Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news4/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news4">News4</a> Gujarati

“આ વાઇરસ મહાશય કરોડો વર્ષોથી દુનિયામાં રહે છે, પરંતુ આપણને તેના વિષે જાણકારી મળ્યે માંડ 100-120 વરસ જેવુ થયું હશે.”“ટોક્સોપ્લાસ્માભાઈ નામના એક પરોપજીવીના પ્રિય હોસ્ટ એટલે કે યજમાન છે આપણા સૌના પ્યારા બિલ્લીબેન. ટોક્સોપ્લાસ્માને પોતાની સંખ્યા વધારવા અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બિલાડીના આંતરડાનો આશરો લેવો પડે છે.”

આ વાયરસ છાનો છપનો પોતાની આગવી રીતે પોતાનો રસ્તો કરી રહ્યો છે

આજે વિશ્વભરમાં કોરોના વાયરસના ભયનો ઓથાર છવાયેલો છે. પાકિસ્તાને વિદેશમાં રહેતા પોતાના નાગરિકોને ભગવાન ભરોસે છોડી દીધા, ભારતે વિદેશી ધરતી પર ભરાઈ પડેલા અનેક નાગરિકોને સેઈફલી રેસ્ક્યુ કર્યા છે. પણ આ વાયરસ છાનો છપનો પોતાની આગવી રીતે પોતાનો રસ્તો કરી રહ્યો છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ કરી રહ્યો છે. તેથી આમ જૂઓ તો કોરોના અને માનવ બન્ને પક્ષે આ અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ બની રહ્યો છે. કોરોના વિશે વૈજ્ઞાનિક-અવૈજ્ઞાનિક અને ગપગોળાઓ અને અફવાઓના સ્વરૂપે અનેક વાતો કહેવાઈ રહી છે, ત્યારે સમસ્યા એ છે કે જે કંઈ જાનૅવા મળી રહ્યું છે તે અતિ વૈજ્ઞાનિક રીતે કહેવાઈ રહ્યું છે જે આમ-આદમીને પલ્લે પડતું નથી. તેથી કોરોના નામની આ ઘટના અથવા દુર્ઘટનાને સાવ સરળ ભાષામાં સમજવી જરૂરી બની રહે છે.

આ ‘ટોક્સોપ્લાસ્મા’ભાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજા કોઈ જીવનો આશરો લેવો પડે

કુદરત તથા તેના તમામ ઘટકો-જીવોની અસ્તિત્વને ટકાવી રાખવા માટેની રચના બહુ જટીલ છતાં અત્યંત રસપ્રદ હોય છે. કોરોનાને સમજતા પહેલા આવી જ એક સાવ નજીવી છતાં અત્યંત રસપ્રદ ઘટના સમજીએ. આ પૃથ્વી પર અનેક પ્રકારના જીવોની સાથે સંકલાયેલી સુક્ષ્મ જીવો, પરોપજીવીઓ અને જીવાણુઓની એક મોટી જમાત છે જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરસ્પર અવલંબિત હોય છે. આવો જ એક પરોપજીવી એટલે કે પેરેસાઈટ છે, જેનું નામ છે ‘ટોક્સોપ્લાસ્મા ગોન્ડાઈ’. માનવ માટે ઓછા ખતરનાક આ પરોપજીવીનું જીવનચક્ર એટલે કે લાઈફસાયકલ અત્યંત રસપ્રદ હોય છે. વાત જાણે એમ છે કે આ ‘ટોક્સોપ્લાસ્મા’ભાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજા કોઈ જીવનો આશરો લેવો પડે છે. ટોક્સોપ્લાસ્માભાઈના પ્રિય હોસ્ટ એટલે કે યજમાન છે આપણા સૌના પ્યારા બિલ્લીબેન. ટોક્સોપ્લાસ્માને પોતાની સંખ્યા વધારવા અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બિલાડીના આંતરડાનો આશરો લેવો પડે છે. તો હવે બિલ્લીબેનના પેટમાં થઈને તેના આંતરડામાં પહોંચવા માટે આ પરોપજીવી એક મજાનો ખેલ ખેલે છે. ટોક્સોપ્લાસ્મોભાઈ ઉંદરના ખોરાકમાંથી કોઈ રીતે ઉંદરના શરીરમાં પહોંચી જઈને પોતાનો ભયાનક ખેલ આદરે છે.

આ પણ વાંચો:-  CM રૂપાણીનાં હસ્તે રાજ્યનાં ઉદ્યોગકારો માટે ‘FIA મોબાઈલ એપ્લિકેશન’ લોન્ચ

ટોક્સોપ્લાસ્મો ઉંદરના શરીરમાં પ્રવેશ મેળવીને તેના દિમાગમાં અને જીનેટિક સ્ટ્રક્ચરમાં રહેલા બિલ્લીના ડરને દૂર કરી દે છે

ટોક્સોપ્લાસ્મો ઉંદરના શરીરમાં પ્રવેશ મેળવીને તેના દિમાગમાં અને જીનેટિક સ્ટ્રક્ચરમાં રહેલા બિલ્લીના ડરને દૂર કરી દે છે. સામાન્ય રીતે એવું બને કે ઉંદરને બિલાડીના મળ-મુત્ર અથવા બિલ્લીંની ગંધથી જ ડર લાગે અને છુપાઈને બચવાના ઉપાયો આદરી દે. પરંતુ ટોક્સોપ્લાસ્મોભાઈની અસરના કારણે ઉલટાનો ઉંદર બિલાડીની ગંધથી આકર્ષાઈને બિલ્લીબેન પાસે પહોચી જઈને જાણે બિલાડીને પડકારે છે કે “લે આ રહ્યો, મને ખાઈ જા”! બિલ્લીબેનને તો જલસા પડી જાય, અને એ રીતે બિલ્લીનો કોળીયો બનેલા ઉંદર મારફતે બિલાડીની પાચન પ્રક્રિયામાંથી પસાર થઈને પહોંચી જાય પોતાના વ્હાલા ડેસ્ટીનેશન તેના આંતરડામાં અને ત્યાં રહ્યે રહ્યે તે પોતાની સંખ્યા વધારવાની કામગીરી પુરજોશમાં ચાલુ રાખે છે.

ટોક્સોપ્લાસ્મોભાઈની ચાલાકીભરી રમત જેવી જ અમુક અંશે આપણા આજના વિલન કોરોનાભાઈ પણ ખેલી રહ્યા છે.

ટોક્સોપ્લાસ્મોભાઈની ચાલાકીભરી રમત જેવી જ અમુક અંશે આપણા આજના વિલન કોરોનાભાઈ પણ ખેલી રહ્યા છે. હમણાં જ ગુજરાત દૂરદર્શનના ડેપ્યુટી ડાઈરેક્ટર ઉત્સવ પરમારે, જેઓ અગાઉ ફાર્માસીસ્ટ રહી ચુક્યા છે અને વાઇરસની રચના અને તેના ફેલાવાની બારીકી જાણે છે, તેમણે સાવ સાદી ભાષામાં કોરોનાની સમજણ તથા કોરોનાને મહાત આપવા જરૂરી એવું આ ૧૪ દિવસનું ચક્કર શું છે ? અને ઘરે રહીને આપણે માનવજાતની સૌથી મોટી સેવા કેવી રીતે કરી શકીએ? તેના પર સુંદર લેખ તૈયાર કરેલો. કોમન મેન, અથવા લેમેન એટલે કે તમારી-મારી ભાષામાં તૈયાર થયેલી કોરોનાની આ સમજણ આ મુજબ છે.

સરળ ભાષામાં આ વાયરસ અંગે સમજાવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

કોરોના વાયરસ અંગે ઘણી સમજ-ગેરસમજ જોઈ રહ્યો છુ. ઘણાં એક્દમ બિન્દાસ્ત છે તો ઘણાંના મનમાં સતત ચિંતા થઈ રહી છે. ઘણા લોકોને ખબર નથી પડી રહી, આખિર યે હો ક્યાં રહા હૈ? બધા જ કિસ્સામાં એક વસ્તુ કોમન છે અને એ છે સાચી જાણકારીનો અભાવ અથવા અધૂરી જાણકારી અથવા જાણકારીનું અધકચરુ અને મનગમતું અર્થઘટન. સરળ ભાષામાં આ વાયરસ અંગે સમજાવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

આ મહાશય કરોડો વર્ષોથી દુનિયામાં રહે છે

વાઇરસ એ સૃષ્ટિની અજાયબી છે. તેના વિષે જાણકારી મળ્યે માંડ 100-120 વરસ જેવુ થયું હશે પણ આ મહાશય કરોડો વર્ષોથી દુનિયામાં રહે છે. એના વિષે આપણે બહુ મર્યાદિત જાણકારી ધરાવીએ છીએ. એને જીવંત ગણવું કે નિર્જીવ એમાંય ઘણા વિવાદ છે. નરી આંખે દેખી ન શકાતા વાયરસે ભૂતકાળમાં’ય માનવ જીવનને હચમચાવી દીધું છે. વાઇરસ જાતે પોતાના સંતાન પેદા નથી કરી શકતું, એને કોઈ પ્રાણીનો સહારો જોઈએ. પ્રકૃતિમાં અન્ય તમામ સજીવ પોતાની રીતે જ પોતાનો વંશ વેલો આગળ વધારવા સક્ષમ છે, વાઇરસ એવું નથી કરી શકતો એટ્લે એને કેવી કેટેગરીમાં મૂકવો એ સવાલ રહે છે. આ વાયરસને ભાડાનું મકાન જોઈએ. એટલે એ અન્ય પ્રાણીઓના કોષમાં ભૂસકો મારીને ત્યાં પોતાના સંતાન પેદા કરે.

આ પણ વાંચો:-  રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પોતાની જાતે કઈ ઉખાડી ના શકતો આ વાયરસ…

વાયરસની બનાવટ જોઈએ તો એ બહુ કોમ્પ્લેક્સ નથી. મોટે ભાગે 1) RNA કે DNA એટલે કે જેનેટિક મટીરિયલ 2) તેની મટીરિયલની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ –કેપ્સિડ અને કોરોના જેવા કેસમાં 3) એ દીવાલની ફરતે બી લિપિડનું એક આવરણ ! હવે પોતાની જાતે કઈ ઉખાડી ના શકતો આ વાયરસ -કોઈ માણસનો કે પ્રાણીના શરીરમાં ઘૂસ મારે છે અને ઘૂસ મારીને તેના કોષની જેનેટિક ફેક્ટરી પર કબ્જો લઈ લે છે. હવે માણસના કોષમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન પેદા કરતી ફેક્ટરી ચોક્કસ જેનેટિક કોડને અનુસરતી હોય છે. વાયરસ ઘૂસ મારીને આ સેટિંગ બગાડી દે છે અને પોતાના સંતાનો પેદા કરી શકે એવો ખોટો કોડ પેલી ફેક્ટરીના મશીનોમાં નાખી દે છે.

શરીરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને આવા ઘૂસણ ખોરોને ધક્કા મારીને બહાર કરી દે

આમ તો આવું કઈ થાય ત્યારે શરીરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને આવા ઘૂસણ ખોરોને ધક્કા મારીને બહાર કરી દે – આવા સમયે આપણને તાવ આવે છે. તાવ એ સિગ્નલ છે કે અંદરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને કામ કરી રહી છે , ભઇલા તમે જરા બહાર ધ્યાન આપો –ગમે તે વસ્તુ અંદર ના ઘૂસી જાય ! હવે આવી એક્ટિવ સિસ્ટમ હોય તો કોઈ બી વાઇરસ શરીર માં ટકે નહીં. એટલે ઉત્ક્રાંતિમાં અમુક વાયરસ વધુ શાતિર થઈ ગયા અને એટલા બિલ્લીપગે કામ કરવા લાગ્યા કે શરીરની અંદર રહીને એ પોતાનું કામ કરે પણ સિક્યોરીટી સિસ્ટમને ગંધ બી ના આવવા દે – જ્યારે ગંધ આવે ત્યારે બહુ જ મોડુ થઈ ગયું અને પેલા વાયરસે પોતાના જેવા હજારો લાખો વાયરસ તૈયાર કરી નાખ્યા હોય. આવા સમયે અચાનક તાવ શરદી જેવા લક્ષણ શરૂ થઈ જાય – કેમ કે હવે વાયરસે આ શરીરની સિસ્ટમ વાપરી કાઢી એને હવે બીજે જવું હોય એટલે એ એના રસ્તા કરી લે – જેના શરીરમાં છે એ માણસ છીંક ખાય તો બીજા શરીરમાં જવા મળે- એટલે વાયરસ એના શ્વસન તંત્રને અસર કરે અને છીંક વાટે બીજે પહોંચે ! અમુક વાઇરસ બીજા રસ્તા પણ શોધતું હોય.

આ પણ વાંચો:-  પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓને આશરો આપી રહ્યો છે: વિદેશ મંત્રાલય

આ કોરોનાના કેસમાં એ આપણાં શરીરની સિક્યોરિટીને મહત્તમ 14 દિવસ સુધી ગંધ આવવા દેતો નથી

હવે આ કોરોનાના કેસમાં એ આપણાં શરીરની સિક્યોરિટીને મહત્તમ 14 દિવસ સુધી ગંધ આવવા દેતો નથી See Figure 3 (હવે તમને સમજાયું હશે શા માટે 14 દિવસની વાતો બધે ચાલી રહી છે-અને બધા ને કેમ 14 દિવસ સુધી ક્વોરંટાઈન કરવામાં આવે છે) અને એટલે જ માણસોને ખબર પણ ના હોય કે અંદર કોરોના બેઠો બેઠો કામ કરી રહ્યો છે અને એને એમ લાગે કે પોતે સ્વસ્થ છે. એટલે અહિયાં વાયરસ ફાવી જાય કેમ કે પોતે ઓકે છે એવા વહેમમાં ફરતો માણસ 14 દિવસમાં કેટલા બધા માણસને મળી શકે એનો તમે ખાલી વિચાર કરો ? તમે એક દિવસમાં કેટલા ને મળો છો? હવે તમે ધારો કે 10ને મળો અને 3 ને પણ ચેપ લાગે એ બીજા 30 જણને મળે અને આ સિલસિલો ચાલુ રહે તો એક રફ ગણતરી મારી જુઓ 14 દિવસમાં એ કેટલો બધો ફેલાઈ શકે ! અને આ બધુ જ રોકાઈ શકે છે –જો એક બીજાને મળવાનું ટાળવામાં આવે ! બસ આ ક્વોરંટાઈન કેટલો ચમત્કારી હોય શકે એ વિશે તમે બધા હવે જાતે જ વિચારી શકો છો. કોરોનાના કેસ બધા જ દેશોમાં અચાનક એકસાથે કેમ વધી જાય છે એ વાતનો તર્ક પણ આશા રાખું છુ તમને આમાંથી મળી ગયો હશે.

બીજું આની વેક્સિન શોધાઈ રહી છે. વેક્સિન એ બીજું કઈ નઈ પણ આપણી શરીરની સિક્યોરિટી સિસ્ટમને અપાતી ટ્રેનીંગ છે કે જો બકા આવું કોઈ બહારથી આવે તો બેસી નૈ રહેવાનુ અટેક કરીને બહાર કાઢી દેવાનો –અત્યારે 14 દિવસ સુધી આપણો સિકયોરટી સ્ટાફ આવી ટ્રેનિંગ ના અભાવે બાઘાની જેમ બેસી રહે છે –પણ વેક્સિન અપાય તો એ તરત એક્શન લેતા શીખી શકે છે.

હવે આમાં પણ કેવું છે કે આ વાયરસની ફેલાવાની ઝડપ ના રોકી તો પાછા આ ભૈ સ્વરૂપ બી બદલી શકે-મ્યુટેટ પણ થઈ શકે અને જુદા જ પ્રકારનો વાયરસ પણ બની શકે – એક પ્રકારના વાયરસની રસી શોધતા સ્હેજે 8-12 મહિના નીકળી જાય ત્યાં જો વાયરસ સ્વરૂપ બદલી નાખે તો બીજી વેક્સિન શોધવાની મગજમારી કરવી પડે.

ટૂંકમાં તમે ખાલી એટલું સમજો કે ખાલી પોતાના ઘરમાં રહીને –પોતાના કામથી કામ રાખીને અને કઈ જ ના કરીને તમે માનવ જાતની કેટલી મોટી સેવા કરી શકો છો.

[email protected]

લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી

- Advertisement -