રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ ના કરજણના ધારાસભ્ય સંપર્ક વિહોણા બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અક્ષય પટેલના જે ખબર મળ્યાં છે તે પાયાવિહોણા છે. તેને અધિકૃત સમર્થન નથી. કોરોના મહામારીની શરૂઆત હતી, ત્યારે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ભંડોળથી ખરીદવાનો પ્રયાસ કર્યા હતા. 

કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ

રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને સીએમઓ બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાનો બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. કૈલાશનાથન જેવા અધિકારીઓઓનો ઉપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ કરે છે. એના પૂરતા પુરાવા છે.

વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે. અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. ત્યારે નારાજ ધારાસભ્ય અક્ષય પટેલે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કર્યો છે.

કોગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા

હાલ તેઓ પોતાના ઘરે પણ નથી. તો બીજી તરફ, કોગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા બાદ ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટર પર પણ તાળું જોવા મળ્યું છે. અક્ષય પટેલના ઘરે તાળું લગાવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, છેલ્લા લાંબા સમયથી તેઓ અહીં આવ્યા નથી. 

રાજ્યસભાની ચૂંટણીનો ફરી ધમધમાટ ગુજરાતમાં શરૂ થયો છે. વલસાડ જિલ્લાના કપરાડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી ફરી સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ જીતુ ચૌધરીનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે જીતુ ચૌધરી ગઈકાલથી કોંગ્રેસના સ્થાનિક આગેવાનોથી પણ સંપર્ક વિહોણા છે. જીતુ ચૌધરી કોંગ્રેસના રડાર બહાર નીકળી જતા રાજકારણમાં ખળભળાટ શરૂ થયો છે.

આ પણ વાંચો:-  કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા

પાલનપુરના કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલ રાજીનામુ આપી શકે

બનાસકાંઠામાં પાલનપુરના કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલ રાજીનામુ આપી શકે છે. ધારાસભ્ય મહેશ પટેલ નારાજ હોવાની ચર્ચા હોવાની સૂત્રો દ્વારા મળી છે. મહેશ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક થઇ શકયો નથી. પરંતુ શહેરભરમાં રાજીનામાની ચર્ચા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ રાજીનામાની વાતને અફવા ગણાવી છે.

ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર પણ કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાનુ જણાવ્યું છે. ધારાસભ્ય કાંતિ પરમાર પોતે કોંગ્રેસથી નારાજ નથી તેવી કરી સ્પષ્ટતા કરી છે. જોકે તેઓએ જણાવ્યું કે, રાજકારણ છોડી દઈશ. પરંતુ ભાજપમાં નહિ જોડાવું. મારે ભાજપના રૂપિયા નથી જોતા. હાલ અમદાવાદ કોંગ્રેસ સમિતિ ખાતે મીટિંગ હોવાથી હું અમદાવાદ જઈ રહ્યો છું. આમ, તેઓએ રાજીનામું આપ્યું નથી તેવી સ્પષ્ટતા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.