પૂજારીએ સિક્યુરિટી ગાર્ડ સાથે મંદિરને સાંજે તાળું મારી ચાવી પોતાની પાસે રાખી હતી
બારડોલીઃ કામરેજમાં દાદા ભગવાન મંદિરનાં તાળા તૂટયા, મંદિરનાં ગર્ભગૃહમાં સીમંધર સ્વામીની મૂર્તિના સોનાની વરખ ચઢાવેલા ચાંદીની 11,598 ગ્રામનાં ઘરેણા ચોરાયા કુલ 83,387 રૂપિયાની ચોરીની કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. મંદિરનાં સીસીટીવી કેમેરામાં 10મી ફેબુ્આરીનાં સવારનાં 4.00 વાગે બે ચોર ઇસમો કેદ થયા હતાં. કામરેજનાં સુપ્રસિદ્ધ દાદા ભગવાન મંદિરને 10 મી ફેબુ્આરીની વહેલી સવારે ચાર વાગે ચોર ઇસમોએ ટારગેટ બનાવી મંદિરની મુખ્ય મૂર્તિ સીમંધરસ્વામીની મૂર્તિના ઘરેણા ચોરી કરી જતા ચકચાર મચી છે.મંદિરના પુજારી ભરત નથમલજી રાવલે કામરેજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 9ની સાંજે 8.00 વાગે મંદિરનાં મુખ્ય ઈન્ચાર્જ સિક્યુરીટી સાથે મંદિરનાં દરવાજાને તાળુ મારી ઘરે ગયા હતા. સવારે પુજારી ભરતભાઇ વોચમેન રોહિતભાઈ સાથે મંદિર પાસે આવેલા ત્યારે દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં નીચે પડેલુ હતું. જેથી મંદિરમાં ચોરી થયેલાનું જણાતાં સોનાના વરખવાળા ચાંદીના ઘરેણા ચોરાઇ ગયેલા માલુમ પડયા હતા.
ચોરાયેલા સોના-ચાંદીના દાગીનાની વિગત
- ચાંદીની ધાતુનાં સોનાની વરખવાળા 2 નંગ બાજુ બંધ જેનું એકનું વજન 2986 ગ્રામ તથા બીજાનું વજન ગ્રામ
- ચાંદીની ધાતુનાં સોનાની વરખવાળા બે પોંચી જેનું એકનું વજન 1732 ગ્રામ તથા બીજાનું વજન 1712 ગ્રામ
- ચાંદીની ધાતુનું સોનાની વરખવાળું નાળિયેર જેનું વજન 2140 ગ્રામ
- આામ ચાંદીનાં સોનાની વરખવાળા આભૂષણો આશરે વજન 11598 ગ્રામ જેનું એક કિલો ચાંદીના ભાવ 6500 રૂપિયા લેખે 75387 રુપિયા તથા બે તોલા સોનાના વરખની કિંમત 8000 રૂપિયા મળી કુલ 83387 રૂપિયાની મતાની ચોરી કરી તસ્કરો લઇ ગયા હતા.
બે તસ્કરો 25થી 30 વર્ષનાઃ મંદિરના સીસીટીવી ફુટેજ ચેક કરતા તા. 10-2-2020ના સવારના ચારેક વાગ્યે અજાણયા બે ઇસમો લોખંડના સળિયા સાથે મંદિરમાં પ્રવેશ કરતા જણાઇ છે, જેઓની ઉંમર આશરે 25થી 35 વર્ષની જણાઇ છે. મંદિરમાં ચોરીની ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આરંભી છે.
દાનપેટી બચીઃ દાદાભગવાન મંદિરમાં તસ્કર ચોરી કરવા ઘૂસ્યા ત્યારે દાનપેટી ચોરવા માટે દાનપેટીનો બહારનો લોક તોડ્યો હતો. પરંતુ દાન પેટીની અંદર પણ લોક હોય જે લોક તસ્કરોથી ન તૂટતા દાનપેટી ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતાં.