Saturday, August 9, 2025
ગુજરાત

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

\"\"

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૫૯ સામે ૮૨૧૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૭૪ સામે ૨૫૧૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

છેલ્લા બે સપ્તાહથી વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. ટ્રમ્પ દ્વારા ફરી શરૂ થયેલી ટેરિફવૉરની ભીતિ, ડોલરની મજબુતાઈ, નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો તેમજ એફઆઈઆઈ દ્વારા મોટાપાયે વેચવાલીના પગલે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી ઈઝરાયેલ દ્વારા યુદ્ધનો નવો મોરચો ખોલી સીરિયા પર હુમલો કરાતાં જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ (પીપીઆઈ) ડેટા અપેક્ષા કરતા નબળા આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની હળવી નીતિ ચાલુ રહેશે તેવી ધારણાંએ ડોલર ઈન્ડેક્સમાં વોલેટિલિટી જોવાયા બાદ અંતે ઉછાળો નોંધાતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો બન્યો હતો, જયારે નબળી માંગને કારણે ક્રુડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ફોકસ્ડ આઈટી અને સર્વિસીસ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૪ અને વધનારની સંખ્યા ૧૬૫૭ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૧.૯૪%, ટાટા સ્ટીલ ૧.૬૬%, આઈસીઆઈસી આઈ બેન્ક ૦.૫૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૩૨%, ઇન્ફોસિસ લિ. ૦.૨૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૨૦% અને બજાજ ફિનસર્વ ૦.૧૬% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે એકસિસ બેન્ક ૫.૨૪%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૨.૩૪%, એચડીએફસી બેન્ક ૧.૪૭%, કોટક બેન્ક ૧.૪૪%, ટેક મહિન્દ્રા ૦.૯૬%, ઇટર્નલ લિ. ૦.૯૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૮% અને ટાઈટન કંપની લિ. ૦.૮૮% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૪ લાખ કરોડ ઘટીને ૪૫૮.૩૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે.

ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત્ રાખશે, જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર ૦.૨૫%નો વ્યાજદરમાં ઘટાડો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in