લેખિકા પારુલ અમીત’પંખુડી’રચિત લેખ, શીર્ષક : પ્રેમ= જરૂરિયાત + લાગણીસભર ક્રિયા.

મનની ગતિ સાથે, મનના વિચારો સાથે સંકળાયેલી ભાવના જે પોતાના પક્ષમાં હોય એ પ્રેમ? શું પ્રેમની વ્યાખ્યા હોઈ શકે ખરી? આપણે ભલે હોશિયારી મારતા હોઈએ કે પ્રેમ એટલે આત્મા સાથે જોડાયેલ એને રંગ રૂપ સાથે લેવા દેવા નહીં. પહેલી નજરમાં થાય એ જ પ્રેમ, પ્રેમ એક જ વાર થાય છે, પ્રેમ કરવાનો હોતો નથી, એ તો થઈ જાય છે, અધઃ અધધ પ્રેમ વિશે લખવા બેસીએ તો પ્રેમ પુરાણ લખાઈ જાય, પણ આ બધું સત્ય અને સચોટ કેટલા અંશે?

- Advertisement -

પ્રેમ એટલે સંભાળ, સ્નેહ અને લાગણી જેવી ક્ષણિક ભાવના જે સમય અને સંજોગો પર આધીન હોઈ શકે. હા સમય પર આધારિત.

દરેકને સૌ પ્રથમ સુંદરતા જ આકર્ષિત કરતી હોય છે. પછીની  બીજી બધી વાતો મન બહેલાવવાની.

પ્રેમની ઉંમર કેટલી? શું પ્રેમ અમર છે? પ્રેમ બીમાર હોઈ શકે, કાચી ઉંમર નો હોઈ શકે, પુખ્ત હોઈ શકે, પણ શું પ્રેમ ટકાઉ હોઈ શકે?
ના ભાગ્યે જ પ્રેમ ટકાઉ સાબિત થાય.
આજે ગળાડૂબ પ્રેમ કરતો  માણસ હમેશાં આમજ કરતો રહેશે?
ના,  ખરા અર્થમાં જોઇએ તો પ્રેમની પરિભાષા સમય અને સંજોગો સાથે પરસ્પર જોડાયેલી છે.
એક વ્‍યકિતના સપોટને કારણે બીજાનો થતો વિકાસ એ પ્રેમ છે.
જ્યાં સુધી એકબીજાને ગમતું ગમતું થાય ત્યાં સુધી પ્રેમ.
પ્રેમ એટલે સ્વતંત્રતા.જો થોડી પણ દખલગિરી થાય તો સાવ ઊંધુ.
જે ક્ષણે મરજી વિરુદ્ધ અથવા મનગમતું ના થયું એ જ ક્ષણે એ પ્રેમ ઓછો, જૂઠો અને કદાચ પ્રેમ નથી જ એવું  પુરવાર થવા લાગે.
પ્રેમનો કોઇ જ આકાર નથી હોતો, પણ એની ભાષા ચોક્કસ હોય છે.
પ્રેમ એ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે, રોજિંદા લાઈફ સ્ટાઇલમાં આ ગહન વાત દિલમાં ઉતારવા આપણે એટલા સક્ષમ, એ લેવલના નથી.
એટલી સામાન્ય વ્યક્તિ રીતે કહું તો પ્રેમ એટલે –
પ્રેમએ માણસનું વર્તન, ભાવના અને લાગણીનો મિશ્ર  સમૂહ છે, જેમાં વ્હાલ,હૂંફ અને વિજાતીય વ્યક્તિ  પ્રત્યેની તીવ્ર લાગણીઓ  સંકળાયેલ છે.

આ પણ વાંચો:-  કોંગ્રેસના 7 ધારાસભ્યોને વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ.

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. આવું આપણે સાંભળ્યું, માન્યું પણ હકીકતમાં આત્મા વિશે આપણું જ્ઞાન કેટલું? કોઈ ધર્મ ગ્રન્થ, કોઈ પુસ્તક, કોઈ શાળા આત્મા અને પરમાત્માથી માહિતગાર કરાવી નહીં શકે. એ પોતે જ કરવું રહ્યું, ખેર ! સાંભળ્યું છે કે પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે.
છતાં દરેક ને રાજકુમાર અને રાજકુમારી જ જોઇએ છે.

નાનપણમાં દાદા પાસે વાર્તા સાંભળ્યા પછી એક જ વિચાર આવતો કૅમ સુંદર પરી? કૅમ રાજકુમાર, કોઈ સામાન્ય વ્યક્તિત્વ વાળો પુરુષ કે સ્ત્રી કોઈના હીરો કે સ્વપ્ન પરી ના હોઈ શકે?
માનસપટલ પર નાનપણથી સુંદર પરી, રાજકુમારી, રાજકુમાર થોપી બેસાડેલા હોય એ પુખ્ત  થાય ત્યારે અચાનક એને સભાન કરવામાં આવે કે બેટા બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા એ જ પ્રેમ.

તો આટલા વર્ષો શું એ વાર્તા માત્ર વાર્તા જ હતી?
કૅમ  કોઈએ એવી વાર્તા નથી લખી,  કોઈ લેખકે કે બેડોળ, જાડી, કાળી ચામડી વાળી સ્ત્રી માટે એક રાજકુમારે યુદ્વ કર્યું એની આંતરિક સુંદરતા જોઈને. શું કોઈની આંતરિક સુંદરતા ને મહેસુસ કરી શકીએ એ લેવલ છે આપણામાં?

જે દિવસે વ્યક્તિની ઓળખમાં સુંદરતા ને નજર અંદાજ કરવામાં આવશે ત્યારે પ્રેમની ખરી વ્યાખ્યા સર્જાશે.
ત્યાં સુધી બધું  મિથ્યા, દરેક ને પ્રેમ સુંદરતા સાથે જ જોઇએ છે.
ભલે એ પ્રેમ ટકાઉ હોય કે ના હોય.પ્રેમ કરવો સહેલો છે. પરંતુ  પ્રેમને સમજવો  એટલો જ મુશ્‍કેલ છે. હું માનું છું ત્યાં સુધી મુશ્કેલ વસ્તુ પ્રેમ હોઈ જ ના શકે? જ્યાં સરળ હોય બધું જ એકમય હોય એ જ પ્રેમ.

પણ પ્રેમ પાછો ત્યાં જ  ટકે જ્યાં આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર  હોય, બાકી પ્રેમ સાઈડ માં રહી જાય અને રિસામણે જતી વ્યક્તિ બીજી સાઈડે. 
ગમતું પાત્ર  ગમતું બધું કરવા દે એટલે પ્રેમનું ઊભરું ઉભરાઈ આવે,  અને સહેજ કંઈક આડું અવળું મરજી વિરુદ્ધ થયું,  કૅમ? શું કામ? આમ કૅમ જેવું આધિપત્ય આવી જાય એટલે એજ ઊભરૂ સમી જાય અને એમાં ગાબડું પડી જાય.

આ પણ વાંચો:-  અંગત ડાયરી અનલોક-2 શુક્રવાર તા:17/7/2020 સ્વ સ્વરમાં સ્વરચિત છંદ.

વિશ્વમાં જો સૌથી ટૂંકી આવરદા હોય તો પ્રેમ ની.. અને લાંબામાં લાંબી તો એ પણ પ્રેમની.

ઘરના મંદિરમાં રાધા કૃષ્ણની પૂજા કરતાં માબાપ દીકરા, દીકરીના પ્રેમના દુશ્મન પણ હોય. ત્યાં પ્રેમની ભાષા અલગ અને પોતાના સંતાન માટે અલગ. કદાચ એ જાણતા હશે કે   પોતાની કુખે જન્મેલ  સંતાન કૃષ્ણ કે રાધા ના લેવલે ના જ અવતરે.

પ્રેમની ઘણી વ્યાખ્યાઓ છે. અથવા ઘણી બધી વસ્તુમાં પ્રેમને આવરી લેવામાં આવ્યો છે.ઘણી ભ્રમિત વ્યાખ્યાઓ ને મગજ માં ગાંઠ બાંધીને ફર્યા  છીએ આપણે એમાંની એક ગાંઠ એટલે સપના ની દુનિયા, પેલા રાજકુમાર ની વાર્તા જેવું.

શું  પ્રેમ ધારણ કરી શકાય, શું એ વધે કે ઘટે? રોકડ ની જેમ આપી શકાય કે લઇ શકાય. મેં તને આપ્યો એટલે તું મને બદલામાં આપ. ના આપી શકે તો પાછો આપ. કારણ પ્રેમ જો નિરાકાર હોય તો  પ્રેમના બદલામાં પ્રેમ માંગી જ ના શકાય. પણ અહીંયા તો વર્ષોથી આ જ ચાલતું આવ્યું છે. ગમ્યું એટલે ટક્યું.બાકી બીજે જોડાયું. નરું સત્ય. કોઈ વસ્તુ કે વ્યક્તિ પરનું આકર્ષણ અને આપણી અમુક અપેક્ષાઓ તથા જરૂરિયાતોને સંતોષવા બંધાયેલો સંબંધ એટલે પ્રેમ.

પ્રેમની વ્યાખ્યા દરેકના દૃષ્ટિકોણથી અલગ પડે છે જે ખરેખર પ્રેમની સુંદરતા છે કારણ કે તેનો એક અર્થ નથી હોતો.

પ્રેમ એટલે બલિદાન જે સંબંધને ગૌરવ આપે છે.
પ્રેમ એટલે સમર્થન જે પ્રતિભાને પ્રેરિત કરે છે.

પ્રેમ  લાગણી પ્રેમ હોઈ શકે,  કાંઇક એવી કે જેના આવવાથી આપણા જીવનમાં પરિવર્તન આવી જાય. દુનિયાની  તમામ સમસ્‍યાઓનું  નાની લાગવા લાગે,  કાંઇક એવુ કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્‍ન બની જાય અને જીવન જીવવું સહેલુ બની જાય.

બહું ઓછા લોકોને આવા ટકાઉ  પ્રેમનો અનુભવ થતો હોય છે. બહું ઓછા લોકોને આવો અલૌકીક સ્‍નેહ મળે છે.

આ પણ વાંચો:-  કોરોના પોઝિટિવ MLA રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરશે

ખરેખર પ્રેમ શું એ જાણવું હોય અને અનુભૂતિ કરવી હોય તો  તમારા પ્રેમીની હા માં હા કરવાનું ટાળી જોજો.. પ્રેમ ની ઉંમર અને પ્રેમનું અસ્તિત્વ પરખાઈ જશે એક જ ક્ષણમાં.
ખરા અર્થમાં પ્રેમની કોઈ વ્યાખ્યા જ  નથી.

તમારી ક્રિયા અને પ્રતિક્રિયા જ તમારા પ્રેમને વર્ણવે છે.

પારુલ અમીત’પંખુડી’