બોલિવુડ અભિનેતા સોનૂ સુદ લોકડાઉનમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકો માટે મસીહા સાબિત થયો છે. તેણે અત્યાર સુધીમાં પ્રવાસીઓને તેમના ઘર સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરી છે. એટલું જ નહીં, તેણે શ્રમિકોના ભોજન અને પાણી માટે પણ વ્યવસ્થા કરી છે. એવામાં બોલિવુડ અભિનેતા સોનૂ સુદની ટ્વીટર પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેની વચ્ચે મધ્ય પ્રદેશના રીવાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાએ પણ બોલિવુડના અસલી હીરો સોનૂ સુદ પાસેથી મદદ માગી.

ભાજપા ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાએ ટ્વીટર પર લખ્યું, સોનૂ સુદ જી. આ રીવા/સતના મધ્યપ્રદેશના નિવાસી ઘણાં દિવસોથી મુંબઈમાં ફસાયા છે અને હજુ સુધી પાછા આવ્યા નથી. કૃપા કરી તેમને પાછા લાવવામાં અમારી મદદ કરો. તેના પર અભિનેતાએ લખ્યું, સર હવે કોઈ ફસાસે નહીં. તમારા પ્રવાસી ભાઈઓને કાલે તમારી પાસે મોકલી દેશું સર. ક્યારેક મધ્ય પ્રદેશ આવીશ તો પૌઆ જરૂર ખવડાવજો.

તો રાજેન્દ્ર શુક્લાએ લખ્યું, આભાર સોનૂ સુદજી, વિન્ધ્યની પવિત્ર ભૂમિમાં હંમેશા તમારું સ્વાગત છે. મુંબઈમાં હજુ પણ બચેલા 168માંથી લગભગ 55 લોકોને મોકલી આપવામાં આવ્યા છે. લગભગ 113 લોકો બચ્યા છે, જેમને સકુશલતાની સાથે મોકલવા માટે હું તમારો અગ્રિમ આભાર માનું છું અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.

રાજેન્દ્ર શુક્લાએ અભિનેતા સોનૂ સુદની મદદ માગી તો કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ ભાજપા ધારાસભ્ય પર કટાક્ષ કરતા લખ્યું કે, વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે પોતે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પણ રહ્યા છે, મધ્ય પ્રદેશ અને દેશમાં તેમની જ સરકાર છે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તેમની જ પાર્ટીના છે. મહારાષ્ટ્રમાં પણ તેમની પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય છે. તો પણ સોનૂ સુદ પાસેથી મદદ માગવામાં આવી રહી છે. થોડી પણ શરમ હોય તો રાજીનામુ આપી ઘરે બેસી જાઓ, સારું રહેશે.

આ પણ વાંચો:-  મરીન ડ્રાઈવ પર ઉઠી રહ્યા છે ડરામણા મોજા, સમુદ્ર કિનારે જવા પર રોક

સોનૂ સુદ લોકડાઉન પછીથી સતત દેશમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની મદદ કરી રહ્યો છે. આ પ્રવાસીઓને અભિનેતા બસો અને ટ્રેનો દ્વારા પોતાના ખર્ચે તેમના વતન મોકલી રહ્યો છે. તેની સાથે જ અભિનેતાએ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા મેડિકલ સ્ટાફ માટે પણ પોતાની જૂહુ સ્થિત હોટલ આપી છે.

તો આ ઉપરાંત અભિનેતા જરૂરિયાતમંદ અને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી રહ્યો છે. જે અભિનેતા ફિલ્મોમાં મોટા પ્રમાણમાં નકારાત્મક ભૂમિકા ભજવે છે, તેણે અસલ જિંદગીમાં એક સુપરહીરો તરીકેની ભૂમિકા ભજવી છે. આ સંકટના સમયમાં તેણે દેશના જરૂરિયાતમંદોની ખૂબ મદદ કરી છે અને હજુ પણ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.