ભારત અને ચીન લદ્દાખ મોર્ચે સામસામે આવી ગયા છે. ચીન વારંવાર ઉંબાડીયા અને દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ ભારતીય સૈન્ય એક ઈંચ પણ પીછે હટ નથી કરી રહ્યું. જેથી અકળાઈને ચીને અહીં મોટી સંખ્યામાં જવાનો ખડક્યા છે તો ચીનને કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતે પણ સૈન્ય જમાવટ કરી દીધી છે. ચીને અહિં હથિયારો ખડકવાનું શરૂ કરી દીધું છે.

- Advertisement -

ચીને પોતાના વિસ્તારોમાં સૈન્ય ગતિવધિ વધુ ઝડપી કરી દીધી છે. ચીન સૈન્ય ભારે વાહનોથી તોપ અને અન્ય શસ્ત્રો જમા કરી રહ્યું છે. જ્યાંથી ગણતરીના કલાકોમાં તેને ભારતીય સરહદ પર લાવવામાં આવી શકે છે. જવાબમાં ભારતે પણ સૈન્ય મોકલી આપ્યું છે.

ચીન અને ભારત વચ્ચે ઉભા થયેલા તણાવને ઘટાડવા માટે બટાલિયન અને બ્રિગેડ સ્તરે સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. હજુ સુધી ચીનના સૈનિકો વિવાદવાળી જગ્યા પરથી પરત ફર્યા નથી. ભારતીય સૈનિક પણ અહીં મોરચો સંભાળી રહ્યા છે. ચીનની હરકત ચોક્કસપણે શંકાસ્પદ જણાય છે.

દૂરથી દેખાયો હથિયારોનો વિશાળ જથ્થો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં ચીનની સેનાના ક્લાસ એ વ્હિકલ્સ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર વાસ્તવિક નિયંત્રણ રેખા( LAC)ની નજીક છે. ભારતીય સીમાથી 25થી 30 કિમી અંતરે ચીનના સૈનિકોની ગાડીઓ છે. તેમા હથિયારો છે. જે ગણતરીના કલાકોમાં જ આ હથિયારો મોરચા પર પહોંચી શકે છે. આ સંજોગોમાં ચીન વાતચીતનું બહાનું બનાવી તેની સૈન્ય તૈયારીઓને વધારે મજબૂત કરી રહ્યું છે.

વાતચીતનું કોઈ જ પરિણામ ના આવ્યું

અહેવાલો પ્રમાણે બન્ને દેશના કમાન્ડિંગ ઓફિસર અને બ્રિગેડ કમાન્ડર્સ વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે અત્યાર સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. શક્ય છે કે મેજર જનરલ રેન્કના અધિકારી વાતચીત કરે જેથી તણાવ ઘટાડી શકે.

આ પણ વાંચો:-  રેલવેનો લોકોને મેસેજ, યુધ્ધ વખતે પણ નહોતી રોકાઈ ટ્રેનો, સ્થિતિની ગંભીરતા સમજો

ચીનની માંગ

ચીનનો આગ્રહ છે કે, ભારત તેના હિસ્સામાં બાંધકામને લગતી કામગીરી બંધ કરે. વિવાદને લીધે ચીનના સૈનિક અનેક વખત ભારતીય સીમામાં ઘુસી આવ્યા છે. આપણા સૈનિકો સાથે તેમની ઝપાઝપી થઈ હતી. મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ગંભીર ઝપાઝપી થઈ હતી અને હવે તે સમગ્ર લદ્દાખમાં થઈ રહી છે.

પરંતુ ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપવા કમર કસી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનના જવાબમાં ભારત યોગ્ય વ્યવસ્થા કરી રહ્યું છે. ચીને પણ તેના આશરે પાંચ હજાર સૈનિકો આ વિસ્તારમાં ગોઠવ્યા છે. કેટલીક જગ્યા પર ભારતીય સીમામાં ઘૂસણખોરી પણ કરી છે.

ભારતીય સૈન્ય રવાના

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનની સેનાની બરાબરી કરવા સરહદે સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે. ભારત તરફથી રિઝર્વ સૈનિકોને લદ્દાખ સરહદે મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે સૈનિકોને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ મોકલવામાં આવી રહ્યા છે.

સરહદ પર સેનાની તૈનાતી

સૂત્રોનું કહેવું છે કે, સુરક્ષાદળોના જે જવાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370ને નિરસ્ત કર્યા બાદ ત્યાં કાયદો વ્યવસ્થા માટે તૈનાત કરાયા હતા. હવે તેમને તેમના મૂળ યુનિટમાં પરત બોલાવી લેવામાં આવ્યા છે. ચીન સાથેની સંવેદનશીલ સરહદ પર સેનાની તૈનાતી છે. જ્યારે કે બાકીના સ્થળો પર આઇટીબીપી તૈનાત રહે છે.