બેંગલુરુ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારત તરફથી કોઈ પણ પગલું ભરતા પહેલા ક્રિપ્ટો રેગ્યુલેશન પર વૈશ્વિક સર્વસંમતિ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે આના પર વૈશ્વિક બ્લૂ પ્રિન્ટ બનાવવી પડી શકે છે. આના પર બધાએ સાથે મળીને કામ કરવું પડશે, નહીં તો તેના નિયમનનો કોઈ ફાયદો થશે નહીં. નાણામંત્રીએ જોકે કહ્યું કે આનો અર્થ એ નથી કે ‘ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી’ને નિયંત્રિત કરવી. સીતારમણે કહ્યું કે, G20ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન આ અમારો પ્રસ્તાવ હતો. મને ખુશી છે કે G20 એ આ વર્ષના તેના એજન્ડામાં આને રાખ્યું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ક્રિપ્ટો કરન્સી પર એક પરિપત્ર આપ્યો છે કે તે કેવી રીતે મેક્રો ઇકોનોમિક સ્થિરતાને અસર કરી શકે છે. G20 દ્વારા સ્થપાયેલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) એક રિપોર્ટ આપવા સંમત થયું છે, જે નાણાકીય સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, HLFSB રિપોર્ટ અને IMF રિપોર્ટ પર જુલાઈમાં નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની G20 બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તે પછી સપ્ટેમ્બરમાં ભારતમાં જ G20 દેશોના વડા પ્રધાનો અને પ્રમુખોની સમિટ બેઠક થશે.” નાણા પ્રધાન અહીં થિંકર્સ ફોરમ, કર્ણાટક સાથેની વાતચીત દરમિયાન ડિજિટલ અથવા ક્રિપ્ટો ચલણના નિયમન સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.