
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૯૮.૮૦ સામે ૫૮૪૨૧.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૪૪.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૪.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૩૮૭.૯૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૮૭.૮૫ સામે ૧૭૪૨૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૬૩.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૧૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ચાઈનાએ યુદ્વ અભ્યાસના નામે તાઈવાનના પૂર્વ ભાગમાં મિસાઈલ હુમલા કરીને અમેરિકી હાઉસ સ્પિકરની તાઈવાન મુલાકાતનું પરિણામ ભોગવવા તાઈવાનને સંકેત આપતાં જીઓપોલિટીકલ ટેન્શનની વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ૦.૫૦%ના વધારા બાદ જોવા મળેલી શરૂઆતી તેજી સામાન્ય ધોવાઈ હતી પરંતુ વ્યાજદર વધારાના નિર્ણયની સાથે આરબીઆઇએ મોંઘવારી અને જીડીપીનું સકારાત્મક અનુમાન આપતા બજારમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને ભારતીય શેરબજાર પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યું હતું.
અલબત ભારતીય શેરબજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દરેક ઘટાડે શેરોમાં ખરીદદાર બન્યા હોઈ આજે પણ અસાધારણ વોલેટીલિટીના બજારમાં ઘટાડે શેરોમાં ખરીદીની તક ઝડપતાં બજાર અંતે બીએસઇ સેન્સેક્સ ૮૯ પોઈન્ટ વધીને અને નિફટી ફ્યુચર ૨૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. યુટિલિટીઝ, પાવર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી સામે ટેલિકોમ, બેઝિક મટિરિયલ્સ, આઇટી અને ટેક શેરો સાથે બેન્કેક્સ, ફાઈનાન્સ અને રિયલ્ટી શેરોમાં ફંડોની તેજીએ બજારને જરૂરી ટેકો આપ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૦૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૧.૩૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, બેઝિક મટિરિયલ્સ, ટેક, આઈટી, બેન્કેક્સ, રિયલ્ટી, ફાઈનાન્સ, એફએમસીજી અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૩ અને વધનારની સંખ્યા ૧૮૦૮ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મોંઘવારીને ડામવા માટે ભારત સહિત ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજ દરમાં ક્રમશઃ વધારો કરતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના ૨૮ વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે ૧૯૯૫ બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આજે આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં ૦.૫૦% નો વધારો કર્યો છે. માર્ચ થી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે. આરબીઆઈએ પાંચ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં ૦.૫૦%નો વધારો કરીને રેપોરેટ ૪.૯%થી વધારી ૫.૪% કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં ૦.૩૫%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં ૦.૫૦%નો વધારો કરીને અગ્રેવિસ પોલિસી બતાવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટની મોનેટરી પોલિસીના અંતે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે દેશના વૃદ્ધિદરનું અનુમાન ૭.૨% યથાવત રાખવામાં આવ્યું છે. આ સિવાય એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે વ્યાજદરનું અનુમાન ૬.૭% મૂકવામાં આવ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ ૬.૨%, ઓક્ટોબર ડિસેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ ૪.૧% અને જાન્યુઆરી-માર્ચ ૨૦૨૩ના ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દર નું અનુમાન ૪% અંદાજવામાં આવ્યું છે.