– ઝડપાયેલો યુવાન માત્ર ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો
– મુખ્ય સૂત્રધાર અનીશ ભાવનગરથી સુરત આવી હીરાદલાલ પાસેથી દસ્તાવેજો લઈ ગયો હતો
સુરત
સુરતના ડભોલી રોડના યુવાન હીરાદલાલના દસ્તાવેજોના આધારે તેમના નામે બે બોગસ કંપની ઉભી કરી જીએસટી નંબર મેળવી રૂ.૨૦ કરોડના વ્યવહારો કરવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસે ભાવનગરના યુવાનની ધરપકડ .કરી છે.ઝડપાયેલો યુવાન માત્ર ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. મુખ્ય સૂત્રધાર અનીશ જ છેક ભાવનગરથી સુરત આવી હીરાદલાલ પાસેથી દસ્તાવેજો લઈ ગયો હતો. તે ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે કે તેઓ બોગસ નામે જીએસટી નંબર મેળવી તેનો ઉપયોગ કરવા માટે વેચતા હતા કે કેમ ?
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ ડભોલી રોડ ગાયત્રી મંદિર પાસે કૈલાશનગર સોસાયટી ઘર નં.૨૭ ના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ૪૦ વર્ષીય હીરાદલાલ ભાવેશભાઇ ધનજીભાઇ ગાબાણી પાસેથી તેમનું આઇસીઆઈસીઆઈ બેન્કનું એકાઉન્ટ બંધ કરવા ઘરે આવી દસ્તાવેજો લઈ જનાર યુવાન અનીશે અન્યો સાથે મળી તેમના નામે બે બોગસ કંપની ગાબાણી એન્ટરપ્રાઇસ અને નેશનલ એન્ટરપ્રાઇઝ ઉભી કરી જીએસટી નંબર મેળવી ગાબાણી એન્ટરપ્રાઇસમાં રૂ.૨૦ કરોડના વ્યવહારો કર્યા હતા. ભેજાબાજોએ હીરાદલાલના બોગસ મેઈલ આઈડી, એનઓસી બનાવી તેમજ તેમના અને પિતાની બોગસ સહી કરી ખેલ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં અબ્રાર ઇસ્માઇલભાઇ શેખ ( ઉ.વ.૨૬, રહે.ઘર નં.૨૮, સફક પાર્ક, લાલડેલા સામે, જોગીવાડની ટાંકી, લીમડીવાડી સડક, ભાવનગર ) ની ધરપકડ કરી તેની પાસેથી ૮ મોબાઈલ ફોન, ૧૨ સીમકાર્ડ, લેપટોપ, અલગ અલગ કંપનીના ૧૪ રાઉન્ડ સીલ. અલગ અલગ કંપનીની ૧૦ ફાઈલ કબજે કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે તેની પુછપરછ કરતા માત્ર ડેટા એન્ટ્રીનું કામ કરતા અબ્રારે જણાવ્યું હતું કે કોઈકના દસ્તાવેજો મેળવી તેમના નામે બોગસ કંપની ઉભી કરી જીએસટી નંબર મેળવી નાણાંકીય વ્યવહારો કરવાના પ્રકરણનો મુખ્ય સૂત્રધાર હીરાદલાલ પાસેથી એકાઉન્ટ બંધ કરવા દસ્તાવેજો લઈ જનાર અનીશ જ છે. હીરાદલાલનું એકાઉન્ટ ભાવનગરની આઈસીઆઈસીઆઈ બેન્કમાં ઘણા સમયથી નિષ્ક્રીય હતું. તેની માહિતી મેળવી અનીશે હીરાદલાલ ભાવનગરમાં હશે તેમ માની પોતાની ઓળખ બેન્ક કર્મચારી તરીકે આપી સામેથી ફોન કરી એકાઉન્ટ બંધ કરવા વાત કરી હતી.
જોકે, હીરાદલાલ સુરત હોવા છતાં તે જાતે દસ્તાવેજો એવા માટે સુરત આવ્યો હતો અને ત્યાર બાદ ખેલ કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસને આશંકા છે કે તેઓ બોગસ નામે જીએસટી નંબર મેળવી તેનો ઉપયોગ કરવા માટે વેચતા હતા અને ઘણા લોકો પાસેથી દસ્તાવેજો મેળવી આમ કર્યું છે. જોકે, અનીશ ઝડપાયા બાદ જ તે સ્પષ્ટ થશે.
.