કોંગ્રેસનો વિરોધઃ શુક્રવારે કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ સહિત 335 નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, જેમને સાંજે છોડી દેવામાં આવ્યા હતા. અગાઉ જ્યારે પોલીસકર્મીઓ ધરણા પર બેઠેલા દીપેન્દ્ર હુડ્ડાને ઉઠાવી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ હુડ્ડાને પોલીસની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધી હુડ્ડાનો શર્ટ પકડીને તેમને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. બીજી તરફ પોલીસકર્મીઓ દીપેન્દ્ર હુડ્ડાને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન લાંબો સમય સુધી ધક્કામુક્કી ચાલુ રહી હતી અને સ્થળ પર હાજર કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે જ સમયે, રાહુલ ગાંધી હુડ્ડાને પોલીસકર્મીઓની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતા રહ્યા.
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને શ્રીનિવાસ બીવી ધરણા પર બેઠા હતા. સેંકડો કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને ત્યાં ઊભા રહી ગયા અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર હતા. શ્રીનિવાસ બીવી સતત નારા લગાવી રહ્યા હતા. આ વીડિયો શેર કરતાં શ્રીનિવાસ બીવીએ ચેતવણીના સ્વરમાં લખ્યું, “સરકાર આવશે, સરકાર જશે. દિલ્હી પોલીસે આ વાત યાદ રાખવાની છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા હતા, જેને હટાવવા માટે મહિલા પોલીસકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બાદમાં પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી પોલીસે કોંગ્રેસના 65 સાંસદોની અટકાયત કરી હતી.