મહેસાણા,તા.5
મહેસાણા શહેરના હાઈવે ઉપર એસટીના પીકઅપ સ્ટેન્ડની બહાર
ટ્રાફિકને અડચણરૃપ ખાનગી વાહનોના રોજ અડીંગા લાગી જાય છે. મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી, પાલાવાસણા સર્કલ, ટાઉનહોલ સહિતના
વાહનવ્યવહારથી ધમધમતા જાહેર સ્થળોએ મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતાં સંખ્યાબંધ
વાહનોની લાઈન લાગે છે. અહીં ટ્રાફિક પોલીસની નાક નીચે એસટી સમાંતર દોડતા ખાનગી
વાહનોમાં મુસાફરો ભરવાની પ્રવૃત્તિ બેરોકટોક થાય છે.
મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી માથાનો દુખાવો
બનેલ છે. વખતો વખત યોજાતા પોલીસ દરબારોમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેતો હોય
છે. આ સમસ્યાના પરીબળ સમાન મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ખાનગી વાહનોના
શહેરના ભરચક ગણાતા વિસ્તારોમાં લાગી જતાં અડીંગા છે.મોઢેરા ચોકડીએ હાલમાં અંડરપાસ
નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થળે ખાનગી વાહનોથી રાબેતામુજબના
વાહનવ્યવહારને ભારે અડચણ થાય છે. ઉપરાંત,રાધનપુર
ચાકડીએ એસટીના ચાણસ્મા જતા રોડ,
પાલનપુર જતા અને અમદાવાદ જતા રોડ પર ત્રણ જગ્યાએ ખાનગી વાહનોમાં એસટી સંમાંતર
મુસાફરો ભરવાની પ્રવૃતી છડેચોક થઈ રહી છે.જયારે મોઢેરા સર્કલ, પાલાવાસણા સર્કલ, ટાઉનહોલ અને
સિવીલ હોસ્પિટલ નજીક ગોઝારીયા તથા વિસનગર જવા માટે ખાનગી વાહનોની લાઈનો લાગે
છે.જેના લીધે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.મહેસાણાથી અમદાવાદ, પાલનપુર, ચાણસ્મા, રાધનપુર, વિજાપુર, હિંમતનગર, મોઢેરા, બેચરાજી જવાના
રૃટ ઉપર રોજ એસટી સમાંતર દોડતા વાહનોમાં ગેરકાયદેસર રીતે મુસાફરોને ભરવાની પ્રવૃતી
બેરોકટોક થઈ રહી છે.
પોલીસ અને આરટીઓ અનદેખી કરે છે
જિલ્લા મથક મહેસાણાથી સુનિયોજીત રીતે ખાનગી વાહનોમાં
જોખમકારક રીતે મુસાફરોની હેરાફેરી કરવાની પ્રવતી સામે પોલીસ અને આરટીઓ તંત્ર
અનદેખી કરતું હોવાનું જણાય છે. મોટાભાગના ખાનગી વાહનોમાં બેસાડવાની મંજુરી કરતાં
ડબલ ગણી શકાય તેટલા મુસાફરો ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યા છે. જ્યારે કોરોના
કાળમાં મુસાફરોનો લાભ ઉઠાવીને આ ખાનગી વાહનોમાં ભાડા વસુલીમાં ઉઘાડી લૂંટ કરવામાં
આવી રહી છે.
.