Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

મારા વ્હાલાઓ,
શબ્દરસને જે મુગ્ધ થઈને પીવેને એનું મન મસ્તિષ્ક પરમ આનંદ ને પામે છે.એ પરમાનંદ ની સુખદ ક્ષણો મને મિસ્કિન સાહેબ ની કાવ્યકણિકાઓમાં ટપકતા ભાવો ને આપણા અંગત ડાયરીની ઉમદા લેખનશૈલીએ અર્પિત કરી છે.
સંબંધની સાર્થકતા માટે લાગણી જ્યારે મુખ્ય ભૂમિકા અદા કરે છે ત્યારે અપેક્ષા અને અહમ એ લાગણીને વિમાસણમાં મૂકી ગૂંગળામણ પેદા કરે છે ત્યારે સંબંધ પોતાના જ અસ્તિત્વ સામે પ્રશ્નચિન્હ ઉભુ કરે છે?

- Advertisement -

આસ્વાદ અને લેખ નું વાંચન મનને શાતા અને નવું ચિંતન આપી ગયું.તમામ લેખકોનો ખૂબ ખૂબ ધન્યવાદ..
નિર્ણાયક તરીકે હું વાત કરું તો નિર્ણય આપ્યા પછી પણ એટલુ જરૂરથી વિચારીને વિહ્વળ બનું કે મનના કોઈ એક ખૂણે એવો નાનકડો પણ અફસોસ ના રહે કે મારાથી કોઈના લેખન સાથે અન્યાય થાય.

સાહિત્યના ઉમદા સેવા કાર્ય માટે અંગત ડાયરી ના એડમિન પેનલ આપશ્રીઓનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે.આપ સર્વ હંમેશા આ પરમ આનંદમાં અવિરત અલિપ્ત રહો એ જ મંગલ કામના…
મને સહભાગી બનાવવા માટે આપનો ઋણી રહીશ..
આભાર
નમસ્કાર

આપનો સ્નેહી
જયેશ કેલર

ખ્યાતનામ કવિ નાઝીર દેખૈયા ની કાવ્ય પંક્તિ ના આસ્વાદ ની મજા માણી એ..

ગગન વાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,

જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો,

સદાયે શેષ શય્યા પર શયન કરનાર ઓ ભગવન,

ફ્કત એકવાર કાંટા ની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન તુંજ હાથ માં સુપ્રત કરી દેશું,

અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

===================

આમ તો કોઈ કવિની કવિતાની બે લીટી પણ આસ્વાદ કરાવવો અટલે લોઢાના ચણા ચાવવા બરાબર મુશ્કેલ કાર્ય છે. બે પંક્તિના પંદર સત્તર શબ્દોમાં એટલુંબધું કહ્યું હોય કે એનો આસ્વાદ કરવા પંદર સત્તર પાનાં પણ ઓછા પડે. આને જ કહેવાય કવિકર્મ.

પ્રથમ શેરમાં કવિ, જીવનદાતા ઈશ્વરને પોતાના મનની વાત ફરિયાદ રૂપે કરે છે. “હે ગગનમાં, સ્વર્ગમાં રહેનાર, તું એક વાર ધરા પર, ધરતી પર આવીને શ્વાસ તો લઈ જો? અહીં શ્વાસમાં લેવા જેટલી પણ શુદ્ધ હવા રહી નથી. તેં જીવન તો આપ્યું, પણ અહીં સતત માથે સંકટની તલવાર લટકે છે ત્યાં તું આવી જીવન જીવી બતાવે તો જાણું.” આ ખુમારી એક કવિમાં જ હોય.

હજી ફરિયાદનો સુર બાકી છે તે બીજા શેરમાં કવિ કહે છે, “પ્રભુ! આપ તો શેષનાગની સુંવાળી શૈયા પર આરામ ફરમાવો છો, પણ એકવાર અમારી જેમ કાંટાની પથારી પર આરામ કરીને તો બતાવો?” અહીં કવિએ સત્ય વાતમાં પણ ‘સ’ વર્ણનો ચાર વખત ઉપયોગ કરી સુંદર ગેય તત્વ ઉમેર્યું છે.

ત્રીજા શેરમાં કવિની કલ્પનાની પરાકાષ્ઠા છે. તેઓ કહે છે,” પ્રભુ! આ આપના બનાવેલા જગતમાં સૌથી મોંધામાં મોંઘું  ‘જીવન’ છે. એ જીવન પણ વીના સંકોચે, સહર્ષ આપને અર્પણ કરવા પણ તૈયાર છું, પણ એક નાની શરતે. કોઈને કરગરવામાં ખુદનું કેટલું સ્વમાન ભંગ થાય છે એ તો અમે જ જાણીએ છીએ. એક વાર તું અમારી જ જેમ, અમને કરગરી બતાવે તો માનું.” આમ ઈશ્વર સાથે ક્યારેક  પડકાર, ફરિયાદ, આભાર, નારાજગી વગેરે પણ એક ઋજુ હ્દયવાળા, સંવેદનાના માલિક એવા કવિ જ કરી શકે.

કાવ્યાલ્પ

અલ્પા વસા

ઉપરોક્ત ગઝલ પંક્તિઓ દ્વારા કવિ નાઝીર ફરિયાદ કરતાં ભગવાન ને કહે છે કે, “ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો.” એટલે કે, હે ભગવાન તારી જ બનાવેલી આ દુનિયામાં તું શ્વાસ લઈને બતાવ કેટલું આકરું છે એ તને સમજાશે. હે જીવનદાતા તું અમારી જેમ જીવન પણ જીવી ને જો તો તું પણ અમારી જેમ જીવનનો એક વાર અનુભવ તો કર. બીજા શેરમાં કવિ કહે છે કે, “સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન, ફકત એકવાર કાંટાની પથારી પાંથરી તો જો.” એટલે કે, ભગવાન વિષ્ણુને ઉદ્દેશીને કહે છે કારણકે એમને એવું લાગે છે કે ઈશ્વર ત્યાં આરામથી નિંદ્રા લઈ રહ્યા છે એમને કશી ચિંતા જ નથી. એથી એ કહે છે “તું તો હંમેશા તારી શેષ શૈયા પર આરામથી શયન કરે છે ભગવન પણ ફક્ત એક જ વાર ફકત એક જ વખત તું અમારી જેમ કાંટાની એટલે કે મુશ્કેલીઓ ભરેલી પથારી પર પણ આરામથી નિંદ્રાધીન થઈને તો બતાવ. ત્રીજા શેરમાં કવિ ભગવાનને ચેલેન્જ કરે છે શરત મૂકે છે એમની સામે કે, “જીવન જેવું જીવન તુજ હાથમાં સુપ્રત કરી દેશું, અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.” કવિ હૃદય બહુ સંવેદનશીલ હોય અને ચેલેન્જ પણ બહુ કરે. કવિ ભગવાનને ચેલેન્જ કરી બેઠા છે કે, “આ જીવન જે તેં આપ્યું છે એવું જ તને સુપરત કરી દઈશું પાછું આપી દઈશું તને પણ એ પહેલાં એક શરત છે એક ચેલેન્જ છે કે ભગવાન તું પણ અમારી જેમ જ એટલે કે જ્યારે અમે નિઃસહાય હોય ને જેવી રીતે તને કરગરીએ છીએ ઠીક એવી જ રીતે તું પણ એક ક્ષણ માટે કરગરીને એક વાર બતાવ તો તને સમજાય કે કેટલું અઘરું પડે છે આ બધું.” અને અંતિમ શેર મક્તાના શેરમાં કહે છે કે, “ન્યોચ્છાવર થઇ જઈશ એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’, વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો.” કવિ પછી પોતાને જ કહે છે કે, “બધું જ ન્યોછાવર કરી દેવાની વાત બોલવામાં સહેલી છે નાઝીર, બોલવું અને કરવું બહુ અલગ વાત છે. બોલવું જેટલું સહેલું છે એ બોલેલું કરવું એટલું જ અઘરું છે. એટલે તું હવે બહાદુરી ની ને ત્યાગની વાતો કરવાનું છોડ અને વફાના શ્વાસ ભરનારા તું વફાદારીની વાત કરે છે તો મરણ પહેલા મૃત્યુ પહેલા મરીને જો તો તને ખબર પડે અહીં રોજ રોજ ટુકડા ટુકડામાં અમે મોતથી મૃત્યુથી પહેલાં જ કેટલીય વાર મરીએ છીએ રોજ ટુકડામાં મરી મરી જીવીએ છીએ અને આ કંઈ એટલું સહેલુઃ નથી આમ રોજ મર્યા કરવું એક વખત મૃત્યુ આવે તો પૂર્ણ થાય પણ આ તો રોજ રોજ મરવાનું એમાં કેટલી તકલીફ પડતી હશે એ તારે જાણવું હોય તો તું મરણ પહેલાં જ મરી ને બતાવ.” આમ, કવિ નાઝીર પોતાના ધારદાર શબ્દો વડે ખુદ ભગવાનને પહેવા તો ફરીયાદ કરે છે કે, “તેં આપેલું જીવન કેટલું આકરું છે તારી જેમ શેષ શૈયા પર સૂઈ રહેવા જેટલું આસાન નથી અને પછી એવા તો ઉગ્ર બને છે કે ભગવાન ને એ લલકારે છે પડકારે છે શરતો કરે છે કે તું અમારી જેમ સામાન્ય માણસ બની ને તારી જ બનાવેલી સૃષ્ટિમાં રહી બતાવ જીવી બતાવ તો ખરું.”

  • કૃતિ પટેલ ❛કૃષ્ણપ્રેમી – कृष्णप्रिया❜

       ઉપરોક્ત પંક્તિઓમાં કવિ શ્રી આ ભૌતિક જગતની અંદર રહી માણસ જીવનને જે તકલીફ પડે છે તેના માટે પ્રાર્થના કરી હલ અને સરળ જેવાં બનાવવાની વાત દર્શાવે છે પણ,ભગવાનને સીધા કહે છે કે તમે આ જગત પર અવતાર લઈ જુઓ,ગગન,સ્વર્ગમાં રહી આ મનુષ્ય જીવનના દુઃખ નો અનુભવ કેવો છે તેની શું ખબર પડે.

આ પણ વાંચો:-  મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા

        શેષનાગ પર સદાયે સુઈ આરામ ફરમાવતાં રહો છો તો જીવનમાં એક આ ભવનો અનુભવ કરો અને આ જીવનની કાંટાળી જિંદગી જીવી જુઓ. કેવા કંટક છે મનુષ્ય રાહમાં.

    આ જીવન તમે જ આપ્યું છે તમને સુપરત કરી દઈશું પણ એક વાર માત્ર આમારા સ્થાને આવીને આમારા જેવા મુશ્કેલ જીવનને અપનાવી જો.અમે તમને પ્રસન્ન કરવા કેવા કરગરીએ છે,એ હાલતમાં તમેં આવી ને જોઈ અનુભવી લો..

      નગીનભાઈ “નરમ”-બોદાલ

કવિશ્રી નાઝીર દેખૈયા સાહેબની ઉપરોક્ત રચનામાં ઈશ્વરને ફરિયાદ રૂપે મનુષ્ય જેમ જીવવું કેટલું દુષ્કર છે તે દર્શાવેલ છે.

ભગવાન વિષ્ણુને કવિશ્રી ફરિયાદ કરે છે કે શેષનાગ પર સદાય બિરાજનાર તમને કંટકોની શૈયા કેવી હોય એનો ખ્યાલ કેવી રીતે આવે ? શેષનાગ પર જે રીતે બિરાજે છે,એજ પ્રકારે કંટક શૈયા પર ફક્ત એકવાર પણ જો શયન કરી જો તો જ તને અમારી પીડાનો અંદાજ આવી શકે. માનવજીવન કંટક શૈયાથી કંઈ કમ નથી.

માંગવું એ મરવા બરાબર જ છે. અમે જે રીતે સુખાકારી માટે તને આજીજી કરીએ છીએ, એવી રીતે જ તું અમને પણ અમારી જેમ જો કરગરી બતાવે તો અાખું જીવન તારાં હાથમાં પ્રસાદી રૂપે સોંપી દઈશું. એમ કહીને કવિશ્રી પોતે આ જીવનથી કેટલાં વાજ આવી ગયા છે તે બતાવે છે.

તારાં પર વારી જઈશ, કુરબાન થઈ જઈશ એવી બધી વાતો કરવી બહુ સહેલી છે.પણ જો મારાં પ્રત્યે પ્રેમ હોય, વફાદારી હોય તો એકવાર મોત આવે તે પહેલાં એકવાર મારાં પર મરી તો જો ! એમ કહીને કવિશ્રી ઈશ્વરને ટાંચામાં લે છે.

“નિજ” ડો. વિરેન્દ્ર ડોલાસિયા રાજકોટ..

ઉપરોક્ત પંક્તિમાં  કવિશ્રી નાઝીર દેખૈયા ભગવાન સાથે વાદવિવાદ કરતા હોય અને એ દરમિયાન ખરેખર જીંદગી કેવી હોય છે અથવા જીવન જીવવું કેટલું અઘરું છે??? માટે જ કવિ ખુદ ઈશ્વરને કહે છે કે હે ઉપર આસમાનમાં રહેનાર ઓ સર્વદાતા બે ઘડી નીચે ઉતરી ને પૃથ્વી પર અવતરણ કર અને ધરા પર આવીને જીવનનો અનુભવ કર તો ખરો તને પણ ખબર પડે કે ધરતી પર શ્વાસ લેવો કેટલો દોહ્યલો છે.

બીજી પંક્તિમાં કવિશ્રી કહે છે કે સૃષ્ટિના સર્જનહાર શ્રી નારાયણને જાણે ચેલેન્જ કરતા હોય એવા સ્વરમાં કહે છે કે તું તો સદા તારી મનગમતી શેષ શય્યા પર જ રહે છે આરામ કરે છે અને નિરાંતની નિંદર કરે છે ક્યારેક એ શય્યા ત્યાગીને ફક્ત એકવાર કાટાની પથારી પાથરી તો જો કેટલો આરામ મળે છે તને પણ ખબર પડે.

છેલ્લી પંક્તિમાં કવિશ્રી પુરી ખુમારીથી કહે છે કે આ જીવન તુજને આપી દઇશું શર્ત એટલી જ કે જે રીતે અમે તને વારંવાર કરગરીને મનાવીએ છીએ એવું એકવાર એક પળ માટે તું પણ અમને કરગરી તો જો.

અહી કવિની ખુનારીના દર્શન થાય છે.

ભાવના જોષી “ચાંદની “

કવિશ્રી દ્વારા લખાયેલી ઉપરોક્ત ગઝલમાં વ્યક્તિની લાચારી, દુઃખ, દર્દ આલેખાયું છે. જેનો આસ્વાદ હું મારી રીતે આપવાનો પ્રયત્ન કરું છું.

પ્રથમ પંક્તિમાં વ્યક્તિ ઈશ્વરની પાસે પોતાની લાચારીની પ્રાર્થના કરે છે અને ઈશ્વરને સામો પડકાર ફેકે છે કે તું અમારો જીવનદાતા છે પરંતુ એકવાર તારી જ બનાવેલી આ  પૃથ્વી પર જન્મ લઈ જીવન જીવી તો જો..કેટલાય દુઃખ દર્દ છે, લોકો દ્વારા થતા છળ કપટ છે, લાગણીની કૃત્રિમતા છે, આવી છેતરામણી દુનિયામાં હે ઈશ્વર તું સાચો બની શ્વાસ લેવાનો અનુભવ તો કરીજો. તારી જ બનાવેલી આ દુનિયા કેટલી બદલાઈ ગઈ છે તેનો ખ્યાલ તને આવશે.

બીજી પંક્તિમાં વ્યક્તિ કહે છે કે હે ઈશ્વર! તારી પથારી તો શેષનાગ છે જેના પર કોમળ કોમળ ફૂલોની પાથર્યા છે તો તને કંટકોનો શો અનુભવ.?

અમારા નસીબમાં તો સુવા માટે પથારીની તો શું વાત કરવી ક્યારેક તો બે ટંક જમવાના પણ ફાંફા પડે છે. હે ઈશ્વર! તું એકવાર અમારી આ દુનિયામાં આવી અમારી વચ્ચે કાંટાની પથારીમાં સૂવાનો અનુભવ તો કરી જો.

ત્રીજી પંક્તિમાં લાચાર વ્યક્તિ ઈશ્વરને કહે છે,  કે જેમ અમારે અમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કે પછી અમારી માંદગીમાં જીવન બચાવવા માટે કોઈપણ અમીર વ્યક્તિઓ પાસે કેટલું કરગરવું પડે છે. તો પણ અમને માગ્યા મુજબ કંઈ મળતું નથી. હે ઈશ્વર! તું એક વાર આ પૃથ્વી પર અવતાર લઈ અમારી જેમ કરગરી જો તો તને ખબર પડશે. અમે વચન આપીએ કે તારું આપેલું જીવન તારા જ હાથમાં સોંપી દેશું.

કૌશા જાની (કલ્પ)

         નાઝિર દેખૈયા સાહેબની સુપ્રસિદ્ધ આ ગઝલના શબ્દો દરેક વ્યક્તિના હોઠે રમીને અમર થઈ ગયા છે.

        કવિએ અહીં મત્લાના શેરમાં માનવીય જીવન અને ઈશ્વરીય જીવનની તુલના કરી ઈશ્વરની સામે શબ્દો રૂપી ફરિયાદ કરી એક પડકાર ફેંક્યો છે. સ્વર્ગમાં રહેનારા ભગવાન તું એક વખત ધરતી પર આવીને શ્વાસો ભરી બતાવ તો તને સાચી ખબર પડશે કે જીવન જીવવું અંહિ કેટલું અસહ્ય છે. અમને જીવન આપનાર એ જીવનદાતા તુ એક વખત અમારી જેમ જ જીવન જીવવાનો અનુભવ કરી જો.

        બીજા શેરમા કવિ કહે છે કે ભગવાન તુ હંમેશા મુલાયમ અને આરામદાયક પથારી પર શાંતિથી શયન કરનારો છે.ક્યારેક અમારી જેમ અનેક સમસ્યાઓ રૂપી કાંટાવાળી પથારી ઉપર સૂઈને ખાતરી કરી જો કે આ જીવન સમસ્યાઓથી કેટલું ઘેરાયેલું છે?

        ત્રીજા શેરની અંદર તો કવિએ પોતાની મનુષ્ય તરીકેની મર્યાદા ઓળંગી ભગવાનને સીધો પડકાર ફેંક્યો છે કે અમે તને ખૂબ જ આજીજી કરીએ,તારી ખૂબ જ યાચના કરીએ, છતાં પણ તું અમારા સામું જોતો પણ નથી. અમારી જેમ જ જો તુ અમને એક ક્ષણ માટે પણ કરગરે તો અમે અમારું આખું જીવન તને આપી દઈએ.

           ખરેખર, કવિની ઇશ્વરને પડકારવાની આ ખુમારીને સો સો સલામ.

આ પણ વાંચો:-  ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં લેવાશે પરીક્ષા