જો ભૂતકાળ બદલી શક્તો હોય, તો પિતાજીનો મેં રીસીવ ન કરેલો ફોન મારે રિસીવ કરવો છે

Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

ફેસબુક પરના એક ગૃપમાં અનોખી સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાનું નામ હતું “ભૂતકાળ પરીવર્તન” સ્પર્ધા. થીમ મુજબ વ્યક્તિએ પોતાના ભુતકાળની એવી કોઈ ઘટના વિશે લખવાનું હતું જેને તમે બદલવા ઈચ્છતા હો. ઘણી એન્ટ્રીઓ આવી, નિયત કરેલા જજીસે ફેસલા આપ્યા, ઈનામો અને અભિનંદનો બાંટવામાં આવ્યા.

- Advertisement -

ત્યાર બાદ એ ગૃપના એક યુવકે ડરતાં ડરતાં એક પોસ્ટ મૂકી અને લખેલું કે સ્પર્ધા દરમિયાન લખ્યું તો હતું, પરંતુ સ્પર્ધામાં એન્ટ્રી મુકતા હિંમત ન ચાલી. આ પોસ્ટ વાંચીને મને એક વાતનો બહુ ગહન અનુભવ થયો કે જૂની પેઢી ભલે નવી પેઢીને ગાળો આપે, પરંતુ આજની પેઢી પણ એટલી જ સંવેદનશીલ અને સમજુ છે જેટલી જૂની પેઢી પોતાને માને છે. આ પેઢીમાં પણ માનવ મૂલ્યો એટલા જ દ્રઢ છે, જેટલા જૂની પેઢી ઈચ્છે છે. સ્પર્ધાની વિજેતા અને અન્ય એન્ટ્રીઓમાં નરી કલ્પનાઓનું પ્રભુત્વ ઘણુ હતું,

પરંતુ આ યુવા મિત્રની વાતમાં ભારોભાર પીડા અને વ્યથા હતી અને એ પણ એટલી ગહન કે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની ઉંઘ હરામ થઈ જાય, જેમ મારી ઉંઘ હરામ થઈ હતી તેમ ! ચાલો એ યુવા મિત્રને પોતાના ભુતકાળની કઈ ઘટનાને બદલવી હતી તે એના જ શબ્દોમાં અનુભવીએ . . .

આપણે અત્યારે વતનમાં જવાનું છે.

“અચાનક આંખો સામે એ દ્રશ્ય તરવા લાગે છે. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૨ની મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કાકાના ફોનની રિંગ વાગે છે, એ ફોનમાં મોટા અવાજે ‘શું?, ક્યારે? કઈ રીતે ?…..હા..અમે અત્યારે નીકળીએ છીએ’ એવું બોલે છે. મેં આ તૂટક તૂટક અવાજ ઉંઘમાં સાંભળ્યો, મને કશું ખોટું બન્યાનો અંદેશો તો આવી ગયો છે. હું ઉઠું છું. કાકા મને કહે છે કે તુરંત જ મોઢું ધોઈ નાખ, આપણે અત્યારે વતનમાં જવાનું છે.

હું સ્તબ્ધ છું. મને કોઈ અંદાજો આવી ગયો છે. હું કાકાની સલાહને અનુસરીને નીકળવા માટે તૈયાર થાઉં છું. આ સમયે મને કોઈ વિચાર નથી આવતાં. કાકા પાડોશીને ઉઠાડે છે અને એમની કાર લઈને અમે વતન જવા નીકળીએ છીએ. ગાડીમાં કાકા મને મજબૂત બનવાની સલાહો આપે છે, તેઓ હંમેશા મારી સાથે જ છે એવું કહે છે. આ બધી વાતો એ મને કેમ કહે છે, એટલું સમજી શકવા હું ૨૩ વર્ષની ઉંમરે સક્ષમ છું. પરંતુ હું રડી નથી રહ્યો, મારા ચહેરા પર કોઈ ભાવ નથી.

આ પણ વાંચો:-  ધ. ત્રિ ની કલમે, જાણો કોરોના વાઇરસ વિષે...

કાકા અને મારા કુટુંબીજનો માને છે કે હું સૌથી વધુ લાગણીશીલ અને કોમળ હૃદયવાળો છું. એ જ વાતનો ભય કાકાને સતાવતો હશે એટલે આખા રસ્તે એ મારો હાથ પકડી મને મજબૂત બનાવે છે. બે કલાક જેવા સમયમાં અમે પહોંચીએ છીએ. મારા મોબાઈલની ઘડીયાળ ૫.૩૦નો સમય બતાવે છે. ઘરમાં સગા સબંધીઓની ભીડ છે, એ બધી આંખો મારી તરફ મંડાય છે. મોટો ભાઈ દોડીને મારી તરફ આવે છે, મને વળગીને રડી પડે છે. હું છતાં પણ રડતો નથી. મમ્મીની આસપાસ સ્ત્રીઓ બેઠી છે. એમણે માથે ઓઢી રાખ્યું છે. હું મમ્મી પાસે જાઉં છું અને એમને જોરથી ભેટી પડું છું. એમના ખોળામાં માથું નાખી દઉં છું. મમ્મી પોક મુકીને રડે છે. હું રડતો નથી.

બીજી તરફ મારા કાકા અને ફઈબા કોઈ વાત કરે છે. ફઈબા મારી પાસે આવે છે. મને મમ્મી પાસેથી લઈને પપ્પા તરફ લઈ જાય છે. પપ્પાને રૂમની મધ્યમાં સુવડાવ્યા છે, એમના નાકમાં રૂનાં પુમડાં ભરાવ્યા છે. હું એમને જોઉં છું. એમની પાસે બેસી જાઉં છું. હું રડતો નથી. ફઈબા મને રડાવવા માટેના પ્રયત્નો કરે છે, એ કહે છે “તારા પપ્પા ક્યારેય હવે પાછા નહીં આવે. તમે એકલા પડી ગયા, તને નાનકો કોણ કહેશે?”. હું રડતો નથી. એ મને ભેટીને રડે છે. તને રડવું આવતું હોય તો ખુલીને રડ એ રડતા રડતા બોલે છે. હું કોઈ પ્રતિભાવ નથી આપતો.

બધી વિધિઓ ક્રમવાર ચાલું થાય છે, હું અહીંયા પણ માત્ર સુચનો અનુસરુ છું. ચહેરા પર કોઈ ભાવ આવતા નથી. સ્મશાનથી અમે ઘરે આવીએ છીએ. હું બિલકુલ સામાન્ય બની જાઉં છું. હું એ જ ઘડીથી મમ્મીની તાકાત બની જાઉં છું. મોટાભાઈને હિંમત આપું છું. એ સમય અને આજનો સમય હું એમની સામે ક્યારેય રડ્યો નથી. હા પણ એ જ દિવસે બાથરૂમમાં જઈને કોઈને ખબર ન પડે એમ મન ભરીને રડ્યો છું. અત્યાર સુધી પપ્પાને અગણિત વખત યાદ કરીને એકાંતમા રડ્યો છું. મારા અંગત લોકોને લાગતું હતું જે પરિસ્થિતીથી હું કમજોર બની જઈશ, એ જ પરિસ્થિતિના કારણે હું વધુ મજબૂત બન્યો છું.

આ પણ વાંચો:-  પોતાની ભૂલો, તેનો સ્વીકાર અને તેના આધારે જીવનમાં આણેલા પરિવર્તનો એજ તો એથિક્સ

એ વરસ ૨૦૧૨નું હતું, દુનિયા ખતમ થવાની હતી. ન થઈ, પણ મારા માટે વરસના અંતમાં પપ્પા દૂર થઈ ગયા અને મારી દુનિયા ખતમ થઈ ગઈ. જો કોઈ ઘટના બદલવી હોય તો પપ્પા મૃત્યુ પામ્યા એની આગલી રાત્રીએ એમનો ફોન આવ્યો હતો, હું થાક્યો હતો, નોકરીના કારણે કંટાળ્યો હતો એટલે મેં ફોન રિસીવ કર્યો ન હતો. બસ, જો ભૂતકાળ બદલી શકાય, તો પિતાજીનો રીસીવ ન કરેલો ફોન મારે રિસીવ કરવો છે. એ આગલી રાત્રીએ એમણે મને શું કહ્યું હોત એ મારે જાણવું છે !”

જીવન અને મૃત્યુ . . . આ વિષય એક શાશ્વત ચર્ચા, વિચારણા ને ઘણે ભાગે તો ગીનાન પ્રદર્શિત કરવાના માધ્યમ અથવા હથિયાર તરીકે વપરાતો આવ્યો છે. લગ્ન, જન્મ અને મૃત્યુ પૂર્વનિર્ધારીત હોય છે એવી સૂફીયાણી વાતો કેટલાંય હોઠોમાંથી ઉભરાઈ ઉભરાઈને કેટલાંય કાન સુધી રેળાયા જ કરી છે . . . યુગલને શેર માટીની ખોટ હોય ત્યારે, સંતાન વિરુદ્ધમાં જઈ ને લગ્ન કરે ત્યારે અને જનના મૃત્યુ સમયે આશ્વાસન આપતા તમામ હોઠ આ જ ડહાપણ ડોળે, પરંતુ . . . જીવન અને મૃત્યુ, આ બે ઘટનાઓ, એ ઘટનાઓની સાથે સંકળાયેલા સર્વેની જિંદગીના કેનવાસ પર કેવા લસરકા મૂકી જાય છે એ અંગે ભાગ્યે જ કોઈ વિચારતું કે ધ્યાન આપતું હોય છે. જરૂર છે તો એ બન્ને ઘડીઓના આનંદ અને દુઃખને સમ્યક રીતે જોવા, સમજવા અને અનુભવવાની. પરંતુ . . . દરેક લસરકાનો રંગ કેવો અલગ અલગ હોય છે એ જોવા જેવું છે . . . ઉગતા જીવનનો લાસરકો ઉમંગ ભરે ને આથમતા જીવનનો લસરકો ખાલીપો . . .

લોહી અને માના અંશોથી ખરડાયેલું એક જીવન જ્યારે અવતારે….

હોસ્પિટલના ડિલિવરી રૂમમાં માના બે પગ વચ્ચે પ્રથમ શ્વાસ લેતું, ડોક્ટરની થપ્પડો ખાઈને ભેંકડા તાણાતું, લોહી અને માના અંશોથી ખરડાયેલું એક જીવન જ્યારે અવતારે ત્યારે જીવનના કેનવાસ પર થતો લસરકો લીલો છમ્મ હોય છે. આ જ બાળક જ્યારે માત્ર બે દિવસની જીવનયાત્રામાં થાકી જાય અને અણધારી મૌન વિદાય લે ત્યારે, આ જ બાળકને હરખભેર બળુકા હાથે ઊંચકીને હરખાતો બાપ, તેને દફનાવતી વખતે હાથ ભાંગી ગયા હોય તેવું અનુભવે . . . ત્યારે જીવનના કેનવાસ પર લસરકો નહીં પણ કાળા રંગનો ઉઝરડો પડતો હોય છે. જે બાપના હાથનો ભરપૂર માર ખાધો હોય, એની સાથે ઠંડા થેપલાને દહીં ઝાપટયા હોય, એની ફેંકેલી બીડીના ઠૂંઠા ચૂસ્યા હોય અને મસ્તીની ક્ષણોમાં બથમ્મબથ્થા કરી હોય, એ જ બાપને ચિતા પર સુવડાવી તેની આંખ અને નાકમાં ઘી ભરતી વખતે પુત્રના ચિત્તમાં જે ખળભળાટ થાય એ કેવો ગહેરા રંગનો લસરકો કરતો હશે ? છાતીએ વળગાડીને ધવરાવેલો, પહેલી વાર નિશાળે જતો હોય ત્યારે હરખભેર મોઢામાં દહીં ખાંડ અને તુલસીનું પત્તું આપ્યું હોય, વર બની ઘોડીએ ચડેલા રાજા તરીકે પોંખ્યો હોય, એ જ દીકરાને નનામી પર કસોક્સ બંધાતો જોઈને માનું હૈયું તો કહેતું જ હોય . .

આ પણ વાંચો:-  કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ મેચ મેકિંગ માટે સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ બેસ્ટ

એક સ્ત્રી જન્મથી લઈ મૃત્યુ સુધી કેટલાંયે જીવન જીવી જતી હોય છે

મારા દીકરાને શ્વાસ લેવા જરીક તો મોઢું ખુલ્લું રાખો . . . આ કેવો લસરકો ? એક સ્ત્રી જન્મથી લઈ મૃત્યુ સુધી કેટલાંયે જીવન જીવી
જતી હોય છે . . . બાળકી, દીકરી, કિશોરી, પ્રેમિકા, પત્ની, ભાભી, નણંદ, દેરાણી, જેઠાણી, સાળાવેલી, સાળી, માં . . . આ હર્યાભર્યા અસ્તિત્વનો જ્યારે શ્વાસ સાથે સંબંધ કપાય ત્યારે, તેને વિદાય આપનારા કેટકેટલાં સ્વરૂપોને કેટકેટલી વૈવિધ્યપૂર્ણ પીડાઓ આપી જતી હશે ? આ વિદાય વેળા જીવનમાં કેટલા ઉઝરડા પડતાં હશે ? જીવનના આગમન ટાણે ઉલ્લાસ કરતાં આ સર્વે જનોને મૃત્યુની વિદાય ટાણે હિંમતના બે શબ્દો કહેવા, ગીતાનો સાર સમજાવવા સાક્ષાત કૃષ્ણ પરમાત્મા આવે તો ખરેખર તેને પણ હિંમત એકઠી કરવી જ પડે બોસ . . .

લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી

[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -