ધ.ત્રિ. ની કલમે – “આપણે હવે માસ્ટર બની ગયા છીએ એવી હવા કદી આવવા દેવી નહીં.”

<a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a>, <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a> in <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

જેમનું બાળપણ ગામડાઓમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિત્યું હોય, કુદરતના ખોળે ખેલીને મોટા થયા હોય, તેમના જીવન બાળપણની મધુર યાદોથી સભર હોય છે. સભર અને હર્યાભર્યા બાળપણના માલિક અમે ક્યારે ગ્રામીણ પ્રકૃતિ રાણીના પ્રેમમાં પડી ગયા એ ખબર જ ન રહી. ધીમે ધીમે અમારા આ પ્રેમ તત્વમાં સમજણ અને વૈચારિક સશક્તિ આવતી ગઈ તેમ તેમ આ ઘટના માત્ર એક પ્રવૃત્તિ કે શોખ ન રહેતાં એક અનોખી વિચારધારા બની ગઈ. શરૂઆતનો પ્રેમ જેમ ઝનૂનની હદે જતો હોય તેમ મારા અને થોડા મિત્રોના સમગ્ર અસ્તિત્વ લીલાં છમ બની ગયેલાં, અમને તમામ જગ્યા પર કુદરત, પ્રકૃતિ, પર્યાવરણ અને તેના વિવિધ પાસાઓ જ દેખાતા . . . અને અમારા કિશોરાવસ્થાના તમામ કપડાં પણ લીલાશ ધારણ કરવા લાગેલાં ! કંઈ પણ પસંદગી કરવાની આવે તો અમે તરત પૂછતા કે “લીલું છે ?” આ ઉન્મેષ પણ સુખદાયક હોય છે. આજે અર્ધી સદીના આરે આવતાં અમારા એ બચપના અને નિર્દોષતા પર અમને જ હસવું આવે છે.

- Advertisement -

આ ક્ષેત્રની મુગ્ધતા ઓસરતાં વર્ષો લાગેલાં. વર્ષો બાદ યુવાવસ્થામાં સર્પોના આ અનૂઠા ક્ષેત્રમાં અમારા વૈચારિક લેવલ અને પ્રદાનને કારણે અમને સૌથી મોટો સ્વીકાર ત્યારે મળ્યો, જ્યારે એક પ્રાકૃતિક વિષય પરના પુસ્તકનો આસ્વાદ લખતી વખતે શ્રી રઘુવીર ચૌધરીએ મારી સર્પ બચાવવાની પ્રવૃત્તિનો વિશેષ ઉલ્લેખ કરેલો. હવે તમે જ કહો કે આવું થાય તો કોઈને પણ શેર લોહી ચડે જ ને ? ત્યાર બાદ બે ત્રણ સાહિત્યિક કાર્યક્રમોમાં એમને મળવાનું થતાં ત્યારે પણ એમણે બહુ ગંભીરતાથી અને પ્રેમપૂર્વક કહેલું કે “ધર્મેન્દ્ર, તારી પાસે સર્પોની દુનિયાના જે અનુભવોનું ભાથું છે તે ગુજરાતમાં કોઈ પાસે નથી, અને જેમની પાસે એવું જ ભાથું હશે તે લોકો તારી જેમ લખી શકવાના નથી. તો તું સર્પોના તારા અનુભવોને સવિસ્તાર કાગળ પર ઉતાર. એક પુસ્ત્તક બનશે!”

આજે તમે સૌ વાંચકો સર્પો સાથેના મારા અનુસંધાનના સહયાત્રી બન્યા છો તેમાં એક મોટો ફાળો વડીલ શ્રી રઘુવીર ચૌધરી સાહેબના શબ્દોનો પણ છે. પરંતુ એટલી જ અગત્યની વાત છે મારી સર્પો સાથેની યાત્રાની, મને શરૂઆતથી ખ્યાલ હતો જ કે સર્પો અંગેના યોગ્ય વૈજ્ઞાનિક જ્ઞાન વગરની મારી પ્રવૃત્તિ પરંપરાગત રીતે સાપોને પકડતા મદારીથી સહેજ પણ અલગ નહીં રહે, અને એટલે જ મારી પ્રવૃત્તિની શરૂઆત જ ચોરેલા પુસ્તકથી થયેલી. સર્પો અંગે માહિતી મેળવતાં મેળવતાં ઘણું નવું જાણવા મળ્યું. સર્પોની જાતિઓ, તેમના દેખાવની વિવિધતા, તેમના ઝેરના પ્રકારો, આ ઝેરની માનવ પર થતી ઘાતક અસરો વિગેરે વિગેરે.

આ પણ વાંચો:-  8 જુલાઈ : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય

સમય જતાં ખ્યાલ આવ્યો કે સામાન્ય માણસ કરતાં મારે ભાગે સર્પોનો આમનો સામનો વધુ જ થવાનો. તેથી પ્રથમ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સર્પોની જાતોને ઓળખવાની મથામણ શરૂ થઈ. હવે એક ચૌદ વર્ષના બાળકને એ જમાનામાં ગુજરાતમાં ઓળખાયેલી પંચાવન કરતાં વધુ પ્રજાતિઓને યાદ રાખવી કઠિન તો ગણાય જ. બહુ મથામણના અંતે એક આઈડિયા આવ્યો કે ગુજરાતના કુલ સર્પોની જાતિઓમાં માત્ર ચાર જ માનવ માટે ઘાતક હોય છે, બાકીના બિનઝેરી.

એ વખતે એલિમિનેશન મેથડ શું હોય એ ખ્યાલ નહોતો, પરંતુ એવો નિર્ણય કર્યો કે આપણે બધા ઓળખવા કરતાં ચાર ઝેરી સર્પોને ઓળખવામાં ભૂલ થવી ન જોઈએ. એ ચારેય સર્પોના દેખાવ, રંગ, ડિઝાઈન અને એવી આનુષાંગિક બાબતો આંખના માધ્યમથી મન અને હૈયામાં ઉતારી લીધી. એટલે આપણને લાગ્યું કે આપણે તો હવે એક્સ્પર્ટ બની ગયાં! અને હકીકત એ જ છે કે જે ઘડીએ એવું લાગે કે આપણે સર્વજ્ઞ બની ગયાં ત્યારથી આપણી શિક્ષણ ક્ષમતાના દ્વાર બંધ થવા લાગે છે. અને બન્યું પણ એવું જ કઈંક જેણે મારી આંખો ઉઘાડી નાખી અને જીવનનું એક નવુ સૂત્ર સુવર્ણ અક્ષરે અંતરમાં કોતરાઈ ગયું.

સર્પોની જાતિઓ અંગે અને ખાસ તો ઝેરી સર્પોની મારી ઓળખ તો પાક્કી બનેલી, પરંતુ તેના મદમાં એક બાબત ચુકાઈ ગઈ કે સર્પોમાં લૂક અલાઈક્સ એટલે કે અમુક સર્પોની જાતિઓ એવી હોય છે કે જે બિનઝેરી હોવા છતાં તેમની રચના અને દેખાવ અન્ય અતિ-ઝેરી સર્પો જેવી જ હોય છે. સામાન્ય માનવની આંખે બન્ને સરખા લાગે પણ જાણકાર જ એમના વચ્ચેનો ભેગ પારખી શકે. આ સર્પો આમ બિન-હાનિકારક હોવાથી પોતાના શિકરીઓથી બચવા માટે ઝેરી સર્પોનો દેખાવ ધારણ કર્યો હોય છે, જેથી શિકારી તેને પણ ઝેરી સમજે અને તેને રક્ષણ મળે.

ગુજરાતમાં આવા બે પ્રકારના લૂક અલાઈક સર્પો છે. એક છે કોમન કેટ સ્નેક જેનો બાહ્ય દેખાવ ઝેરી એવા ફુરસા જેવો જ હોય છે, અને બીજો છે વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતિ સાપ જેનો બાહ્ય દેખાવ ઝેરી એવા કાળોતરા જેવો જ હોય છે. મારા સાપો સાથેના અનુભવો તે સમયે ઘણા જ મર્યાદિત હતા, એક એવો અનુભવ થયો કે જેણે મારી આંખો ખોલી નાંખી અને મને જીવન માટે જોખમી એવા કાર્ય પ્રત્યે વધુ સજાગ બનાવ્યો. એક દિવસે અમરેલીના મારા ઘરે બપોરે વાંચતો હતો, અને બહાર શેરીમાં હો હા અને ગોકીરો થયો. કુતૂહલવશ હું જોવા નિકળ્યો કે થયું શું ? બહાર જોયું તો એક નાનકડા સાપને યુવાનો લાકડી પર ચડાવીને હવામાં ઊંચે ઉછાળતા હતા અને એ સાપ હવામાં પંદર વીસ ફૂટ ઊંચેથી નીચે નક્કર જમીન પર પછાડાતો હતો. આવું બે ત્રણ વાર થતાં સર્પ બિચારો ઢીલો-ઢસ થઈ ગયેલો જાણે મરી જ ગયો હોય. મેં એમને રોક્યા અને સાપને ધ્યાનથી જોઈ એને કહ્યું કે “શું કરવા મારો છો યાર, આ તો બિનઝેરી કેટ સ્નેક છે. આમાં ઝેર હોય જ નહીં. લાવો આને હું ગામ બહાર છોડી દઈશ.” મેં એ સાપને હળવેથી હથેળીમાં ઉઠાવ્યો અને નાખ્યો મારા લેંઘાના ખિસ્સામાં. એ લોકો ગણગણાટ કરતા કરતા વિખેરાઈ ગયા. મારી મા આ બધું જોઇ રહેલી, હું ઘરમાં ગયો તો ખીજાઇને મને કાઢી મૂક્યો ઘરની બહાર. કહે, જા પહેલાં આ સાપને છોડી આવ. હવે આ હાથમાં આવેલા ખજાનાને એમ તો જલદી છોડી દેવો સહેલો તો નથી ને ? આપણે તો ખિસ્સામાં સાપને લઈને ઉપડ્યા એક મિત્રની ઓફિસે. એમને ખિસ્સામાંથી સર્પ કાઢીને દેખાડ્યો. તો એ મિત્રએ સામે સ્ટુડિયો ચલાવતા એક ફોટોગ્રાફર મિત્રને બોલાવ્યા. તેઓ કેમેરો લઈને આવ્યા અને આપણે ફરીથી એ સાપને ખિસ્સામાંથી કાઢીને ટેબલ પર મૂક્યો. એમણે થોડા દૂરથી ફોટા તો લીધા, પરંતુ એમને નજીકથી ફોટા લેવાની લાલચ જાગી. મેં એ સાપના માથા પર આંગળી મૂકી દબાવી રાખ્યો અને ફોટોગ્રાફરનો કેમેરો ફોકસ થઈ જાય એટલે હું આંગળી ઉઠાવી લઉં, ફોટા પડી જાય એટલે ફરી આંગળી દબાવી રાખું. તેઓએ ઘણા એંગલથી એ સાપના માથાના એકદમ ક્લોઝઅપ ફોટોઝ લીધા અને ખુશ થતા થતા જતા રહ્યા.

આ પણ વાંચો:-  Birthday Gift માં શું જોઈએ છે તે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું

મોડી સાંજે હું અને મારો એક બીજો સાપનો જાણકાર મિત્ર એ સાપને ગામ બહાર આવેલા ઉજ્જડ એરપોર્ટ પર છોડવા ગયાં. સાયકલ પાર્ક કરીને ઊંડા ખિસ્સામાં હાથ નાખીને સાપને કાઢ્યો અને ચાંદની રાતના અજવાળામાં શીતળ વાતાવરણમાં પથરાળ જમીનમાં એને છુટ્ટો મૂક્યો. અમે એને જોઈ જ રહેલાં. મુક્ત વાતાવરણમાં સર્પે ઠંડી હવા પોતાના ફેફ્સામાં ભરી અને તેના શરીરમાં જાણે જીવન સંચાર થયો. ધીમે ધીમે સર્પ પોતાના ફેફ્સામાં હવા ભરીને ઝડપથી છોડવા લાગ્યો અને ધીમે ધીમે જલેબીના ગૂંચળાની જેમ પોતાના શરીરને અંદર અંદર ફેરવવા લાગ્યો. શરીરના ભીંગડા જેમ જેમ એકબીજા સાથે ઘસાવા લાગ્યા તેમ એક કરવત લાકડા પર ચાલતી હોય તેવો અવાજ એ શાંત વાતાવરણમાં ગૂંજવા લાગ્યો. આ અવાજ ખાલી મારા કાનમાં જ નહોતો ગયો, પરંતુ આ અવાજે જ્ઞાની હોવાનો મારો ભ્રમ ભાંગી નાખ્યો. મને ત્યારે ભાન થયું કે હું જે સાપ સાથે બપોરનો રમકડાની માફક ખેલ કરું છું તે સાપ બિનઝેરી કોમન કેટ સ્નેક નથી, પરંતુ તેનો લૂક અલાઇક અતિઝેરી એવો ફુરસો એટલે કે સો-સ્કેલ્ડ વાઈપર છે! એ ક્ષણે હું ડરથી ધ્રૂજવા લાગ્યો, આખા શરીરના રૂંવાડા ઊભાં થઈ ગયેલા, અને શરીરે પરસેવો વળી ગયો અને આંખોમાં ઝળઝળીયા આવી ગયેલાં. મારા મિત્રની પણ એ જ હાલત ! અમે એકબીજાને દિલાસો આપતા આપતા ઘરે તો પહોંચી ગયાં, પરંતુ એ પછી ત્રણ ચાર રાત અમને સરખી ઉંઘ નહોતી આવેલી અને સાપ ઓળખવામાં ભૂલ થઈ છે અને દંશી ગયો છે અને અને મૃત્યુ પામવાની તૈયારીમાં છીએ તેવા ડરામણા દુ:સ્વપ્નો આવેલાં !

આ ઘટના પછી મેં નક્કી કરેલું કે સાપ બાબતે જ નહીં, પરંતુ કોઇ પણ વિષયમાં કદી પૂરતું જ્ઞાન મળી ચૂક્યું છે અને આપણે હવે માસ્ટર બની ગયા છીએ એવી હવા કદી આવવા દેવી નહીં. આ તો થયો એક જીવલેણ બનતાં બનતાં રહી ગયેલો આંખ ઉઘાડનારો બનાવ, જેણે મારા મનનાં દ્વાર ખોલી આપેલાં. આવા અનેક બનાવો, ઘટનાઓ અને દુર્ઘટનાઓએ જ મારું જ્ઞાનવર્ધન તો કર્યું પણ મારું મનોઘડતર પણ કરેલું. આહિસ્તા આહિસ્તા એ સર્વે ઘટનાઓના પણ સાક્ષી બનીશું.

આ પણ વાંચો:-  સર્પ : એક અનોખુ અનુસંધાન

લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી

ઈમેઈલ : [email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

- Advertisement -