-એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત જમીનનું
વળતર મેળવવાનું કૌભાંડ
-રેકોર્ડ દફતરે શરતચુકથી કબજેદારનું નામ દૂર થયું અને તેનો
ગેરફાયદો ઉઠાવી આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું
નવસારી,રવિવાર
ચીખલી
તાલુકાનાં ખુંધગામની બ્લોક સર્વે નંબર ૬૬૩-૬૬૨ વાળી જમીન એક્સપ્રેસ હાઈવે માટે
સંપાદન કરવામાં આવી હતી. તેનાં વળતરની રકમ રૃ.૧.૨૭ કરોડ બોગસ ડોક્યુમેન્ટ બનાવી.
હડપ કરવામાં આવી હોવાની રાવ ભોગ બનનારે પોલીસમાં કરી છે. જેમાં ચીખલીનાં તત્કાલિન
નાયબ કલેકટર અને હાલમાં કેબિનેટ મંત્રીના પી.એસ., નવસારીનાં વિવાદિત
પ્રાંત અધિકારી, તેમનો ક્લાર્ક, તલાટી
કમ મંત્રી, વકીલ સહિત ૧૩ સામે અરજીમાં આરોપ મુકાયા છે.
ચીખલીનાં
ખુંધગામે પટેલ ફળિયામાં રહેતા દિપક ઠાકોરભાઈ પટેલ તા.૨૧-૧-૨૦૨૨નાં રોજ નવસારીનાં
ડી.એસ.પી. ઋષિકેશ ઉપાધ્યાયને લેખિત અરજી આપી જણાવ્યું કે, તેમના વડવાઓ ભગા મંગા
અને ઝીણા સોમા ખુંધ ગામે આવેલી બ્લોક સર્વે નં.૬૬૩/૬૬૨વાળી ખેતીની જમીનનાં
સંરક્ષિત ગણોતીયા હતા. જેમાં ૭૦ વર્ષ સુધી ખેતી કરી હતી. જમીનનાં મૂળમાલિક ઈસમ
મુસાભાઈ મટવાડીયા હતા. તેમના કોઈ વારસદાર ન હતા. તેમના બાદ આ જમીન કૃષિ પંચ
મામલતદાર સમક્ષ કિંમત નક્કી કરી તે રકમ ભરપાઈ કરી વડવાએ પ્રમાણપત્ર મેળવ્યું હતું.
અને ૧૯૭૭-૭૮માં ૭/૧૨નાં ઉતારાની નકલમાં મૂળમાલિકનું નામ દૂર થયું હતું. અને
માલિક/કબજેદાર તરીકે ફરિયાદીનાં વડવાઓના નામો દાખલ થયા હતા. દરમિયાન એકત્રિકરણ
કરવાની યોજના અમલમાં આવી હતી. તે સમયે રેકોર્ડ દફતરે શરતચુકથી ભગા મંગા- ઝીણા
સોમાનાં નામ નીકળી મૂળ માલિક ઈસપ મુસા મટવાડીયાનું નામ માલિક/કબજેદારની કોલમમાં
આવી ગયું હતું. આ અંગે કોઈપણ હુકમની નોંધ ન હતી. આ થયેલી ચુક દુરસ્તી કરવા માટે
ફરિયાદીએ જરૃરી કાર્યવાહી શરૃ કરી હતી. બીજી તરફ આ વાતનો ગેરફાયદો ઉઠાવીને આરોપીઓએ
મૂળ માલિકનાં વારસદારો નહોવા છતાં ખોટા પુરાવાઓ ઉભા કર્યા હતા. અને વાંધા અરજી કરી
ચીખલી નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) ડી.ડી. જોગીયાની
કોર્ટમાં અપીલ કરી હતી. અને ફરિયાદીનાં નામની રેવન્યુ દફતરની કાચી નોંધને નામંજુર
કરવામાં આવી હતી. આથી ફરિયાદીએ નવસારી કલેકટરની કોર્ટમાં રિવીઝન અફીલ કરી દાદ
માંગી હતી. તેમજ વળતરની રકમની ઉચાપત નહીં
થાય તે માટે મનાઈ હુકમ પણ તા.૧૭-૧-૨૦૨૧નાં રોજ મેળવ્યો હતો. તેના છ દિવસ અગાઉ
તા.૧૧-૧-૨૦૨૧નાં રોજ જમીન સંપાદનનાં વળતરની રકમ કુલ રૃ.૧.૨૭ કરોડ આરોપીઓએ ચીખલીની
બેંક ઓફ બરોડામાંથી ઉચાપત કરી લીધી હતી.
આ
પ્રકરણમાં પોલીસે ફરિયાદ નહીં લેતા દિપક પટેલે રાજ્યનાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર
ત્રિવેદીને ફરિયાદ કરી હતી. અને આજ ફરિયાદ આધારે તેમણે તપાસ કરાવવા જમીન સંપાદન
વળતર કૌભાંડો મોટા પાયા પર થયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસ-મહેસુલી
અધિકારીઓની મીલીભગતની પોલખુલી હતી. આ પ્રકરણો માટે સરકારે તપાસનાં આદેશો આપી
વિવાદિત જમીન સંપાદન અધિકારી એવા નવસારી પ્રાંત તુષાર જાનીની તાત્કાલિક ગીર સોમનાથ
ખાતે બદલી કરી છે. જિલ્લા પોલીસને ફરિયાદીએ બે દિવસ અગાઉ આ લેખિત ફરિયાદ આપી ન્યાય
માટે દાદ માંગી છે. ચીખલી પોલીસ આ અરજીની તપાસ કરી રહી હોવાનું કહેવાય છે. પરંતુ
હજી સુધી આરોપીઓ સામે કોઈ ગુનો દાખલ થયો નથી.
આ ૧૩ને
આરોપી બતાવ્યા છે
(૧) મહમદ અહમદ સલીમ (રહે.જોહનબર્ગ,સાઉથ આફ્રિકા)
(૨) ઈલ્યાસ ઈસ્માઈલ મુલ્લા (રહે. આલીપોર, તા.ચીખલી)
(૩) માસુમ અહમદ દાઉદ (રહે.આલીપોર, તા.ચીખલી)
(૪) સલીમ અબ્દુલ રહીમ પઠાણ (રહે.આલીપોર, તા.ચીખલી)
(૫) ઐયુબ આકુજી સીદાત (રહે. અંભેટા,તા.ગણદેવી)
(૬) ખુશ્બુબેન ચૌધરી (તલાટી કમ મંત્રી, આલીપોર ગ્રામ
પંચાયત,ચીખલી)
(૭) ઈબ્રાહીમ સુલેમાન લોરગત (રહે. બારોલીયા,તા.ચીખલી)
(૮) મહેશ અરવિંદભાઈ પટેલ (રહે.બારોલીયા,તા.ચીખલી)
(૯) તુષાર જાની (જમીન સંપાદન અને પ્રાંત અધિકારી,નવસારી)
(૧૦) વલીભાઈ પટેલ (પ્રાંત કચેરી,નવસારી ક્લાર્ક)
(૧૧) ડી.ડી. ડોગીયા (પ્રાંત અધિકારી ચીખલી)
(૧૨) એ.એ. શેખ (વકીલ રહે.સુરત)
(૧૩) જફર શેખ (રહે.સુરત)
.