લદાખમાં સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરહદેથી માત્ર 25 જ કિલોમીટરના અંતે ટેન્ક સહિતનો શસ્ત્ર સરંજામ ખડક્યા હોવાનો તાજેતરમાં જ ખુલાસો થયો છે. હવે થયેલા નવા ખુલાસા પ્રમાણે ચીને ભારતની સરહદથી માત્ર 100-150 કિલોમીટર દૂર સ્થિત એરબેઝ પર 10 થી 12 યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે.

- Advertisement -

ભારતીય સેના આ ફાઈટર જેટ્સની હલચલ પર નજર રાખી રહી છે, જે હોંતો અને ગાંગુસા એરબેઝ પર તૈનાત છે. આ યુદ્ધ વિમાનોમાં J-11  અને  J-7નો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ 10 થી 12 યુદ્ધ વિમાનોએ ભારતની સરહદ નજીક ઉડાન ભરી હતી.

આ યુદ્ધ વિમાનો લદ્દાખ વિસ્તારમાં 30 થી 35 કિલોમીટર નજીક ઉડતા નજરે પડ્યાં હતાં. જોકે આંતરરાષ્ટ્રીય નિયમ છે કે, સરહદથી 10 કિલોમીટરની અંદર કોઈ જ વિમાન પ્રવેશી શકે નહીં અને ચીની વિમાનો તો આ અંતરથી પણ દૂર જ હતાં.

મે મહિનાથી જ ભારતીય સેના સરહદે સામસામે છે. ચીની સૈન્યની હરકતો જોતા પહેલાથી જ ભારતીય સેનાએ સુખોઈ-30MKI યુદ્ધ વિમાનો તૈયાર જ રાખ્યા છે. આ અગાઉ ચીનના બે હેલિકોપ્ટરે છેક સરહદ નજીક ઉડાન ભરી હતી જેના જવાબમાં સુખોઈ-30MKI હવામાં ઉડતાની સાથે જ ચીની હેલિકોપ્ટર ભાગી ગયા હતાં. જ્યારે ગત વર્ષે પણ 6 પાકિસ્તાની યુદ્ધ વિમાન જેએફ-17 યુદ્ધ વિમાનોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી જે પીઓકેના સ્કાર્દૂથી ઉડ્યા હતાં અને હોતોંમાં જઈને તેણે શાહીન-8 નામની એક મિલિટરી એક્સેર્સાઈઝમાં ભાગ લીધો હતો.

દૂરથી દેખાયો હથિયારોનો વિશાળ જથ્થો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં ચીનની સેનાના ક્લાસ એ વ્હિકલ્સ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર વાસ્તવિક નિયંત્રણ રેખા( LAC)ની નજીક છે. ભારતીય સીમાથી 25થી 30 કિમી અંતરે ચીનના સૈનિકોની ગાડીઓ છે. તેમા હથિયારો છે. જે ગણતરીના કલાકોમાં જ આ હથિયારો મોરચા પર પહોંચી શકે છે. આ સંજોગોમાં ચીન વાતચીતનું બહાનું બનાવી તેની સૈન્ય તૈયારીઓને વધારે મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચો:-  20 લાખ ખેડૂતોને સોલર પંપ મળશે, 15 લાખ કરોડ લોન આપવા લક્ષ્યાંક

ચીને પોતાના વિસ્તારોમાં સૈન્ય ગતિવધિ વધુ ઝડપી કરી દીધી છે. ચીન સૈન્ય ભારે વાહનોથી તોપ અને અન્ય શસ્ત્રો જમા કરી રહ્યું છે. જ્યાંથી ગણતરીના કલાકોમાં તેને ભારતીય સરહદ પર લાવવામાં આવી શકે છે. જવાબમાં ભારતે પણ સૈન્ય મોકલી આપ્યું છે.

ચીન અને ભારત વચ્ચે ઉભા થયેલા તણાવને ઘટાડવા માટે બટાલિયન અને બ્રિગેડ સ્તરે સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. હજુ સુધી ચીનના સૈનિકો વિવાદવાળી જગ્યા પરથી પરત ફર્યા નથી. ભારતીય સૈનિક પણ અહીં મોરચો સંભાળી રહ્યા છે. ચીનની હરકત ચોક્કસપણે શંકાસ્પદ જણાય છે.