જો કોઈ શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરશે, તો સરકાર આ બાબતે પગલા લેશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું

રાજ્યમાં કોરોના વાયરસના કારણે શાળા, કોલેજોને ખોલવા બાબતે શિક્ષણ વિભાગ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે લોકડાઉન વચ્ચે એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીને ફી ભરવા માટે કહેવામાં આવે છે. ત્યારે આ પરિસ્થિતિમાં જો કોઈ શાળાઓ વિદ્યાર્થીઓના વાલીઓને શાળા ફી ભરવા માટે દબાણ કરશે, તો સરકાર આ બાબતે પગલા લેશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેઓને એક ઈન્ટરવ્યુંમાં શાળા ખોલવા બાબતે અને શાળાની ફી બાબતે વાતચીત કરી હતી.

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને સરકાર શાળાઓ ચાલુ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળા ખોલવા બાબતે જણાવ્યું હતું કે, શાળા બાબતે સરકાર બોવ સ્પષ્ટ છે કે, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને સરકાર શાળાઓ ચાલુ કરશે પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે ઓનલાઈન અભ્યાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. વાતાવરણ શુદ્ધ બનશે અને બાળકોની જિંદગી જોખમમાં ન મૂકાય જાત તે રીતે અમે શાળાઓ શરૂ કરીશું.

ફી બાબતે તેમને જણાવ્યું હતું કે, ફી બાબતે દબાણ કરતા હોય, તો ચોક્કસ સરકારને ફરિયાદ કરો, સરકાર પગલા લેશે.

મહત્ત્વની વાત છે કે, લોકડાઉનમાં બે મહિનામાં લોકોના ધંધા, રોજગાર સજ્જડ બંધ રહ્યા હતા. તેથી ઘણા વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ છે. કેટલાક લોકોના ઘરમાં અનાજ ખરીદવાના પણ પૈસા નથી. લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર લોકોને ફ્રીમાં અનાજ આપી રહી છે.

તો બીજી તરફ આ પરિસ્થિતિમાં શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરે તો વાલીઓમાં ચિંતા વધી શકે છે. એટલા માટે ફી ભરવાને લઇને અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ મહત્ત્ત્વની જાહેરાત કરી હતી કે, શાળાઓ દ્વારા ચાલુ વર્ષની ફીમાં વધારો કરી શકાશે નહીં. જુના સત્રની ફી બાબતે શાળા વાલીઓને પ્રેસર કરી શકશે નહીં. વાલીઓ ગત સત્રની ફી ઓક્ટોબર મહિના સુધીમાં ભરી શકશે.

આ પણ વાંચો:-  આજથી વધ્યા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ, જાણો શું છે નવો રેટ

શાળાને લઇને સરકારે કોઈ નિર્ણય લીધો નથી

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પાંચમાં રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના ધંધા, ઉદ્યોગોને છૂટ આપી છે ત્યારે શાળાને લઇને સરકારે કોઈ નિર્ણય લીધો નથી. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, જૂન મહિનામાં વેકેશન હોય છે એટલે વેકેશન છે. જ્યારે શાળાઓ શરૂ કરવાનો સમય આવશે તે દરમિયાન અમે દરેક સંચાલકો, અગ્રણીઓ અને તજજ્ઞો સાથે ચર્ચા કરીશું અને ત્યારબાદ શાળાઓ ક્યારથી ચાલુ કરવી, કયા સ્વરૂપમાં કરવી તેનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.