Saturday, August 9, 2025
ગુજરાત

નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

\"\"
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૭.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૫૩૬ સામે ૮૩૬૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૧૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૫૮ સામે ૨૫૫૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૧૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૪૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થતા સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ પર તેના એક પછી એક ટેરિફ બોમ્બ ઝિંકતા રહીને અનિશ્ચિતતા સાથે અસ્થિરતા સર્જવાનું ચાલુ રાખી અમેરિકામાં કોપરની આયાત પર ૫૦% ડયુટી લાદવાનું જાહેર કરતાં અને ફાર્મા પર આકરી ડયુટી લાદવાના સંકેત સાથે ૧૪ દેશો પર ટેરિફનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડોહળાતા તેની નેગેટીવ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી.

ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે મીનિ ટ્રેડ ડિલ થવાની અટકળો અને કૃષિ, ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ભારત ખુલ્લા મૂકવા તૈયાર નહીં હોઈ અન્ય ક્ષેત્રો ઓટોમોબાઈલ, ફાર્મા સહિત પર આકરાં ટેરિફની શકયતાએ ફંડોએ આજે નવી તેજીમાં સાવચેતી બતાવી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાયા બાદ ડોલરમાં મજબૂતાઈ જોવા મળતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે પૂરવઠાની ચિંતા અને માંગની અપેક્ષા વચ્ચે વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને યુટીલીટીઝ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૧૯૫૯ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ મારુતિ સુઝુકી ૧.૩૬%, ટાટા સ્ટીલ ૧.૦૪%, બજાજ ફાઈનાન્સ ૦.૭૨%, બજાજ ફિનસર્વ ૦.૬૫%, ટ્રેન્ટ લિ. ૦.૪૧% અને ટાટા મોટર્સ ૦.૩૮% વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૨.૬૨%, એશિયન પેઈન્ટ ૧.૯૨%, ઇન્ફોસિસ લિ. ૧.૦૫%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૦૩%, ટેક મહિન્દ્રા ૦.૯૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૭%, ઈટર્નલ ૦.૬૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૪% અને એનટીપીસી લિ. ૦.૬૪% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૪ લાખ કરોડ ઘટીને ૪૬૦.૨૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકા- ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં કંઈક અડચણો ઊભી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ તો અમેરિકા ટેરિફ ડેડલાઇન વધારવા માંગતા ન હતા અને તેમણે ભારત પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું હતું. જોકે ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતિ થઈ શકી નથી. અમેરિકાએ ૧૦% ટેરિફ યથાવત્ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારત કેટલાક સેક્ટર્સમાં ૧૦% ટેરિફ શૂન્ય કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા એપ્રિલ માસમાં અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઑફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

ભારતની કુલ નિકાસમાંથી ૧૯% થી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે. ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે. ઉપરાંત, ટ્રેડ ડીલથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી આગામી દિવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in