Sunday, July 25, 2021
More

  Latest Posts

  આસ્વાદ ને લેખ નો ઓટલો એટલે અંગત ડાયરી

  વિષય :શૌર્ય જીવન
  શીર્ષક : અમર જીવન

  મૃત્યું એક સનાતન સત્ય છે. જીવન અનિશ્ચિત છે પણ મૃત્યું નિશ્ચિત છે. હા, એનો સમય એક અનિશ્ચિત ઘટના છે.મૃત્યુંથી ડરીએ નહીં એ વાતનો સ્વીકાર પણ સામે ચાલીને કોઈ મૃત્યુંને ભેટવા આતુર પણ નથી. તે છતાં ક્યાંક ક્યાંક એવા નીડરોની પણ વસ્તી છે કે તેઓ જાણે છે કે આજે નહીં તો કાલે મૃત્યું સાથે જલ્દી મુલાકાત થશે તે છતાં તેઓ હસતા મુખે મૃત્યુંને ભેટવા જાય છે. આ શૌર્યજીવન જીવતાં આપણાં વીર જવાનો. જે સરહદની અને સરહદની અંદર આવેલા દેશની રક્ષા માટે જાન હથેળીમાં લઈને ફરે છે.

  યુદ્ધ કરવું આ સૈનિકોનું ભાગ્ય બની જાય છે. તેઓ દેશના દુશ્મન સામે તો હરપળ લડે જ છે પણ એની સાથે સાથે એક માનસિક યુદ્ધ પણ ચાલતું હોય છે. કુટુંબનો વિરહ એમની પીડામાં વધારો કરે છે. એમનાં મનમાં સતત પોતાના ઘરની ફિકર હોય છે. એ એમને કોરી ખાતી હોય છે. તે છતાં પણ હરપળ હસતાં ચેહરે ,ખડેપગ દેશની સેવા કરે છે. આ બધી તકલીફો ભૂલાવી દુશ્મનને હરાવા તે નીકળી પડે છે.આપણે જે વજન ઊંચકી પણ ના શકીએ એટલો શસ્ત્ર સરંજામ લઈને તેઓ ફરતાં હોય છે. દેશની સેવા એમનો મૂળમંત્ર હોય છે.

  આપણે એમનાં ધૈર્યમાં પણ શૌર્ય શોધી શકીએ . આપણને કોઈ મારતું હોય ,જેમ તેમ બોલતું હોય તો આપણું શું reaction હોય છે એ તપાસો . એક સૈનિક જ્યાં સુંધી પોતાનાં ઉપરી અધિકારીનો આદેશ ના આવે ત્યાં સુંધી ધીરજ સાથે ઘણું સહન કરે છે. કોઈ વાર ઘાયલ પણ થાય શારીરિક અને ક્યારેક માનસિક પણ. આ બધી પરિસ્થિતિમાં દેશની સુરક્ષા પ્રથમ હોય છે . આ બધી વાત બાજુમાં મૂકી એકવાર તમારી જાતને પૂછી જુઓ કે કોઈ એક જગ્યાએ કાંઈ પણ કર્યા વગર 8- 10 કલાક ઉભા રહી શકો ? આ પણ એક શૌર્યગાથાનો એક ભાગ છે. દેશ માટે જીવતા જીવતા ક્યારે મૃત્યુંની ગોદમાં જતાં રહે એ ખબર પણ નથી પડતી. એક ક્ષણમાં જીવન મરણ થઈ જાય છે . મરણ વખતે એક જ ભાવ સાથે વિદાય લે છે :
  “खुश रहना देशके प्यारो ,अब हम तो सफर करते है, अब हम तो सफर करते है ।
  આ ભાવ સાથે શૌર્યજીવન અમર થઈ જાય છે. જે એક જિંદગીમાં અનેક જિંદગી જીવી લે છે . આવા વીરોને સત સત પ્રણામ .
  જય હિંદ

  • જિજ્ઞેશકુમાર ડી . ત્રિવેદી
   અમદાવાદ પ્રકાર:- પંક્તિઓનો આસ્વાદ

  પંક્તિઓનો આસ્વાદ

  અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

  વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
  મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

  તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
  જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

  – ખલિલ ધનતેજવી 

  ખલિલ ધનતેજવી સાહેબ પ્રથમ બે પંક્તિમાં સૈન્યના જવાનની દેશ સુરક્ષા સાથે પોતાની મનોવ્યથા ને વાચા આપે છે. માતૃભૂમિ નું રક્ષણ કરતાં હજારો માઈલ પરિવારથી દૂર રહીને પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે.ભારત એ ઉત્સવ પ્રિય દેશ છે.સંસ્કૃતિ અને સંસ્કાર ભારતીયના હદયમાં બિરાજમાન છે.દરેક પરિવાર તહેવાર સ્વજન સાથે મનાવવાની ઈચ્છા રાખતો હોય છે.પરંતુ સૈન્યની નોકરીમાં રજા મળવી મુશ્કેલ છે.આવી પરિસ્થિતિમાં રાત દિવસ જાગીને આપણને શાંતિ અને સુખચેન માટે ઉજાગરા વેઠી ને અજવાળી કરું છે.
  દ્વિતીય પંક્તિમાં ખલિલ ધનતેજવી સાહેબ જણાવે છેકે આ વખતે રજા ન મળી તો કંઈ નહિ આવતા તહેવારે ઘરે જઇશ.એમ કરી પોતાના હદયમાં જન્મેલી ઈચ્છાઓ સંજોગોવશાત દફનાવી દેછે.સ્વજનોના વિયોગે દિલમાં અરમાનોની હોળી સળગે છે .દિવાળીના તહેવારમાં આપણે દીપ પ્રગટાવી અજવાળું પ્રગટ કરીએ છીએ.અને તેઓ સરહદ પર જાગી માતૃભૂમિ માટે પોતાની જાતને સળગાવી રહ્યા છે.એમ ખલિલ ધનતેજવી સાહેબ જણાવી રહ્યા છે.
  તૃતીય પંક્તિમાં ખલિલ ધનતેજવી સાહેબ જણાવે છે કે કેટલાય લાંબા સમય બાદ પરિવાર,સ્નેહીજન ને મળવાનું થાય ત્યારે જાણે એકી નજરે જોયા કરું,માણી લઉં.વિરહની એ વેદના ફરી આવે તે પહેલાં મનમૂકીને જોઈ લઉં.માટેજ આંખો પણ હવે પલકારો મારવા તૈયાર નથી.જ્યારે જ્યારે નજર થી નજર મિલાવી છે ત્યારે એ સઘળી પરિસ્થિતિમાં હાજર ન હોવાને કારણે મે મારી પાપણોને ઢાળી આપની સમક્ષ બંદગી સ્વીકારી છે.એવું જણાવે છે.
  અતુલ ડામોર " ધૈર્ય"

  પ્રકાર : પંક્તિનોઆસ્વાદ .

  અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો,અમે જાતને બાળી છે.
  જીવન એક સંગ્રામ છે.જિંદગીનું નામ જ મુશ્કેલી છે. *ધૈર્ય,અડગતા અને નિર્ભયતાનો ત્રિવેણી સંગમ એટલે શૌર્ય. આ બહાદુરી સંગાથે વસતાં માતૃભૂમિની રક્ષા કરતાં આપણાં દેશનાં જવાનોની મનોવ્યથાનું ચિત્રણ કરતાં સ્વશ્રી ખલીલ ધનતેજવી સાહેબે જીવનની વરવી વાસ્તવિકતાનો ચિતાર આપતાં કહયું છે..અમે ગમે તેં પરિસ્થિતિને સહીને પરિવારને,દેશવાસીઓને ખુશ રાખવાનાં પ્રયાસ આદર્યા છે.સરહદ પર ઊભાં રહી ,બનતી કોશિશ કરી,આપને સગવડ,સુખ આપવાનો પ્રયત્ન કર્યો છે.દેશના ખૂણે ખૂણે ખુશીના દિવા પ્રગટાવવા જાતને હર મુશ્કેલીમાં સાહસ,ધીરજ અને આત્મવિશ્વાસથી અજવાળીને ચમકાવી છે.જીવનમાં આવતી કઠિન, વિકટ સ્થિતીનો સામનો કરી સૌનાં જીવનમાં ઉજાસ લાવવાનો હંમેશા પ્રયાસ કર્યા છે.કેટલાયે યુવાનો શૂરવીર બની,મજબૂત મનોબળ ધરાવી હિંમત હાર્યા વગર સતત મથતા રહી,મંઝિલને પામવાની ખેવના કવિએ આ પંક્તિ દ્વારા વ્યકત કરી છે.
  વાર,તહેવારે જિદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે,
  મનમાં ભીતર હોળી સળગે,ચહેરા પર દિવાળી છે,
  ઉપરોક્ત પંક્તિ દ્વારા કવિ જીવનની વાસ્તવિકતા,સચ્ચાઈને ઉજાગર કરે છે. માનવીની ઇચ્છા, આકાંક્ષાને ક્યાંય પૂર્ણવિરામ નથી. એક પુર્ણ કરીએ ત્યાં બીજી મહેચ્છા મનનાં ખૂણે સળવળે છે.વાર-તહેવારે હોય ત્યારે પરિવાર સાથે રહેવાની,ઉત્સવને માણવાની,વતનને માર્ગે દોટ મૂકવાની મન જીદ કરે છે,પરંતું આ બધી ખેવનાને પંપાળીને ભીતર દફન કરી છે.દાવાનળ બની ઇચ્છા ઓ માથું ઊંચકેએ પહેલાં મક્કમ મનોબળથી આ ઈચ્છાઓને ડામી દીધી છે.મુખ પર હંમેશા હાસ્યનું આવરણ ચઢાવી ઉત્સાહ,ઉમંગ,આનંદનું નકાબ ચઢાવી દિવાળી સમી ખુશીઓ વહેંચી છે.મનમાં હજારો સંતાપ દબાવી કચડીને જીવન નૈયાને પાર કરવાનો નિર્ધાર કર્યો છે.એષણાનાં પોટલાંને હળવા ફુલ બનાવી, હૈયું ભલે બળે, હસતાં રહી દીવડા પ્રગટાવી દિવાળી ઉજવી છે.
  છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
  માથે આખો સૂરજ લઇને સાંજ બપોરે ગાળી છે,
  હંમેશા સુખ, સાહ્યબીમાં રહેનાર માનવીને સંબોધીને કહે છે અમે તો સુખદુઃખ, તડકા-છાંયડા વેંઠ્યા છે.જીવનની ઘટમાળ,સૂરજના ઉદય અને અસ્તની વાત સમજાવતાં કહે છે,મુસીબતોનો પહાડ માથે ઊંચકી જીવન માર્ગને પસાર કરવાનો પ્રયાસ કર્યો છે.હે,પામર માનવી તું જીવનની કઠીન ,વિકટ પરિસ્થિતિ,મુશ્કેલીઓ ના સમજવીશ,અનેક રંગોથી સભર આ દુનિયામાં સાહસ દાખવી લાગણીની નજાકતથી આત્મવિશ્વાસને વ્યકત કર્યો છે.હૃદયની વિશાળતાનો ભાવ દર્શાવ્યો છે.હૃદયની વેદનાને સાગરની માફક સમાવી,હસતાં રહી દુઃખને હિંમતથી સામનો કરવાની,સ્વમાનભેર જીવવાની,પડકાર અને મુશ્કેલી,અગવડ અને અડચણોથી વિચલિત થયાં વિના આગળ વધ્યા છે….

  વિષય : શૌર્યજીવન લેખનો આસ્વાદ

  લેખ : શૌર્યજીવનની વાતો

  આપણે ઈતિહાસમાં ડોકીયું કરીશું તો વીરરસથી ભરપુર શૌર્યકથાઓ અને શૌર્યની સાક્ષી બની ગામના પાદર સોહાવતાં પાળિયા જોવા મળે છે.
  માવનીનું જીવન પરોપકાર માટે હોવું જોઈએ.અને અેટલે સરહદ પર ફરજ બજાવતા સિપાહીઆે ઘર, કુંટુંબને ભુલી દેશની ખડેપગે સેવા કરી રહ્યા છે.
  આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો મીઠો આવકારો આપી માનપાનથી નવાજવામાં આવે છે.પણ,જો કોઇ બદ ઈરાદાથી દેશ સામે નજર બગાડે અને દેશને,દેશબાંધવોને રંજાડે ત્યારે હાથ પર હાથ રાખીને બેસી ના રહેતા બરાબરનો પાઠ ભણાવવામાં આવે છે.
  જે ભારતીય સંસ્કૃતિમાં મા તરફથી મળેલા શૌર્યરસના સંસ્કાર છે.
  બીયાઈને હજારો વરસ જીવવું અેના કરતા સાવજની જેમ ગર્જના કરી અેક દિવસ વીરતાથી જીવીને મોતની પરવા કર્યા વગર જીવવું અે જ સાચું શૌર્ય છે.
  આપણે ત્યાં ભૂતકાળમાં રાજાઆેની જોહુકમી ના માનીને ઘણા લોકોને બહારવટું કરતા જોયા છે.જે અન્યાય સામે લડે તે જ સાચો વ્યક્તિ છે.

  ” જનનીજન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી ” અર્થાત્, માતા અને આપણને જન્મ મળ્યો છે અે ધરતી પણ આપણી માતા છે અેની સામે નજર બગાડનાર સામે લડવામાં જ સાચી વીરતા છે.
  દેશની આઝાદી માટે કેટલાંય વીરો જે બધાનાં નામ પણ આપણે જાણતાં નથી પણ જયારે દેશ માટે હાકલ પડી ત્યારે અેકક્ષણનો વિચાર કર્યા વગર માભોમ માટે શહીદી વહોરી હતી. અને અેટલે જ અત્યારે અેના ફળ સ્વરૂપે આપણે નિશ્ચિંત રીતે રહી શકીઅે છીએ.
  સરહદ પર ગમે તે ઋતુ હોય,તહેવાર હોય તોય ખડે પગે તૈનાત સૈનિકો ફરજ બજાવે છે. જે આપણા માટે ગર્વની વાત છે. ગમે તે તહેવાર હોય અેમના માટે તો બધા દિવસો સરખા જ હોય છે.

  અેટલે જ ખલીલ ધનતેજવી સાહેબની શૌર્યને વર્ણવતી અેક રચનામાં કહ્યું છે કે,

  “અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો,અમે જાતને બાળી છે.”

  અેમને પણ કુંટુંબ હોય પરિવાર હોય છતાં વરસો સુધી દૂર રહી પોતાની ફરજ બજાવે છે.દુશ્મન તરફથી જરા પણ હીલચાલ નજરે પડે તો હિંમતથી આગળ વધી અને દુશ્મનોને પીછેહઠ કરવા મજબૂર કરી દે છે.અેમનામાં આ જોશ અને શૌર્ય ટકાવી રાખવા આપણે અેમને બિરદાવવા જોઈએ.
  આવા સાચા શૂરવીરની શૌર્યભરી વાતો ઈતિહાસમાં ભણાવવામાં આવે તો આવનારી પેઢી પણ શૌર્યજીવનના પાઠો શીખી અેક વીર નાગરિક બની દેશની સેવા કરી શકે છે.

  સંજય પ્રજાપતિ સંતૃપ્ત,મુન્દ્રા કચ્છ

  પ્રકાર: આસ્વાદ
  આસ્વાદ માટેની પંક્તિઓ:~

  અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

  વાર તહેવારે જિદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે,
  મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

  તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
  જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
  – ખલીલ ધનતેજવી

  આસ્વાદ:~

     પ્રથમ શેરમાં કવિએ નસેનસમાં વહેતા સ્વદેશપ્રેમની વાતને ઉજાગર કરી છે. જે માતૃભૂમિની ગોદમાં જન્મ ધારણ કર્યો એ માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને આદરભાવ હોય એ અત્યંત સ્વાભાવિક છે. વતનનું જતન કરવું એ આપણી પહેલી ફરજ છે. "पहले देश, फिर घर।" શત્રુઓના બદઈરાદાથી માભોમને બચાવવા ઊંઘને પણ વેરણ કરીને રાતોને અજવાળી છે. સ્વતંત્રતાની રોશનીનો પ્રકાશ ઘરે ઘરે ઉજાશ બનીને પ્રજ્વલિત થયો છે. એ જ સ્વતંત્રતાની મહામૂલી કિંમત ચૂકવવા અમે સ્વાર્પણની કેડી પર ડગ માંડીને જાતને હોમી દીધી છે. વતનના ગઢના કાંગરા ચારેબાજુ કમળની જેમ ખીલી ઊઠે એવી અહર્નિશ બંદગી કરતા કવિ ભારતમાતાના ચરણોમાં નતમસ્તકે વંદન કરે છે.
  
     બીજા શેરમાં કવિએ અંતરમનમાં પ્રગટતી ઈચ્છાઓનું સહજભાવે નિરૂપણ કર્યું છે. આનંદ અને ઉલ્લાસ લઈને આવતાં તહેવારો જીવનમાં નવીન ચેતનાનો સંચાર કરે છે. મનમાં તરંગ બનીને હિલોળા લેતી ઈચ્છાઓનું શમન કરીને વતનને ખાતર હરપળ દિવાળી જેવા ઉલ્લાસભર્યા માહોલનું સર્જન કર્યું છે. ઉલ્કાપાત બનીને ઉઠતા આવેગો પર કાબૂ રાખી મનોરથોને વહાલથી પંપાળ્યા છે. ભીતરના ભાવોને ભીતરમાં જ દબાવી દઈ ચહેરા પર ખુશીની લાલિમાને સદાય અંકિત કરી છે. હોળીના રંગોનો ગુલાલ અને દિવાળીની દીપમાળાનો પ્રકાશ ગજવામાં ભરીને સરહદ પર ખડે પગે ઊભા રહી માતૃભૂમિનું રક્ષણ કરતાં વીર સૈનિકોના મનોભાવોનું કવિએ આલેખન કર્યું છે. 
  
     ત્રીજા શેરમાં કવિએ સ્વજનો પ્રત્યેના પ્રેમનું ભાવવાહી ચિત્ર ખડુ કર્યું છે. સ્નેહનાં તાંતણે ગૂંથાયેલા સંબંધો હૃદયરૂપી દર્પણમાં આજીવન પડછાયાની જેમ સંગ્રહિત થયેલા છે. સ્નેહીજનોની યાદ આવતાં પાંપણના પડદા પર તેની મનોહર છબી તાદ્રશ થાય છે. આંખના પલકારામાં તેનું પ્રત્યક્ષ રૂપ દ્રષ્ટીગોચર થતાં પાંપણ નીચે ઢળી પડે છે. નજરથી નજર મળતાં મિલનની સુખદ ક્ષણોની અનુભૂતિ પ્રેમનું ઓસડ બની શ્રદ્ધાનું સિંચન કરે છે.
  
     આમ, માતૃભૂમિને માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર જવાનોની શૌર્યગાથાનું કવિએ વર્ણન કર્યું છે.
  • સંગીતા જી. તળાવિયા ‘સંગુ’ (સુરત).https://youtu.be/ZjRSo1hnAMk

  વિષય :- શૌર્યોત્સવ
  પ્રકાર :- લેખ.
  શીર્ષક :- શૌર્ય રસ.

      🌷 શૌર્ય રસ 🌷
  
  
  
  
       શૌર્ય રસ હોય જેના જીવનમાં
       ભડવીર એ શુરો સૌ જનમાં..!
  
      નવરસ માનવ જીવનમાં પથરાયેલા છે.. આ નવરસમાનો એક ઉત્તમ રસ એ વીરરસ છે. એ શૌર્યની જનેતા છે. સંત , સપૂત , ને તુંબડા ત્રણેની એક પ્રકૃતિ છે..એ તારે પણ બોળે નહિ. કોઈ કવિએ એટલા માટે સાચું જ કહ્યું છે... જનની જણજે તો ભગત જણજે..પછી એ કાં દાતા કાં શૂર., નહીંતર રહેજે વાંઝણી તારા મત ગુમાવીશ નૂર.
          એક નજર ઇતિહાસ તરફ કરીએ તો કેટલાંય શૂરવીરોએ પોતાના બલિદાનો આપ્યાં છે પોતાના દેશ માટે. આવા નરબંકાઓમાં શૂરવીરતા ફૂટી ફૂટીને ભરેલી હોય છે.. મન હોય તો માળવે અવશ્ય જવાય એ નીતિ તેમનામાં દ્રઢ હોય છે. શિવાજી મહારાજ , રાણા પ્રતાપ, ઝાંસીની રાણી કેટ કેટલાં વિરલ અસ્તિતવો થઈ ગયાં ભારતની ભૂમી પર.ભારતની સ્વતંત્રતાં માટે માથું હાથમાં લઈ વીરતાથી તેઓ છેક સુધી લડ્યાં અને વિરગતીને પામ્યા. એ પછી જોઈએતો ભગતસિંહ , સુભાષચંદ્ર બોઝ એમણે પણ દેશ માટે વીરતાથી પોતાનો જાન આપી દીધાં.
            એ સમયનાં શૌર્યગીતો પણ જવાનોમાં શૂરતા ભરી દેતાં.. જવાનો પણ પોતાના દેશ માટે જાન રેડી દેતાં. આ શૌર્ય ગીતોથી જવાનોના રૂંવાડા ખડા થઈ જતાં. અને જાણફેસી માટે તત્ત્પર રહેતાં. 

  શૂરવીરતાની આ ગાથાઓ આવનારી પેઢીમાં શૂરવીરતાનું સિંચન કરે છે.. અને નવતર પેઢી શૂરવીરતાના પાઠ શીખે છે. મોટા થઈ તેઓ મહાન વીર બને છે. આવા શૂરવીરોને સરકાર તરફથી બિરદાવવામાં આવે છે.. અનેક ઇલકાબો, પરમ ચક્રો વગેરે પણ પ્રદાન કરે છે.
  વળી જેમ માતા બાળકને જન્મ આપે તેમ આપણી આ દેશની ધરતી પણ આપણી માતા છે અને તેનું રક્ષણ કરવું એ પણ આપણુ જ કર્તવ્ય છે. “જનની જન્મભૂમિ… સ્વર્ગયાદપી.. “એ રીતે જ..અત્યારના સમયમાં પોતાની માતૃભૂમીના રક્ષણ કાજે આ નરબંકાઓ પોતાના પરિવારથી હજારો માઇલ દૂર રહી પોતાની ફરજો વફાદારીથી બજાવે છે. પોતાના સુખ ચેન, ઈચ્છાઓ અને પરિવાર સાથે રહેવાની મનસા.. આ બધાંને તીલાંજલિ આપી નીડરતાથી , ધીરતાથી, એક અડીખમ પર્વતની જેમ દેશ રક્ષા કાજ સરહદો પર વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહે છે. આમ રણસંગ્રામને પોતાનું જીવન બનાવ્યું છે.સુખ સાહ્યબી છોડી તડકાં છાંયડાને પોતાના જીવન સાથી બનાવ્યા છે.
  આમ ધીરતા , નીડરતા ને મક્કમતા એજ બહાદુરીનો મૂળભૂત પાયો. જે શુરવીરની આન, બાન ને શાન છે.દુશ્મનોનો નાશ કરવો એ જ એમનું અસલી સામર્થ્ય છે.. એ જ એમનો વર્લ્ડ કપ છે.આ શૂરવીરોની શૂરતાથી.. શૌર્યથી દેશના કરોડો લોકો.. આખી જનતા નિરાંતે નિંદર માણી શકે છે. શૂરવીરોની નિંદ્રા કાગડા જેવી છે.. ક્યારે કઈ બાજુથી , કોણ ત્રાટકશે.. સદા તૈયાર રહેવું પડે છે.. આ છે આપણાં દેશના વીર જવાનો..
  યે દેશ હે વીર જવાનોકા , અલબેલોકા, મસ્તાનોકા…. યે દેશ હે યારો…યે દેશકો ક્યાં કહના…. આ સાચું જ કહ્યું છે..કોઈ હિન્દી ચિત્રપટમાં. સાચે જ હિન્દુસ્તાન વિરોનો દેશ છે.. શૌર્યનો મહેરામણ અહીં અહર્નિશ ઉછળતો નજરે પડે છે. ભારતની પ્રજાની શાંતી આ શૂરવીરોને આભારી છે.

             ભલે દેશમાં ઘરઘરે દીપ જલે સૌ નારી થકી
             પણ રાતો ઝગતી સરહદે, વીર જવાનો થકી..!

  પ્રતીક્ષાબેન પંડ્યા.
  અમદાવાદ.

  પ્રકાર:-પંક્તિઓનો આસ્વાદ

  અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
  તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

    ઉક્ત પંક્તિમાં કવિ ખલિલ ધનતેજવી સાહેબ શૂરવીરોની વીર ગાથાનું વણૅન કરે છે. દેશ જયારે દુશ્મનોનો સામનો કરી રહ્યો હોય ત્યારે રાતની પરવા કર્યા વગર તહેવાર કે રજાની પરવા કર્યા વગર પરિવારની ચિંતા કર્યા વગર રાતો અજવાળી છે. તમે તમારા ઘેર દિપ સળગાવી દિવાળી ઉજવો છો કે પ્રકાશ ફેલાવો છો,જયારે અમે પોતાની જાતને બાળીને દેશની રક્ષા કરીએ છીએ.

  વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
  મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

  આ બીજી પંક્તિમાં કવિ સહજ માનવ સ્વભાવ મુજબ મનમાં ઉઠતી ઈચ્છાઓની વાત રજૂ કરી છે.દરેકને તહેવાર ઉજવવાની ઈચ્છા હોય છે, પરંતુ એને પંપાળીને દબાવી રાખી છે.મનમાં તો હૈયા હોળી સળગે છે,પણ ચહેરા પર આનંદ છવાયેલો હોય છે.

  તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
  જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

  આ પંક્તિમા કવિ મળવાની રાહ જોઈને આંખો પલકવાનું પણ ભૂલી ગઈ હોય એવું દશાૅવે છે.પરિવારને જોવાની ઉત્કટતા એટલી હદે આવી જાય છે, નજરથી નજર મળે ત્યારે પાંપણો ઢાળી છે એમ કવિ કહેવા માંગે છે.

  – ખલિલ ધનતેજવી https://youtu.be/ZjRSo1hnAMk

  ભારતસિંહ ઠાકોર (સરલ)
  ચોરસા,મહીસાગર