Saturday, July 24, 2021
More

  Latest Posts

  રાજકોટ યાર્ડમાં કમિશન એજન્ટ એસો.ની ઓફિસ સીલ, પ્રમુખ સહિત 3ને નોટિસો

  – વારંવાર અચાનક-અનિશ્ચિત મુદતની હડતાળોથી ત્રાસીને યાર્ડનું પગલુ

  – યાર્ડમાંથી વચેટિયાઓને ક્રમશઃ દૂર કરવા ચેરમેનનો નિર્દેશ,સહકારી મંડળીઓ જ ખેડૂતોનો માલ ખરીદીને કરશે વેચાણ

  – કૃષિ પેદાશની સીઝનમાં યાર્ડ દસ દિવસથી બંધ! હજારો ખેડૂતોનો કરોડોનો કૃષિ માલ અટવાઈ ગયો

  – યાર્ડના ખુદ એક ડિરેક્ટર પણ હડતાળમાં જોડાતા તેને પણ અપાતી નોટિસ, સસ્પેન્સનની થશે કાર્યવાહી

  રાજકોટ માર્કેટયાર્ડમાં મચ્છરોના અતિશય ત્રાસ સામે એકસૂરમાં દરેકનો વિરોધ હવે ગૌણ બની ગયો છે અને પોલીસ કેસના મુદ્દે યાર્ડના અમુક વેપારી આગેવાનો અને યાર્ડના સત્તાધીશો વચ્ચેના ગજગ્રાહનો મુદ્દ મુખ્ય બન્યો છે.હડતાળ આજે દસ દિવસે પણ નહીં સમેટાતા અને હજારો ખેડૂતો, મજુરોની રોટીરોટીનો પ્રશ્ન ઉભો થતા અંતે માર્કેટ યાર્ડ આકરા પાણીએ થયું છે. આજે કમિશન એજન્ટ એસોસીએશનને યાર્ડમાં ફાળવાયેલી કચેરીને સીલ કરી દેવાઈ હતી અને છાશવારે અચાનક અને અનિશ્ચિત મુદતની હડતાળના દુષણને ડામવા હવે યાર્ડમાંથી દાયકાઓ જુની કમિશન એજન્ટ (દલાલો)ની પ્રથા જ નાબુદ કરવાનો નિર્દેશ પણ યાર્ડે આજે આપ્યો હતો.

  હડતાળની આગેવાની લેનારા કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી, ખુદ યાર્ડના જ ડિરેક્ટર અને વેપારી વલ્લભ પાંચાણી અને કિશોર દોંગા એ ત્રણ આગેવાનોને શોકોઝ નોટિસ ફટકારાઈ છે તેમ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું હતું. ઓફિસ સીલ કરવાની અને નોટિસ ફટકારવાની કાર્યવાહીનું રોજકામ કરાયું છે અને અન્ય આગેવાનો જે મચ્છરોનો ઉપદ્રવ દૂર  કરવાની કાર્યવાહી થઈ અને આ પ્રશ્ન હળવો થયો છતાં હડતાળ જારી રખાવે છે તેમને નોટિસ આપવા અને લાયસન્સ રદ કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે.

  આ પણ વાંચો:-  રાજકોટમાં એક વર્ષમાં 90 મંડળીઓ દૂધમાં ભેળસેળ કરતી પકડાઈ

  તેમણે ઉમેર્યું કે યાર્ડને હડતાળથી વારંવાર બાનમાં લેવાય તે કોઈ સંજોગોમાં સાંખી લેશું નહીં, વળી સરકારનો નિર્દેશ છે તે મૂજબ યાર્ડમાંથી ખેડૂતો અને નાના વેપારીઓ વચ્ચે વચેટિયા અર્થાત્ કમિશન દલાલોની પ્રથા જ ક્રમશઃ નાબુદ કરવા પણ કાર્યવાહી હાથ ધરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. તેના વિકલ્પે વિવિધ સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ સાથે પરામર્શ ચાલી રહ્યો છે અને તેમના મારફત ખેડૂતોની કૃષિ જણસોની ખરીદી અને વેચાણ કરાવવા પણ તજવીજ હાથ ધરાઈ છે. યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું કે ૯૫ ટકા વેપારીઓ તો શાંતિથી ધંધો કરવા માંગે છે પણ કેટલાક આગેવાનો યાર્ડમાં રહીને યાર્ડના તંત્ર સામે કાવાદાવા કરે છે. આ અંગે કમિશન એજન્ટ એસો.તરફથી કોઈ પ્રતિભાવ કે વિગતો જારી કરાઈ ન્હોતી તે ઉલ્લેખનીય છે.  

  આ પણ વાંચો:-  રાજકોટમાં એક વર્ષમાં 90 મંડળીઓ દૂધમાં ભેળસેળ કરતી પકડાઈ

  બીજી તરફ માર્કેટયાર્ડ ક્યારે ખુલશે તે અનિશ્ચિતતાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. સેંકડો મજુરોની આજીવિકા પર પ્રશ્નાર્થ સર્જાયો છે. દસ દિવસમાં રૂ.૧૦૦થી ૧૨૦ કરોડનું ટર્નઓવર અટકી ગયું છે, અર્થાત્ એટલી રકમની કૃષિપેદાશો વેચાયા વગર અટવાઈ જતા અને તે પણ ઘંઉ, મરચા,જીરુ વગેરેની સીઝન આવી રહી છે ત્યારે ઠપ્પ થતા ખેડૂતોમાં પણ યાર્ડની કામગીરી સત્વરે ચાલુ કરાવવા તીવ્ર માંગ ઉઠી છે.