ઈન્દિરા બ્રિજથી રોડ શો પૂરો થશે, બંને નેતા ભાટ- કોટેશ્વર રોડથી સોસાયટીઓમાં રોડ પર થઈ સ્ટેડિયમ જશે
અમદાવાદ: આવતી 24મી ફ્રેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે. સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઓપનિંગ થવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશવાના રસ્તા પરની દીવાલો પર સ્વચ્છ ભારત, મોટેરા તેમજ વિવિધ સ્લોગન લખીને વોલ પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઈન્દિરા બ્રિજથી રોડ શો પૂરો થઈ જશે. સીધા ભાટ- કોટેશ્વર રોડથી સોસાયટીઓમાં રોડ પર થઈ સ્ટેડિયમ જશે.
ટ્રમ્પ મેટ્રોની કામગીરીને પગલે સીધા મોટેરા નહીં જાય
મોદી અને ટ્રમ્પને સોસાયટીઓના અંદરના રોડ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જે રોડ પર મેટ્રો રેલનું કામ ચાલે છે તે રોડ પરથી નહી લઈ જવાય. કોટેશ્વર મંદિર ત્રણ રસ્તાથી ભગીરથ ટેનામેન્ટ રોડ થઈ શાંતિ એનકલેવ સોસાયટી પાસેથી આશારામ આશ્રમ પાસેથી સ્ટેડિયમમાં કલબ હાઉસ પાસેથી ટ્રમ્પ અને મોદીનો કાફલો સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. આ રોડ પર વોલ પેઇન્ટ કરવામાં આવ્યા છે.
રોડ-શો માટે 8 ડિઝાઈનના 350 હોર્ડિંગ
રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા 350થી વધુ હોર્ડિંગ્સ લગાવાશે. આ હોર્ડિંગ્સની ડિઝાઈન અને ફોટા પીએમઓએ મંજૂર કર્યા છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યકિતત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેૃતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર..જેવા સ્લોગન જોવા મળશે.