની સંસ્થાની શરૂઆત કરી. અહીં પતિ દ્વારા દગો પામેલ, સાસરિયાંથી ત્રસ્ત સ્ત્રીઓને ફક્ત આશરો આપવામાં ન આવતાં, જીવનમાં પગભર થવાની તાલીમ પણ આપવામાં આવતી.
આજે મારૂં ઘર સંસ્થાને ત્રણ વર્ષ પૂરા થયાં, એ નિમિત્તે ત્યાં રહેતી સ્ત્રીઓએ વંદનાબેનનું સન્માન કરી તેમનો આભાર માન્યો.
એ જ વખતે સંસ્થાના દરવાજે આશ્રય માટે આવેલી સ્ત્રી અને વંદનાબેન એકબીજાનો ચહેરો તાકી રહ્યાં.

પ્રકૃતિ શાહ “પ્રીત”

શીર્ષક:- રાડ પડી

ઈચ્છાની મોઘમ વાડ પડી,
એવી ભીતર કાં ધાડ પડી?

પાંપણમાં ઉગ્યા પરપોટા,
નજરું વચ્ચે તિરાડ પડી.

સન્નાટાના શબ્દ વચાળે,
ધબકારાની જો રાડ પડી.

શ્વાસો ભરતાં મૂંગા ડુસકાં,
ખાલીપાની છે ત્રાડ પડી.

કોરુંકટ રડે આંખો આજે,
લો! બંધ નયનની નાડ પડી.

મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી

શીર્ષક : તમે આવ્યા

શાંત સરોવરમાં તરંગ બનીને આવ્યા
ઉદાસીમાં તમે ઉમંગ બનીને આવ્યા

હતો આ સૃષ્ટિનો જ સહારો મારો
ખુશીનો નવો પ્રસંગ બનીને આવ્યા

ખીલી ઉઠ્યો જીવનનો બાગ અમારો
અનેરો અનોખો ઉછંગ બનીને આવ્યા

સુર અને સંગીતનો, કદી સંગ કેવો?
શાંત નૂપુર કાજ, મૃદંગ બનીને આવ્યા

બેરંગ ઉદાસ એકલી, નામ હતું “બિંદી”
જીવનમાં તમે અનંગ બનીને આવ્યા

બિંદી પંચાલ “બિંદીયા”
વડોદરા

બુધવાર

પંક્તિ આસ્વાદ

કોઈ ઉછીની ઊંઘ નો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે!

તારી મીઠી યાદમાં સરી જતા મારું ઊંઘણશી ઓશીકું મને વળગી પડતું. પણ આજ એ મીઠી યાદોની સાથે એક વિરહની વેદનાનું બુંદ જો ને ભળી ગયું છે! હું એ વેદના પાસે મારી મીઠી યાદોના ઘરેણાં પાછા માંગુ છું. પણ રાતના અંધકારમાં એક બુંદ વિરહનું અડતા જ આંખમાં ભીનાશ ઝળહળી ઊઠે છે. મારા ઊંઘણશી ઓશીકાંને કેમ કરી સમજાવું!!

મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

આ પણ વાંચો:-  બિટકોઈનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી સુરત લાવી

બસ તે તો કહી દીધું કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી! તારા – મારા રસ્તા અલગ થયા. મીઠું ઝરણું બની વહેતી મારી આંખડી મૃગજળ બની વેરાન રણમાં તરફડવા લાગી. પણ પ્રિયે તારી લાગણીની ભીનાશના સ્પંદનો મે મારા દિલના એક ખૂણામાં અકબંધ રાખ્યા છે. તારે જવું હતું તો તું મારી પાસે શા માટે આવી? મતલબ તારા દિલમાં હજી પણ મારા સ્પંદનો સળવળે છે. તારી મૌનથી છલકાતી આંખોને વાંચી શકું છું.

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ?

શું ફક્ત શબ્દોથી સબંધ મૃત્યુ પામે છે? તને પામવું મારી દુનિયાની શ્રેષ્ઠ ક્ષણ હતી. તારી સાથે હું ખરા અર્થમાં જીવતો હતો. અને તું!!! બે શબ્દ બોલી મારી લાગણીના સ્પંદનો મને પાછા આપી ગઈ??? પ્રિયે, પ્રેમ પૂછીને નથી થતો, તેમ જ પ્રેમ શબ્દોથી નથી મરતો. પણ વ્યર્થ છે હવે તને મનાવવી. તું ક્યાં સમજે તેમ છો! તારી વગર જિંદગી જીવવાનો હવે કોઈ મતલબ નથી. મારી જિંદગીના બધા જ રંગો તારી હાજરીમાં છે. શું મારો અંત હવે નજીક છે? મારો શ્વાસ રુંધાય છે હવે. શું હવે ઈશ્વરને શરણ થવાનો સમય આવી ગયો છે?

ચેતના રાઠોડ ગોહેલ”ઝાકળ”
ભાવનગર

વિભાગ :- લેખ

શીર્ષક:-
અહિંસાના માર્ગે ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતી…
~ અહિંસાનો સામાન્ય અર્થ છે “હિંસા ન કરવી”. કોઇપણ પ્રાણીને તન,મન,કર્મ,વચન અને વાણીથી હાની ન કરવી. હિંદુ ધર્મમાં અહિંસાનું ખુબ જ મહત્વ છે. અહિંસા પરમ ધર્મ છે . ગાંધીજી એ તો અહિંસા વડે જ આઝાદી અપાવી. જૈન ધર્મ તો આના પાયા ઉપર જ ચણાયેલ છે. આનો પારિભાષિક અર્થ વિધેયાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષ ના કરવો , જીવ હત્યા ન કરવી . આ નિષેધાત્મક પ્રવૃત્તિ કરશો તો ધાર્મિક ઉન્નતી ચોક્કસ થશે. સત્સંગ સ્વાધ્યાય ઉપદેશ આત્માહિત્કારી વર્તન વિધેયાત્મક અહિંસા છે તેનો સમુચિત વિનિયોગ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જૈન ગ્રંથ આચારાંગ સૂત્રમાં અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપેલો છે. કોઇપણ જીવિત પ્રાણીને કે જેમાં આત્મા છે એને ના મારો. ના અનુચિત વ્યવહાર કરો , ન અપમાનિત કરો , ન કષ્ટ આપો કે ન હેરાન કરો. આ વાતોને જો આચરણમાં મુકશો તો તમારી ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતી નિશ્ચિત છે. આત્માની અશુદ્ધિમાત્ર હિંસા જ છે. જૈન આચાર્ય અમૃત્ચંદ્ર એ પણ કહ્યું છે,: અસત્યના વિકારો આત્મ પરિણતી ને ને દુષિત કરે છે. આ વિકારોને ત્યાગો તો તમારો ઉદ્ધાર નક્કી જ છે. રાગ દ્વેષ નો અપ્રાદુર્ભાવ અહિંસા છે અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. દરેક હિંદુ માટે અહિંસા એ સૌથી ઉંચો ધર્મ છે ,તે સૌથી મોટું વિશુદ્ધીકરણ છે.કર્મનો સિધ્ધાંત પણ આ જ કહે છે. જે ઈજા આપણે બીજાને પહોચાડીએ છે તે ભાવિમાં આપણને જ ઈજા કરશે જ. દયાનો અભાવ એ અહિંસા ને અમલમાં મુકવાનો અવરોધ ઉભો કરે છે. દરેક વ્યક્તિ તરફની લાગણીહીન ભાવનાઓ પર વિજય મેળવી , દયા ભાવનો વર્તાવ રાખો. દરેકમાં ઈશ્વરના દર્શન જુઓ. તો આધ્યાત્મિક ઉન્નતી પ્રાપ્ત થશે જ. અહિંસા એ જ ધર્મ છે અને એ જ અધ્યાત્મ ની ઉન્નતી છે. અને એ પ્રાપ્ત કરવા પ્રત્યેક જીવમાં ક્ષમાનો પણ ગુણ હોવો જોઈએ ક્ષમા એ વીર પુરુષનું આભુષણ છે.

વીર છે તે મહાવીર છે એનું આભુષણ છે અહિંસા,
રગરગમાં વ્યાપેલી ઘૃણા નું એક મારણ છે અહિંસા.

બુદ્ધ અને મહાવીર જગમાં ઈશ થઇ પૂજાય છે;
એક અને એક માત્ર એનું કારણ છે અહિંસા.

મહાવીર થઈને જીવનમાં માફ દુશ્મનને કરો;
સૌના દિલને જીતવાનું કામણ છે અહિંસા.

કાચા સુતરના તાંતણાં સમુ છે સંબંધોનું વિશ્વ;
તૂટેલ સંબંધ જોડવાનું કારણ છે અહિંસા.

દિલીપ વી ઘાસવાળા

બુધવાર આસ્વાદ લેખ
વિષય :પંક્તિ આસ્વાદ

કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખને જાગી જવાય છે!

ભાવોના કવિ સૈફ પાલનપુરીની રચનાઓમાં શબ્દ કારીગરી જોવા મળે છે .ઉપરની પંક્તિમાં એક પ્રેમમાં સમર્પિત પ્રેમીની લાગણીઓનું વર્ણન છે.તેની પ્રેમ પીડા તેને નિંદ્રાધીન થવામાં વિક્ષેપ લાવી રહી છે અને પીડાનો અનુભવ તેને અનંત ઉજાગર આપી રહ્યો છે.

આ પણ વાંચો:-  મેયરના કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલા કોર્પોરેટરને કોરાના

“મેં લખેલો દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.”

આ પંક્તિઓમાં એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલી તકરાર અને ફરિયાદ છે,છતાં પ્રેમની લાગણી તો છે જ.એક બીજાના પત્રવ્યવહાર ચાલુ છે.બાહ્ય રીતે દેખાડવામાં આવતો તિરસ્કાર ભીતરના સ્નેહને છુપાવી ના શકે.

“છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગલાચરણનો અર્થ?

પ્રીતમાં કરુણતા એ જ કે બંને વચ્ચે કોઈ વિચારોનો મતભેદ થાય અને તેનો ઉકેલ ના આવે.અહીં પણ પ્રેમી પ્રેમિકાને મનાવવાના પ્રયાસો કરે છે તે પણ નિષફળ નીવડે છે.તેની વિનંતી કરવા છતાં પ્રેમિકાને તેની ક્ષમા પણ સ્વીકાર નથી અને તૂટતા સંબંધોની દોર ક્યાં સુધી પ્રેમી જાળવી શકે?તે હવે હતાશ બની ગયો છે.

પ્રેમની ઉત્કૃષ્ટ રચના પાલનપુરીજી શબ્દોમાં ઢાળી છે .

નમ્રતા જોશી ઓઝા
‘સુરભિ’
અમદાવાદ

વિષય : આસ્વાદ ની પંક્તિઓ

કવિશ્રી પ્રથમ પંક્તિમાં જણાવે છે કે તેઓ પરિપક્વ અવસ્થામાં છે જેમ કેરી પાકી થતા જાતે ખરી પડે છે એમ એમની વૃદ્ધાવસ્થાની ઉંમર પણ ઘણી વિતાવી ચૂક્યા છે. હવે તે જીવે છે તે કુદરતની બક્ષિસ ઉપર જીવે છે. જેથી તેઓ તેઓને એ વાતનું જ્ઞાન સંપૂર્ણપણે છે અને તેમને નિંદ્રાવસ્થામાં પણ આ વાતનું પૂરેપૂરું ઘ્યાન રહે છે માટે તે કહે છે કે હું ઉછીની ઊંઘનો મોહતાજ છું અને ઘડપણની ક્ષણિક ઊંઘને લીધે તે કહે છે કે આંખને જાગી જવાય છે.
બીજી પંક્તિમાં કવિ જણાવે છે કે તેમની પ્રિયતમા વચ્ચે હજી એટલોતો સંબંધ છે કે એમણે લખેલા પત્રો પાછા લઈ જાય છે અને મેં લખેલા પત્રો પાછા આપી જાય છે.આવો અણબોલ્યો વ્યવહાર તો હજી સુધી તો ચાલું છે તેમ જણાવે છે.
અંતિમ પંક્તિમાં કવિ શ્રીની વૃદ્ધાવસ્થામાં શારીરિક પીડા તેમજ શરીર કમજોર થવાને લીધે તે અનંતની યાત્રા તરફ પ્રયાણ થાય તો સારું એમ વિચારે છે. તેમની વૃદ્ધાવસ્થામાં થતી શારીરિક પીડા સહન થતી હતી એટલે તેઓ કહે છે કે હવે સ્વર્ગે જઈને નિરાંતે બેસીશ. લોકો તેમને કહે છે કે કવિ ગતિમય કદમ એટલે કે ખૂબ ઉતાવળિયું પગલું ભરે છે.આમ, અંતિમ પંક્તિમાં કવિ શ્રી વૃધ્ધાવસ્થાની કમજોરી
વ્યક્ત કરે છે.

પારૂલ ત્રિવેદી
હિંમતનગર

કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખને જાગી જવાય છે!

પ્રેમીનાં વિરહમાં તેની યાદ આંખોમાં ઉજાગરાનું અંજન આંજી દે છે. તરસતી આંખો સતત ચાતકની પેઠે પ્રેયસીની રાહ તાક્યા કરે છે.આવી પરિસ્થિતિમાં ઊંઘ ક્યાંથી આવે ? એટલે કવિ શ્રી સૈફ પાલનપુરી કહે છે કે કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે .જરાક આંખ લાગે ન લાગે ત્યાં એ આવવાનાં ભણકારા થાય એટલે જાગી જવાય છે.

“મેં લખેલો દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.”

આ પંક્તિઓમાં કવિ કહે છે કે તેમનાં પ્રેમ સંબંધમાં કોઈ કારણસર પડેલી તિરાડને કારણે મેં લખેલો પ્રેમપત્ર એ દઈ ગયા અને પોતે લખેલો લઈ ગયા . અગર સંબંધ પૂરો જ થઈ ગયો હોય તો એ પત્ર ફાડી નાખે પરત કરવા ન આવે.હ્રદયની સુકી થઈ ગયેલી ધરા હેઠળ હજી યે ઉંડે ઉંડે ક્યાંક પ્રેમનું પાવક ઝરણું વહી રહ્યું છે .જેને કારણે આ સંબંધ હજી ટકી રહ્યો છે એમ લાગે છે.

“છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગલાચરણનો અર્થ?

પ્રેમ સંબંધમાં એકબીજા પ્રત્યે પ્રેમ સાથે વિશ્વાસ,સ્નેહ,સમજણ અને સમર્પણનો ભાવ હોવો ખુબ જરૂરી છે. જે તેમનાં સંબંધને જાળવી રાખે છે. કવિ કહે છે આ સંબંધ ને ટકાવવા નાં સઘળા પ્રયાસો નિષ્ફળ ગયા.જે ખૂબ સુંદર, મંગળ પ્રેમનો ભાવ હતો એ પણ ક્યાંય ખોવાઈ ગયો. બધું ખતમ થઈ ગયું.

ભારતી વડેરા
મુંબઈ

શીર્ષક — અહિંસાના માર્ગે ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ.

અહિંસાના માર્ગે ચાલવું એ કાયરોનું કામ નથી.કોઈને પણ જીતવાનું પ્રચંડ શસ્ત્ર અહિંસા છે.એ પરમ પુરુષાર્થ અને વીર પુરુષોની શોભા છે.
ગાંધીજી.
આપણે બધા જાણીએ છીએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ લાકડી, ખડગ કે બંદૂક વગર અહિંસા અપનાવીને ઉપવાસનું શસ્ત્ર વાપરીને અંગ્રેજોને ભગાડ્યા અને આઝાદી અપાવી હતી. કોઈ એક ગાલે લાફો મારે તો બીજો ગાલ ધરવો એવું ગાંધીજી કહેતા હતાં.એમણે આઝાદી માટે અહિંસક ચળવળ ચલાવી.સત્ય સાપેક્ષ છે. એનો દુરાગ્રહ કરવો એ પણ સ્થૂળ હિંસા જ કહેવાય.
જૈન ધર્મ પ્રમાણે પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ અને અગ્નિમાં અસંખ્ય નાના મોટા જીવ રહેલા છે. એ સિવાય પણ બીજા અનેક પ્રાણીઓ વસે છે.આ દરેક જીવ માત્રને તન, મન, વચન, વાણી અને વર્તન દ્વારા નુકશાન પહોંચાડવું એટલે હિંસા.હિંસા આત્માની અશુદ્ધિ છે.એનો વિરોધ ના કરવો કે એને સમર્થન આપવું એ પણ એક જાતની હિંસા છે, પાપ છે.આ સૃષ્ટિમાં આવનાર દરેકને નિર્ભય બનીને જીવવાનો હક્ક છે.
રામચરિત માનસમાં પણ અહિંસા પરમો ધર્મ એવું સવિસ્તર સમજાવ્યું છે.પણ આજકાલ ધર્મની જગ્યા પરંપરાઓ અને જુદા જુદા સંપ્રદાયોએ સ્થાન લીધું છે.
હિંસા ભય ફેલાવે છે જ્યારે અહિંસાથી શાંતિ સ્થપાય છે.અસત્યથી હિંસાને વેગ મળે છે.અહિંસા સત્યને સ્થાપે છે.અહિંસાથી માનવી માનવી વચ્ચે પ્રેમ, સ્નેહ અને આદરની ભાવના સ્થપાય છે.દેશના અને વ્યક્તિના ઉદ્ધાર માટે અહિંસા પરમ તત્ત્વ છે.અત્યારે એની તાતી જરૂર છે.
બીજાના જીવન પ્રત્યે કે વ્યક્તિત્વ પ્રત્યે આદર રાખવો એ પણ અહિંસા જ છે.
કાલેલકર
પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ એ પણ અહિંસા જ છે.
રજનીશજી

આ પણ વાંચો:-  પંખુડી ની એક વાર્તા , શીર્ષક:અનોખી સભા

મહાવીર સ્વામી, બુદ્ધ, અશોક અને ગાંધીજી જેવી મહાન વ્યક્તિઓના કહેવા પ્રમાણે હિંસાથી નહીં પણ પ્રેમથી જીત મેળવવી એ જ સાચી જીત છે.
દરેક જીવ માત્ર પ્રત્યે સંવેદના રાખવી, અહિંસા રાખવી, અભયદાન આપવું એ જ સાચો ધર્મ છે. કોઈ પણ જીવને ભય બતાવીને ડરાવી દેવો એ પણ હિંસા જ છે.
પૂજા, પાઠ, ઉપવાસ, મંત્રોચ્ચાર, હવન કે બીજા વિધિવિધાન કરવા એ આપણી સંસ્કૃતિ છે પણ સાચો ધર્મ નથી.
અહિંસાથી આધ્યાત્મિક શક્તિ સાધી શકાય છે અને પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો સરળ બને છે.

પ્રફુલ્લા”પ્રસન્ના

ગુરુવાર

શીર્ષક: “મારી સહેલી”

લાગતી મને બહુ વહાલી
મારી એ તો પાક્કી સહેલી

જોતાં એને દિલમાં મારા
ઉઠતી રોજ હેતની હેલી

લાવતી એ તો ચોકલેટ ટોફી
મારા માટે જ ઊઠીને વહેલી

ગીતડાં મીઠાં એ સંભળાવતી
ઉદાસીને મારી અળગી ઠેલી

નવડાવીને એને ચમકાવતી
ઢીંગલી મારી થાય જો મેલી

હું જો રીસાઉં એનાથી તો
મનાવવા વાતો કરતી ઘેલી

જૂનામાં જૂની સખી એ મારી
તોય નિત લાગતી મને નવેલી

લાગતી મને બહુ વહાલી
મારી એ તો પાક્કી સહેલી.

લિ. હેતલ મક્વાણા “હેતદીપ”
નડિયાદ.

બાળગીત

મીઠાઈની મોજ

ચાલો શીના મીના મોજ મજા કરવા,
મીઠાઈ ખાઈને મીઠાં મીઠાં બનવા,
મીઠાઈમાં નવા નવા જાદુ ગોતવા,
મગજને મજાની કસરત કરાવવા.
ચાલો…

ગુલાબજાંબુ ચાસણીમાં કેવાં શોભતાં,
શીના લાગી ગઈ એમાં ગુલાબને શોધવા,
મીના પણ મંડી પડી જાંબુને ગોતવા.
નવાઈથી એકબીજાને લાગી જોવા…
ચાલો…

ગોળ ગોળ ફરતી જલેબી આવી,
સાથે મોટી બહેન ઈમરતીને લાવી,
ચાસણી એમાં કેવી રીતે સમાણી,
શીના મીનાને એ વાત ન સમજાણી…
ચાલો…

પેંડા જોઈને ચકરડાં યાદ આવ્યાં,
સફેદ, પીળાં રંગના કેવી રીતે બન્યાં?
બુંદીને લાડવામાં શેનાથી જોડ્યાં?
બરફીમાં બરફને કેમ નથી નાખ્યાં?
ચાલો…

શીના મીનાએ વિચાર્યું મગજથી,
દાદીમાએ કહ્યું, “સાંભળો સમજથી,
જીવનમાં માણો મજા મીઠાશથી,
સમજશો બધું તમે અનુભવથી.”
ચાલો…

ચેતના ગણાત્રા. “ચેતુ”
મુંબઈ
.

સ્વચ્છતા : નિશાળમાં ભજવવા માટેનું બાળગીત. ..

સ્વચ્છ રહો..
સ્વસ્થ રહો… (૨)

તન સાફ રાખો,
કપડાં ધોઈ પહેરો.
વાળ, નખ કાપો,
પગમાં ચંપલ પહેરો.
સ્વચ્છ રહો ..
સ્વસ્થ રહો…
પ્લાસ્ટિકનો નિષેધ કરો,
કૂડાદાનમાં કચરો નાખો.
તુલસી, વડ ને લીમડો,
વૃક્ષારોપણ કરી સાચવો.
સ્વચ્છ રહો ..
સ્વસ્થ રહો…
આંગણું સાફ રાખો,
ગલી ચોખ્ખી રાખો.
શેરી, મહોલ્લો, જિલ્લો,
સ્વચ્છતાનું અભિયાન ચલાવો.
સ્વચ્છ રહો….
સ્વસ્થ રહો….
પ્રદુષણ હટાવો,
પર્યાવરણ બચાવો.
ભારતને સ્વર્ગ બનાવો.
ધરતી પર સ્વર્ગ ઉતારો.
સ્વચ્છ રહો….
સ્વસ્થ રહો….

કાવ્યાલ્પ
અલ્પા વસા