ભરૂચની એક કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા તો બીજી તરફ કંપનીમાંથી ધડાકાનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગના પગલે તંત્ર દ્વારા આસપાસના ત્રણ જેટલા ગામડાઓને ખાલી કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટનામાં 15થી વધુ કર્મચારીઓ દાઝ્યા છે અને બે કામદારોના મોત નિપજ્યા છે. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને દાઝી ગયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

રિપોર્ટ અનુસાર દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં કોઈ કારણસર બોઈલરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા હતા. તો બીજી તરફ બોઇલર બ્લાસ્ટ થવાના કારણે ધડાકાનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા આસપાસના ગામોને ખાલી કરાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને માહિતી મળી હતી કે, કેમિકલ કંપનીમાં So2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેથી ફાયરના જવાનોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને જે જગ્યા પર આગ લાગી હતી, તે જગ્યા પર હાઇડ્રોજન ગેસનું ટેન્કર હોવાથી ફાયર ફાયટરોએ કુલિંગની પ્રક્રિયા શરૂ કરી હતી.

યશસ્વી કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં 15થી વધુ કર્મચારીઓ દાઝયા હોવાની માહિતી મળી છે અને આ કર્મચારીઓમાં 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તો બીજી તરફ ફાયર ફાયટરોને આગ ઓળવ્યા બાદ કંપનીમાંથી બે કર્મચારીના મૃતદેહ પણ મળી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર અર્થે તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બે કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:-  ધારાસભ્ય સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ એજન્સીનું 11 મહિનામાં બીજીવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું