High school order to state government in case of the collection of fees by private schools

કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે, સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કહ્યો હતો. હાઈકોર્ટે ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.

હાઈકોર્ટના ચુકાદાની નકલ મળ્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું: શિક્ષણમંત્રી

હાઈકોર્ટના આ નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્કૂલોની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભે બેઠક કરશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.

ટ્યુશન ફીમાં વધુમાં વધુ રાહત મળે તેવો નિર્ણય લેવા વાલીઓની માંગ

જ્યારે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, 25 ટકા ટ્યુશન ફી ઘટાડા બાબતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની સુનાવણી થતા ગુજરાત સરકાર, સ્કૂલ સંચાલકો તથા ઓલ ગુજરાત વાલી મંડળે કરેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી કોર્ટે સરકારને ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલોની ટ્યુશન ફી સ્કૂલે પૂર્ણ રૂપે ચાલુ ન થાય ત્યાં સુધી ફી ઘટાડવા બાબતે નિર્ણય લેવાની તમામ સત્તાઓ છે તેવું જણાવી સરકારને સત્વરે નિર્ણય કરવા નિર્દેશ કર્યો છે. સ્કૂલ સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યુશન ફી સિવાયની તમામ ફી સરકાર અને હાઈકોર્ટ દ્વારા અગાઉથી જ માફ કરવામાં આવી છે. જેથી સ્કૂલો પૂર્ણ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી બાબતે વધુમાં વધુ રાહત મળી રહે તેવો નિર્ણય લેવા વાલીઓની માંગ છે.

આ પણ વાંચો:-  વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી 20 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.