ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 313 પોઝિટિવ રિપોર્ટ નોંધાયા બાદ રાજ્યમાં કોવિડ- 19ના કેસોની સંખ્યા 4395એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં પ્રાથમિક રીતે માત્ર કોરોના વાઈરસને કારણે પાંચ સહિત કુલ 17 દર્દીઓના અવસાનથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 124એ પહોંચ્યો છે. આ સમયમાં વધુ 87ને ડિસ્ચાર્જ મળતા હવે સાજા થઈ ઘરે પહોંચનારા દર્દીઓની સંખ્યા વધીને 613એ પહોંચ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
ગુજરાત સહિત આજે દેશભરના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં વિજય નહેરાએ જણાવ્યું હતું કે, વધુ 3 વોર્ડ રેડ ઝોનમાં મુકાયા છે. અમદાવાદમાં પહેલાથી 6 વોર્ડ રેડ ઝોનમાં હતા, ત્યારે હવે સરસપુર, અસારવા, ગોમતીપુરને પણ કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા રેડ ઝોનમાં મૂક્યા છે.
વિજય નહેરાએ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી શહેરમાં 28034 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 10 લાખની વસ્તીએ 4000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે ગુજરાત માટે ખુબ જ સારી ઘણી શકાય તેવી વાત છે. નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદીઓએ કોરોનાથી ડરવાની જરૂર નથી, બસ સાવધાની એકમાત્ર ઉપાય છે. અમદાવાદમાં અત્યાર સુધી 412 લોકો ડિસ્ચાર્જ થયા હોવાની વાત કરી હતી.
વિજય નહેરાએ આજે શહેરના દરેક લોકોને એક સંકલ્પ લેવાની વાત કરતા જણાવ્યું હતું કે, દરેક અમદાવાદી આજથી એક સંકલ્પ લે કે માસ્ક, સામાજિક અંતર, સેનિટાઈઝેશનનો સંકલ્પ કરશે. તેના વગર તેઓ ઘરની બહાર પણ પગ નહીં મૂકે. તેમણે ઉમેર્યું કે, આજથી શહેરમાં દરેક ફેરિયા, દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહીં કરે તો તેની કડકમાં કડક દંડ કરવામાં આવશે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 104 ટીમ શહેરમાં આ કામગીરીમાં જોડાઈ છે.
વિજય નહેરાએ જણાવ્યું કે, આજે માસ્કના નિયમને ફરજિયાત બનાવાયો છે, ત્યારે અમુક લોકો આ નિયમનો ભંગ કરી રહ્યા છે. આજે બે કલાકમાં 1326 લોકોને દંડ ફટકાર્યો છે. તેમને જણાવ્યું કે, શહેરીજનોને દંડ કરવાનું અમનું પણ પસંદ નથી. પરંતુ લોકો માની રહ્યા નથી. જેના કારણે અમારે સજાની જોગવાઈ કરવી પડે છે.