હિંમતનગર,
તા. 25
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો શીતલહેરની ઝપેટમાં આવ્યો છે. વિજયનગર
૭ ડિગ્રી સૌથી વધુ ઠંડો વિસ્તાર રહેતાં રાત્રે લગ્નમાં ગયેલા લોકો ઠંડીમાં ઠૂઠવાતા
જોવા મળ્યા જેના કારણે તાપણાં કરવા પડે તેવી
સ્થિતિ જોવા મળી છે. આગામી ૪ દિવસ ઠંડીનું જોર હાવિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી
કરી છે.
કમોસમી માવઠા પછી વાદળો વિખેરાયા અને કડકડતી ઠંડીનો નવા વર્ષનો
બીજો ડોઝ પ્રજા માટે અસહ્ય થઈ પડયો છે. રવી ખેતી માટે ઠંડીનો આકરો ડોઝ ફાયદારુપ સાબિત
થવાનો છે પરંતુ ગરમી પછી એકાએક ઠંડીનો પ્રકોપ વધતાં મિશ્ર ઋતુના કારણે વાયરલ દર્દીઓની
સંખ્યામાં વધારો થવાની દહેશત છે.
ગત રોજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ તાપમાનનો પારો ૬
ડિગ્રીએ પહોંચતાં પ્રજા ફફડી ઉઠી હતી.
આજ રીતે ઠંડીનું મોજુ લાંબો સમય હાવિ રહે તો મૂંગા પશુ-પક્ષીઓ
માટે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.
આગામી ૭ર કલાક દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં
ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગાત્રો થીજવતી ઠંડી,
દૂધ ઉત્પાદન ઘટયું
જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે જેના
કારણે પાણીનો વપરાશ ઘટયો અને મૂંગા પશુઓની દૂધ ઉત્પાદન શક્તિને ફટકો પડયો છે. જિલ્લાની
સાબરડેરી સંલગ્ન દૂધ મંડળીઓ તેમજ ખાનગી ડેરીઓમાં દૈનિક આવક કરતાં દૂધ ઉત્પાદન ઘટયાનું
સ્થાનિકોએ જણાવ્યું છે. પશુપાલકોએ ઠંડીથી મૂંગા પશુઓને રાહત આપવા માટે અવનવા ઉપાય શરૂ
કર્યા છે.
.