ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તેવામાં હવે લોકોની સેવા કરતા નગરસેવકો અને નેતાઓ પણ કોરોનાના સંક્રમણથી બચી શક્યા નથી. અમદાવાદમાં વધુ એક ભાજપના ધારાસભ્યનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોના પણ ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય બલરામ થવાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય બલરામ થવાણીના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોનાના ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દિનેશ શર્માનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને હવે અમદાવાદમાં વધુ એક ભાજપના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે.

રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ધંધા-ઉદ્યોગોને ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે લોકોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, લોકોએ ઘરની બહાર નીકળતા સમયે ફરજિયાત માસ્ક પહેરીને નીકળવું અને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવો.

આ પણ વાંચો:-  કોરોનાના કારણે આ વર્ષે 4.9 કરોડ લોકો ગરીબીનો ભોગ બનશેઃ UN