આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત થયું હતું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોટ મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના આગમન બાદ છોકરાઓ મંડપમાં ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ કરતી વખતે છોકરો અચાનક અટકી જાય છે અને માત્ર 5 સેકન્ડમાં તેનું મોત થઈ જાય છે. તે ત્યાં લાકડીનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે પણ તેમ છત્તા તે નીચે પડી જાય છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના 20 સપ્ટેમ્બરની છે. મૃતકનું નામ પ્રસાદ જણાવામાં આવી રહ્યુ છે. ઉંમર લગભગ 26 વર્ષની જણાવામાં આવી રહી છે. જિલ્લાના ધર્મવરમ નગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મંડપને શણગારવામાં આવ્યો હતો. નાચ-ગાન વચ્ચે પ્રસાદ પણ તેના એક મિત્ર સાથે ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તે નીચે પડી ગયો. નજીકમાં હાજર લોકો પ્રસાદને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અત્યાર સુધીની માહિતી મુજબ, પ્રસાદનું શંકાસ્પદ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.