CRPF કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયને ગૃહ મંત્રાલય (MHA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમિત શાહની પહેલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા 1 જાન્યુઆરી, 2024થી લેવામાં આવશે. આ નિર્ણયથી પ્રાદેશિક લોકોને ફાયદો થશે. તેઓ તેમની માતૃભાષામાં પરીક્ષા આપી શકશે. આ પસંદગી પ્રક્રિયામાં સુધારો કરશે.
આ નિર્ણયથી CRPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન મળશે. એટલે કે, હવે પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણી ભાષાઓમાં થશે.
કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી મુખ્ય પરીક્ષાઓમાંની એક છે. જેમાં દેશભરમાંથી લાખો યુવાનો ભાગ લે છે. ગૃહ મંત્રાલય કહે છે કે “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સ્થાનિક યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવા અને દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કામ કરે તેવી અપેક્ષા છે.
ગૃહ મંત્રાલય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છે.”
એમકે સ્ટાલિને અમિત શાહને ફરિયાદ કરી હતી
હકીકતમાં, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અમિત શાહને પત્ર લખીને સીઆરપીએફ ભરતી પરીક્ષા ઘણી પ્રાદેશિક ભાષાઓમાં આયોજિત કરવાની વિનંતી કરી હતી. તેમણે આ ભરતી પરીક્ષામાં ‘મૂળભૂત હિન્દી સમજ’ માટે રાખવામાં આવેલા 25 ટકા માર્ક્સનો વિરોધ કર્યો હતો.
સ્ટાલિને કહ્યું હતું કે તેમાં તમિલની સાથે અન્ય પ્રાદેશિક ભાષાઓનો પણ સમાવેશ થવો જોઈએ. તેમણે કહ્યું કે તમિલનાડુના ઘણા યુવાનો ભાષાના અવરોધને કારણે CRPFની નોકરી મેળવવામાં નિષ્ફળ જાય છે. તેમણે અમિત શાહને કહ્યું હતું કે યુવાનો પાસે તમિલની સાથે અન્ય ભાષાઓમાં પરીક્ષા આપવાનો વિકલ્પ હોવો જોઈએ.
આ નિર્ણય બાદ જે યુવાનોને હિન્દી કે અંગ્રેજી ભાષા નથી આવડતી અથવા તેઓ કમ્ફર્ટેબલ નથી તેઓ પણ આ પરીક્ષામાં બેસીને કોન્સ્ટેબલની નોકરી મેળવી શકશે. આ નિર્ણયને આવકારવો જોઈએ. આનાથી અનેક બેરોજગારોને રોજગારીની તક મળશે.