એ ઈન્ડિયાની એક ફ્લાઈટે શનિવારે સવારે દિલ્હીથી રશિયા જવા માટે ઉડાન ભરી હતી. ત્યાં સુધી બધુ જ બરાબર હતું, તેવામાં એક ફોન કોલ મારફતે જાણ થઈ કે ફ્લાઈટ ઉડાવી રહેલો પાયલટ જ કોરોના પોઝિટિવ છે. જેના કારણે ફ્લાઈટને અડધે રસ્તેથી જ દિલ્હી પરત બોલાવી લેવી પડી હતી.

એર ઈન્ડિયાની આ ભૂલના કારણે આજે કોરોનાની મોટી દુર્ઘટના ઘટી સકે તેમ હતી પરંતુ સમય રહેતા પરિસ્થિતિને સુધારી લેવામાં આવી હતી. દિલ્હીથી મોસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની આ ફ્લાઈટને અડધા રસ્તેથી જ પરત બોલાવી લેવી પડી હતી. ફ્લાઈટને જ્યારે પરત દિલ્હી આવવા માટેની સૂચના આપવામાં આવી ત્યારે ફ્લાઈટ ઉઝ્બેક્સિતાન સુધી પહોંચી ગઈ હતી.

ફ્લાઈટે ઉડાન ભરી તેના થોડા સમય અગાઉ જ પાયલટનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સ્ટાફે ભૂલથી રિપોર્ટમાં પોઝિટિવની જગ્યાએ નેગેટિવ વાંચી લીધું હતું અને પાયલટને મોસ્કો જવા દેવા માટેની પરવાનગી આપી દીધી હતી. આ ફ્લાઈટ મોસ્કોથી ભારતીયોને લાવવા માટે રવાના થઈ હતી. તેથી તે સમયે ફ્લાઈટમાં કોઈ પ્રવાસી નહતા ફક્ત પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ જ હતા.

પ્રાપ્ય જાણકારી પ્રમાણે ફ્લાઈટને બપોરે 12.30 વાગ્યે દિલ્હી પરત લાવવામાં આવી હતી. કેબિન ક્રૂને હાલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. પ્લેનને પણ સેનેટાઈઝ કરી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ અન્ય વિમાનને મોસ્કો માટે રવાના કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:-  સુરતમાં વ્યાજખોરોનો આતંક, યુવકને જાહેરમાં માર્યો માર, ઘટના સીસીટીવીમાં કેદ