અહેમદ પટેલ ખુદ હવે કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે.

અનેક દિવસો સુધી પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યાં બાદ ગુજરાત કોંગ્રેસનાં માથા પરથી સંકટના વાદળો દૂર થતાં જોવા મળી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજનીતિના કુશળ જાણકાર અહેમદ પટેલ ખુદ હવે કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ અહેમદ પટેલનાં રાજકીય ગણિત આગળ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસનાં ઉમેદવારને વોટ આપવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું

ગુજરાત કોંગ્રેસ માટે એક બાદ એક સુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે એનસીપી (NCP) દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને વોટ આપવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જેઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. પણ હવે વ્હીપ આવતાં એનસીપીનો એક વોટ કોંગ્રેસના ફાળે આવશે. તેવામાં હવે કોંગ્રેસનાં બંને ઉમેદવારો જીતની આશાનું કિરણ જન્મ્યું છે.

કોંગ્રેસને હવે જીત માટે BTPના ધારાસભ્યોનો મત મેળવવો ખુબ જ જરૂરી

કોંગ્રેસને હવે જીત માટે BTPના ધારાસભ્યોનો મત મેળવવો ખુબ જ જરૂરી છે. અને બીટીપી (BTP)ને મનાવવા માટે ખુદ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલ ચૂંટણીનાં જંગમાં ઉતરી આવ્યા છે. બીટીપીના નેતા છોટુ વસાવા સાથે અહેમદ પટેલ સંપર્કમાં છે. અને બીટીપીના બંને મત કોંગ્રેસનાં મળે તે માટે અહેમદ પટેલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આ માટે અહેમદ પટેલે છોટુ વસાવા સાથે વાટાઘાટો પણ શરૂ કરી દીધી છે.

ગુજરાતની બેઠક પરથી અહેમદ પટેલનો વિજય થયો હતો.

ગત રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં બે ધારાસભ્ય ભોળાભાઈ પટેલ અને રાઘવજી પટેલના મત ચૂંટણી પંચે રદ કર્યા હતા. તેની સાથે જ ગુજરાતની બેઠક પરથી અહેમદ પટેલનો વિજય થયો હતો. ચૂંટણી પંચના નિર્ણય સામે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો:-  રાજ્યમાં કોરોનાનો નવો રેકોર્ડ, 24 કલાકમાં 1078 પોઝિટિવ કેસ, 28 મોત, કુલ સંખ્યા 52,563

2017ની રાજ્યસભાની એ યાદગાર ચૂંટણી

2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો. એ વખતની હાઈ-પ્રોફાઇલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસનાં અહમદ પટેલની ટક્કર બળવતસિંહ રાજપૂત સાથે હતી. ભાજપે અહેમદ પટેલને હરાવવા માટે તમામ કોશિશ કરી લીધી હતી. કોંગ્રેસના 57માંથી 15 ધારાસભ્યોનાં રાજીનામા પડાવી લીધા હતા અને ક્રોસ વોટિંગ પણ કરાવ્યું હતું. જે બાદ અહેમદ પટેલ હારે તેવી પૂરેપૂરી સંભાવના હતી.

પણ તે જ વખતે શક્તિસિંહ ગોહિલે ટેક્નિકલ કારણો આગળ ધરીને ભાજપના બે વોટ રદ કરાવી દીધા હતા. તો છોટુ વસાવાએ પણ પાર્ટીના વ્હીપને અવગણી અહેમદ પટેલને મત આપ્યો હતો. અને કોંગ્રેસનાં ટ્રબલ શૂટર ગણાતાં અહેમદ પટેલની ચૂંટણીમાં જીત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.