-પવનના કારણે વિકરાળ બની આગ મંદિર સુધી પહોંચી
-પારનેરા અને
આસપાસના ગામના યુવાનો અને ફાયરબ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમતે આગ કાબુમાં લીધી
વલસાડ
વલસાડ નજીક પ્રસિદ્ધ ધાર્મિક
સ્થળ તરીકે પ્રખ્યાત એવા પારનેરા ડુંગર પર સોમવારે રાત્રે આગ લાગતાં અને
ભારે પવનને લીધે આગ વધુ ફેલાતાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પારનેરા અને આસપાસના
ગ્રામજનો અને યુવાનોએ દોડી જઇ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ
નજીક આવેલા પારનેરાના ડુંગર પર સોમવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ ભારે પવનને
લઇ વિકરાળ બની હતી. આગ મંદિર સુધી પહોંચી ગઈ હતી. વલસાડ શહેર અને દૂર સુધી આગના
દ્રશ્યો દેખાયા હતા. બનાવ અંગેની જાણ પારનેરાના રહીશો અને આસપાસનાં ગામલોકોને થતા
તાત્કાલિક ૨૦૦થી વધુ યુવાનો આગ ઓલવવા માટે દોડી ગયા હતા. અને ડોલમાં પાણી ભરી આગ
ઓલવવા માટે મથામણ કરી હતી. બીજી તરફ વન વિભાગ, પોલીસ અને ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં
આવી હતી. ફાયરફાયટરોએ દોડી આવી સ્થાનિકો સાથે ૩ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી
લીધો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. પણ પ્રાથમિક દ્રષ્ટીએ બે શક્યતા
દેખાઇ રહી છે. એક તો નજીકના હનુમાન મંદિરમાં દીવો કર્યો હોય અને તે પડી જવાથી આગ
લાગી હોય શકે અથવા તો દવા લાગ્યો હોય શકે. જ્યારે ભારે પવન ચાલતા હોય ત્યારે,
ડુંગર પર વૃક્ષના લાકડાઓના ઘર્ષણને લઇ તણખા થતાં હોય અને દવ લાગે
છે. સોમવારે રાત્રે વલસાડ પંથકમાં ભારે પવન ચાલતો હતો. પારનેરા પર દર એક કે બે
વર્ષે દવ લાગવાના બનાવો બને છે. જોકે,
ગત રાત્રે આ આગ થોડી વધુ પ્રસરી ગઇ હતી.
અહીં આગ
ઓલવવા માટેની કોઈ વ્યવસ્થા નથી જેને કારણે આગ વધુ ફેલાઇ હતી. અગાઉ પણ અવાર નવાર
પારનેરા ડુંગર પર આગ લાગવાના બનાવો બન્યા હોવા છતાં ડુંગર પર આગ ઓલવવા માટેની કોઇ
વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બનાવ બાદ પારનેરા ડુંગર પર મંદિરે આવતા દર્શનાર્થીઓ
અને ગ્રામજનોમાં આવી ઘટનાઓ બને ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય અને તેને પહોંચી
વળવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
.