અંગત ડાયરી નું એક પાનું: પરિસ્થિતિ vs પ્રતિક્રિયા

ખરા અર્થમાં જીવનનો આનંદ- પરિસ્થિતિ ગમે તે હોય.

પરિસ્થિતિ પ્રમાણે આપણા મનની અને શરીરની સ્થિતિ હાવભાવ બદલાઈ જતા હોય છે.અને અમુક પરિસ્થિતિ આપણે જ ઉભી કરેલી હોય છે. આપણે બહુ સહેલાઈથી લાગણીઓમાં  તણાઈ જતા હોઈએ છીએ. પ્રેમમાં પણ જલ્દી પડી જતા હોઈએ છીએ અને દુર પણ જલ્દી થઇ જતા જોઇએ છે. ગળાડૂબ પ્રેમ વ્યક્ત કરતા વ્યક્તિ પણ  ક્યારેક નામ  માત્ર થી નફરત કરતાં થઇ જતા હોય છે,  કારણ પરિસ્થિતિ.

- Advertisement -

ક્યારેક જાણતા અજાણતા અનેક સંબંધો બગડી જતા હોય  છે, જે ખુબ જ પીડાદાયક હોય છે. કોણ સાચું કોણ ખોટું આવી અનેક પરિસ્થિતી સર્જાય જતી હોય છે.
ઈર્ષા, અહમ અને અહંકાર માણસને માણસ પ્રત્યે વિચારધારા બદલતો કરી મૂકે છે. અમુકવાર વ્યક્તિ પોતાના અનુભવ, ઉછેર અને નબળી વિચાર સરણી મુજબ સામેની વ્યક્તિને આંકી લેતો હોય છે, પોતાની વિચાર ધારા મુજબ, જે ખરેખર સાચું હોતું જ નથી. અને એ જીવનમાં સારા માણસો ને ગુમાવી બેસે છે. કારણ વિચારોની અશુદ્ધિ.

પરિસ્થિતિ જયારે આપણા ધાર્યા મુજબ હોય ત્યારે બધું સારુ સારુ લાગતું હોય છે , પણ જો ધાર્યા મુજબનુ ના થયું તો અશાંતિ ને અજંપો. અમુક સંબધોમાં જીવનમાં આવનાર અમુક વ્યક્તિ સામે વાળા વ્યક્તિ પર અધિકાર સમજી બેસે છે, જીતવા માટે ઈર્ષા કે અધિકાર નહીં પ્રેમ, લાગણી જરૂરી હોય છે. પોતાની ધારણા મુજબ ના થાય તો આક્ષેપ બાજી માં માણસ ક્ષણવારમાં  શાણપણ ગુમાવી બેસે છે. પછી વિચારવા બેસે કે મારી જ સાથે આવું કેમ થયું? મેં શું કર્યું છે? વગેરે.

પણ પોતાનો અહમ, દંભ જોવે જ નહીં.

બીજા નું સારુ થતું પોતાને ખરાબ લાગે, પોતે અજીબ પ્રકારની પીડા માંથી પસાર થાય અને નેગેટિવ વિચાર સરણી ઉભી કરે અને આસપાસ ફેલાવે. પણ !આવા સંજોગોમાં ખરેખર શું કરવું જોઇએ? તે વિચારતા જ નથી.બસ જે થયું એમાં જ દુઃખી થઇ ગરકાવ થતા જઈએ છીએ. આપણા સામે વાળાની વિચાર સરણી બદલી શકતા નથી. તો એનો સામનો કરી પોતે શું કામ દર્દ ભોગવીએ એની માનસિકતાનો. આપણી સાથે પણ વિપરીત જ બન્યું એની ચિંતા માં વ્યાકુળ થઇ  પરિસ્થિતિને વધુ પીડા દાયક અને કપરી બનાવી દેતા હોઈએ છીએ.
શું કામ આપણે ક્યારેય કોઈ વ્યક્તિ (એક સમયે ખુબ ગમતી)એને બીન શરતી માફી માંગી કે આપી નથી શકતા.ચાલો માફ કરી દઈએ આવી માનસિકતા વાળા વ્યક્તિને..
જે ઘટનાઓ ઘટે છે, એમાં કુદરત અને સંજોગો ની મરજી સમજી પરિસ્થિતિને થાળે પાડી ના  શકાય? આક્ષેપ, ઈર્ષા અને અહમમાં એ બધું જ ભુલી આપણું ખરાબ ઈચ્છે, તો આપણે પણ પોતાનું સારાપણું ભુલી જતા હોઈએ છીએ.

આ પણ વાંચો:-  યુદ્ધમ દેહી……

ગંભીર પરિસ્થિતિમાં પણ આપણે ખમતીઘર રહી શકીએ?

જીવનમાં જે ખરાબ ઘટનાઓ ઘટી હોય, એના જ  વિચારોનો મારો સતત ચાલ્યા કરે એટલે આપણી વિચારવાની શક્તિ નહીવત થઇ  જાય છે. આપણે પરિસ્થિતિને શાંતિથી વિચારીને હલ કરવાને બદલે વિચિત્ર  પ્રત્યાઘાત  આપીને પરિસ્થિતિ ને વધુ ગંભીર બનાવી દેતા હોઈએ  છીએ. ગંભીર પરિસ્થિતિમાં પણ આપણે ખમતીઘર રહી શકીએ? ખરેખર આવી પરિપક્વતા આપણી પાસે છે જ નહીં. તેના માટે આપણી પાસે મુક્ત મન હોવું જોઇએ.શું આપણે ક્યારેય આપણા મનને  શાંત  કરવાનો પ્રયત્ન કર્યો છે? જેટલાં વિચારો, જેટલી ઉચાપત કરી હોય છે, એનો એક ટકો પણ શાંત રહેવા માટે પ્રયત્ન  કરીએ છીએ ખરા?

ઉદ્વેગમાંથી શાંતિ તરફ કેવી રીતે જઇ શકીએ?

આવેશ અને ચિંતાતુર  ભરેલા મનમાં જાતજાતના હજારો વિચારો આવતા હોય છે. તો આપણે આવા ઉદ્વેગમાંથી શાંતિ તરફ કેવી રીતે જઇ શકીએ? આપણે હંમેશા અવવ્લ કૅમ આવવું. ટોચ પર કૅમ પહોંચવું, બીજા કરતાં ચડિયાતા કૅમ દેખાવવું એજ શીખ્યા છીએ, અને પોતે ના પહોંચ્યા તો બીજા જે મહેનત અને આવડતથી પહોંચ્યા એને નીચા પાડવાની મથામણ કરતાં થઈ જતા હોઈએ છીએ. કોઈ પાઠશાળા કે કોઈ અભ્યાસક્રમ  મનને શાંત કૅમ કરવું અને પરિસ્થિતિને અનુરૂપ થઇ જીવન આગળ વધારવું એ શીખવાડતા જ નથી.
આપણે કહેતા હોઈએ છીએ કે અનુભવ જ બધું શીખવાડે, પણ અનુભવ કડવા, સારા નરસા ને બેલેન્સ કરતાં કોઈ શીખવાડતું નથી.

એટલે મનને શાંત કરવાનું મન પાસે થી જ શીખવું રહ્યું.

મન પાસે અઢળક શક્તિનો ભંડાર છે, પણ આ શકિત ત્યારે જ ઉપસીને આવે જયારે એને સકારાત્મક વિચારોનો ખોરાક મળે. અને સકારાત્મકતા ત્યારે જ આવે જયારે પરિસ્થિતિને વિચલિત થયા વગર સ્વીકાર કરી લેવાની આદત પાડીએ. વાતચીતમાં, સહવાસમાં  આનંદદાયી અને તણાવ મુક્ત વાતાવરણના નિર્માણની ક્ષમતા ખુબ ઓછા લોકો પાસે હોય છે.
ચિંતા અને તણાવ જ સ્વભાવમાં વણાઈ ગયો હોય છે. જો પરિસ્થિતિ પર કાબુ લેતા શીખી જવાશે તો મન એ મુજબ કાર્ય કરશે, અને મન ને જો ભટકતું રાખ્યું તો પરિસ્થિતિ ક્યારેય નહીં સુધરે.

આ પણ વાંચો:-  ભેસ્તાનમાં BRTS બસ સ્ટેન્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

આપણે શાંત મન કોની પાસે માંગી શકીએ?

શું આપણે શાંત મનને કેળવી શકીએ? તો હા માત્ર  ધ્યાન જ એવી ક્રિયા છે જે મનને શાંત થવા માટે તૈયાર કરે છે. આટલા વર્ષોનો જમા થયેલો તણાવ ધ્યાન  જ દુર કરી શકે.
ધ્યાન મનની પરિસ્થિતિને વર્તમાનમાં લાવે છે. એક મજાની વસ્તુ એ છે કે આપણી અંદર જ અદભુત શકિત છે, જે આપણે આસપાસ ફાંફા મારતા હોઈએ છીએ.
આપણને બસ જરૂર છે  સારા પોઝિટિવ વિચારોની. આંતરિક શાંતિ  ઉદ્વેગ ઓછો કરવામાં મદદ કરે છે. રોજનું થોડી મિનિટનું ધ્યાન ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રહેવામાં મદદ કરે છે. અને મનને મજબૂત બનાવી પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરી શકવાની શકિત આપે છે.

પોઝિટિવ વિચારો લાગણીઓની સ્થિરતામાં વધારે કરે છે, અને પ્રત્યાઘાત આપવાની વૃત્તિને  ઓછી કરે નાખે છે. અત્યારની ફાસ્ટ લાઈફમાં  નાકારાત્મકતા ઘુસતા વાર નથી લાગતી.
નકારાત્મકતા ડિપ્રેશનને નોતરે છે. આધુનિક વિશ્વમાં ડિપ્રેશન એ તીવ્રતાથી ઘર કરતી વસ્તુ છે. જે  વ્યક્તિ અને સંબંધ બન્ને ને વિખેર કરી નાખે છે.

ઉત્તમ જીવન માટે વિખેરાઈ જવા કરતાં પોઝિટિવ વિચારો થકી જોડાવવું અનિવાર્ય છે.

પારુલ અમીત’પંખુડી’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.