ધ. ત્રિ ની કલમે, શીર્ષક: ટૂંકી વાર્તા

આ શબ્દનો અર્થ કાળાંતરે બદલાયા કર્યો છે મારે માટે, કે પછી એવું તો નહીં હોયને કે સૌ માટે પણ એ જ રીતે બદલાતો હશે ? વાર્તા અંગે વાંચક અને સર્જક એમ બન્નેનો નજરીયો થોડો અલગ પણ રેલના પાટાની માફક સમાંતર ગતિ કરતો દેખાય છે.

બાળપણમાં વાર્તા એટલે પંચતંત્ર, બત્રીસ પુતળી, રાજાભોજ ને ગાંગોતેલી, હાથી, સસલાં, પક્ષીઓ, સિંહ, શિયાળ અને ચાંદની રાતે ગાયક બની જતો ગધેડો . . .

કિશોરાવસ્થામાં રિસેસમાં બરફના ગોળા ને નાસ્તા માટેની ખિસ્સાખર્ચીમાં થી બચેલા ચિલ્લરના જોરે પોસ્ટથી મંગાવેલી અરેબિયન નાઈટ્સ . . . એક અલગ સૃષ્ટિમાં લઈ જતો હાતિમ તાઈ, જુલ વર્નની અવનવી સૃષ્ટિ, દમદાર પાત્રો, સાહસિકતા થકી જીવનની નૈતિકતાઓ વણી લેતી કથાઓ . . . આફ્રિકાના અંધારિયા જંગલોમાં ટારઝન, તેની મા કાલા અને ટારઝનનો હરીફ ભાઈ કર્ચક . . .

મને જનક ત્રિવેદીની બાળપણની પીડાની ઝલક દેખાઈ

યુવાવસ્થામાં પ્રેમના દર્દની કવિતાઓ, દુષ્યંત કુમારની ગઝલો વાંચતા વાંચતા અસ્તિત્વ કોઈ ખખડધજ પુલની માફક થરથરાયા કરતું. પિતાજીની “ચંદનનો ચાંદલો” લઘુકથા એટલી તો સ્પર્શી ગઈ . . . દર્શનાર્થીઓના કપાળે આના-બે આના માટે ચંદલા કરતા હડધૂત થતાં બાળકમાં મને જનક ત્રિવેદીની બાળપણની પીડાની ઝલક દેખાઈ . . . હું હચમચી ગયો . . . વાર્તાની આ જ ફલશ્રુતિ હોય કે વાંચકનું ચિત્ત ક્ષુબ્ધ થાય, અને એ કદી જીવનમાં આવા ચાંદલા કરતા ગરીબડા હાથ અને તેની સાથે જ લંબાતી માનવ ગરિમાને હડસેલે નહીં . . .

વાર્તા એટલે શું ? મારા મત મુજબ વાર્તા એટલે જીવાતા જીવનનું એક સુક્ષ્મ સ્પંદન, અનુભૂતિનું કલાત્મક પ્રોજેક્શન . . . જે લેખકના અંતરાતલને હચમચાવી ગયું હોય . . . ક્યાંક કલ્પનાની પાંખે ચડી ગગન વિહાર, ક્યાંક ધસમસતા યૌવનનો આવેગી રોમાન્સ તો ક્યાંક ધૂંધવાતી લાચારી . . . જીવનના બીજમાંથી અંકુરિત થતું એક નાનકડું વિશ્વ એટલે “વાર્તા”.

આજકાલ વાર્તાઓ વાંચતા એવું પ્રતિત થાય કે થયેલા વિવેચનો, તેના પરથી નક્કી થયેલી સફળતાની ફોર્મ્યુલાની આસપાસ વાર્તાઓ ગોઠવાઈ અને ગૂંથાઈ રહી છે. ત્યારે ક્યારેક એવું પણ લાગે કે તમે કોઈ ઘરના કમરામાં નહીં, પરંતુ પંચતારક હોટેલના ભવ્ય સ્યૂટમાં ઉભા છો . . .

આ પણ વાંચો:-  HRD મિનિસ્ટ્રીએ સ્કૂલ ખોલવા અંગે આપ્યું નિવેદન

જીવન કદી એકદમ સુઆયોજિત, સુવ્યવસ્થિત અને સુઘડ ના હોઈ શકે, તે જ રીતે જીવનને, જીવનના એક હિસ્સા અથવા ટુકડાને દર્શાવતી વાર્તા કેવી રીતે પંચતારક હોટેલના સ્યૂટ જેવી હોઈ શકે ? જીવન તો હોય ઉબડ ખાબડ રોડ જેવું, અસ્તવ્યસ્ત દિવાનખંડ જેવું, ક્યારેક અવાવરું ખંડેર જેવું . . . જીવનની મહેંક જેટલી આ ખંડેરમાં છે એટલી હોટેલના કમરા કે સુઘડ હવેલીમાં અનુભવાશે ખરી ?

વાર્તા બોધ આપવા, સામાજિક સંદેશ આપવા નથી સર્જાતી, પણ સર્જકે જે અનુભવ્યું તે કલાત્મક રીતે પીરસે અને ભાવકની ચિત્તવૃત્તિ મુજબ વિવિધ અર્થો રચાય. વિવેચનના નિયમો મુજબ સર્જન ના થાય, પરંતુ ધધગતા, અસ્તવ્યસ્ત જીવનની એક સંવેદનશીલ કે પછી અસંવેદનશીલ ઘટના પરથી ઘડાયેલી વાર્તા આવા નિયમોની દ્યોતક જરૂર બને . . .

વાર્તા સરળ ઘટનાઓ, જટિલ મનોસ્થિતિઓ, સીધી રોડ જેવી કે પછી જંગલની પગદંડી જેવી

વાર્તા સરળ ઘટનાઓ, જટિલ મનોસ્થિતિઓ, સીધી રોડ જેવી કે પછી જંગલની પગદંડી જેવી . . . ભાવક યાત્રા કરે, જાતને ભુલીને એક નવી દુનિયામાં પ્રવેશે. વાર્તાના ઘટનાક્રમોથી સુખી થાય, દુખી થાય, ધૂંધવાય, રણઝણે ને ક્ષુબ્ધ પણ થાય. સર્જક માટે તો પરકાયા પ્રવેશ અનિવાર્ય છે જ, પરંતુ વાંચક પણ વાર્તા થકી સર્જકના અંતર સુધી અને તે દ્વારા એક અનોખી અનુભૂતિનો સાક્ષ્ય બને એ જ વાર્તાની સફળતા.● વાર્તા એટલે સર્જકની નજરે જીવનનો એક ટુકડો, સંવેદન, સ્પંદન . . . તો તમામ નીતિ નિયમોને મારો ગોળી . . . અને જે ક્ષણ તમને વાર્તા જેવી લાગે, તેને ઘડીને, ફ્રીઝ કરીને સરજો એક “વારતા” . . .- ધ.ત્રિ.

લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી

ઈમેઈલ : [email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝાના વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here