પંજાબ પોલીસે ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગના સંબંધમાં બે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. બુધવારે સવારે 4.35 કલાકે ભટિંડા મિલિટરી સ્ટેશન પર થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. ઘટના બાદ તરત જ સેનાએ સમગ્ર મિલિટ્રી સ્ટેશનને સીલ કરી દીધું અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.
આ ઘટના બાદ પંજાબ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સૈન્ય સ્ટેશન પરની ઘટનાને “પોતાની વચ્ચે ગોળીબારની” ઘટના તરીકે વર્ણવવામાં આવી હતી. પંજાબના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ એસપીએસ પરમારે મીડિયાને જણાવ્યું કે, “આ કોઈ આતંકવાદી હુમલો નથી, કોઈ બહારની વ્યક્તિએ હુમલો કર્યો નથી. આ પરસ્પર ગોળીબારની ઘટના છે.
પંજાબ પોલીસ પહેલા, ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સૈન્ય મથક પર ગોળીબારની ઘટના સવારે 4.35 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારબાદ ક્વિક રિએક્શન ટીમને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ ઘટનામાં જીવ ગુમાવનારા જવાનોના પરિવારજનોને જાણ કરી છે.
INSAS રાઈફલ મળી
ભારતીય સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભટિંડા મિલિટરી સ્ટેશનમાંથી ગુમ થયેલી INSAS રાઈફલ મળી આવી છે. ચાર જવાનોની હત્યામાં આ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આ રાઈફલ બુધવારે સવારે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદરથી મળી આવી હતી.
ભારતીય સેનાના સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સેનાની મદદથી ચાલી રહેલી પોલીસ તપાસ સિવાય સમગ્ર ઘટનાની તપાસ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી દ્વારા કરવામાં આવશે. પંજાબ પોલીસે શરૂઆતમાં આ ઘટનામાં આતંકવાદી એંગલ હોવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભટિંડાનું આર્મી બેઝ ભારતીય સેનાના સૌથી મોટા સૈન્ય મથકોમાંથી એક છે. આ મિલિટરી સ્ટેશનમાં સેનાના ઘણા ઓપરેશન યુનિટ છે. સેનાએ આ ઘટનામાં કોઈ વ્યક્તિની ધરપકડની માહિતી આપી નથી.