સાયક્લોન નિસર્ગ (Cyclone Nisarga) મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારથી અથડાયું છે. તોફાન મુંબઇની નજીક આવેલા રાયગઢ જિલ્લાના અલીબાગના દરિયાકાંઠાથી અથડાયું છે. અલીબાગ અને રત્નાગીરમાં ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. નિસર્ગ વાવાઝોડાના ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાંજના સાત વાગ્યા સુધી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ટર્મિનસ પર વિમાનોના લેન્ડિંગ અથવા ટેકઓફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મુંબઇમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી વાહનોને નુકસાન થયું છે. રસ્તા બ્લોક થઈ ગયા છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઇમાં આવનારું વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણ તરફ જતુ રહ્યું છે. તેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.

તો બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે રાયગઢ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર મોબાઇલ નેટવર્ક સેવા પ્રભાવિત થઈ છે. વાવાઝોડા નિસર્ગથી હાલ કોઈપણ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. જે નુકસાન થયું છે તે ઘરોની છત અથવા વૃક્ષો ધરાશાયી થવાથી ગાડીઓને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા છે. વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર વીજળીની સેવા પણ પ્રભાવિત થઈ છે.

એનડીઆરએફની ટીમો સતત રાહત કર્યામાં લાગી છે. એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની 43 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી એનડીઆરએફની 21 ટીમો મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. વાવાઝોડાને લઇ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:-  હિંસક અથડામણમાં 35 ચીની સૈનિકો માર્યા ગયા, અમેરિકી ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો