મુંબઈના ઇતિહાસમાં 1891 ના વર્ષ પછી ફરી એક વખત આજે બપોરે જોખમી સાઇક્લોન ત્રાટકવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં ઊઠેલું વાદળનું તોફાન અલીબાગમાં ટકરાય એ પહેલાં મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ, રાયગડ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાથી ચોમાસા પહેલાં આ તમામ જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાવાની શક્યતા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત આના પર નજર રાખી રહ્યા હોવાથી એ કેટલું જોખમી અને શક્તિશાળી છે એનો અંદાજ લગાવી શકાય છે.

‘નિસર્ગ’ વાવાઝોડું મુંબઈના કિનારાથી 110 કિલોમીટર દૂર અલીબાગમાં જમીન સાથે અથડાવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને એની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમી દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન ખાતાએ રવિવારે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ જારી કરી હતી, પરંતુ સાઇક્લોનની તીવ્રતાને જોતાં સોમવારે એ ચેતવણીને રેડ અલર્ટમાં અપગ્રેડ કરી હતી.

કેટલું ખતરનાક છે સાઇક્લોન

‘નિસર્ગ’ને તાજેતરમાં બંગાળમાં ત્રાટકેલા અમ્ફાન સાઇક્લોન જેટલું તીવ્ર નથી ગણાવાઈ રહ્યું, કારણ કે અત્યારે એ સમુદ્રમાં હવાનું હળવું દબાણ બન્યું છે, જે બાદમાં ઊંડા ડિપ્રેશનમાં કન્વર્ટ થયા બાદ સાઇક્લોન બનશે, જે આજે રાયગડ જિલ્લામાં આવેલા અલીબાગમાં જમીન સાથે ટકરાશે. હિન્દ મહાસાગરમાંથી પેદા થતા તોફાનની તીવ્રતાને ૧થી ૫ સ્કેલ અપાય છે. નિસર્ગને અત્યારે સ્કેલ-ટૂ અપાયો છે. હવાની ગતિના આધારે સ્કેલ અપાય છે. અમ્ફાન તોફાનની ગતિ ૧૮૦ કિલોમીટર જેટલી હતી એટલે એને સ્કેલ-5 નંબર અપાયો છે. નિસર્ગ સાઇક્લોનમાં પવનની ઝડપ ૯૫થી ૧૦૫ કિલોમીટર રહેવાની શક્યતા છે.

1891 પછી મુંબઈમાં

વાવાઝોડાનો રેકોર્ડ રાખવાની પ્રથા 1891થી શરૂ થઈ છે. સાઇક્લોન ઈ-ઍટલસ મુજબ 1891 પછી પહેલી વખત અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના દરિયાઈ ક્ષેત્રની આસપાસ સમુદ્રી સાઇક્લોન બન્યું છે. 1948 અને 1980માં બે વખત ઉત્તર હિન્દ મહાસગારમાં આવું હવાનું દબાણ બન્યું હતું, પરંતુ પછી જૂનમાં સાઇક્લોનની સ્થિતિ ટળી ગઈ હતી. આથી કહી શકાય કે ૧૩૦ વર્ષ બાદ મુંબઈમાં જમીન પર સાઇક્લોન ટકરાવાની સ્થિતિ બની છે.

આ પણ વાંચો:-  મુંબઈ - ધારાવીમાં કોરોનાના કારણે ત્રીજું મોત, અત્યાર સુધી 14 લોકો કોરોનાથી સંક્રમિત

ગયા વર્ષે અરબી સમુદ્રમાં પાંચ સાઇક્લોન બનેલા

હવામાન વિભાગે જણાવ્યા મુજબ ગયા વર્ષે અરબી સમુદ્રમાં સતત સાઇક્લોન ઍક્ટિવિટી જોવા મળી હતી, જે 100 વર્ષમાં પહેલી વખત બન્યું હતું. ગયા વર્ષે વાયુ, હિક્કા, ક્યાર, મહા અને પવન નામનાં પાંચ સાઇક્લોન સર્જાયાં હતાં. સામાન્ય રીતે વર્ષે એકથી બે આવાં સાઇક્લોન બને છે.

એનડીઆરએફની 10 ટીમ તહેનાત

‘નિસર્ગ’ વાવાઝોડું આજે બપોર બાદ અલીબાગ તથા પાલઘરના કેટલાંક દરિયાઈ ક્ષેત્રોમાં ટકરાવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને 16માંથી 10 એનડીઆરએફની ટુકડીઓને મુંબઈ, પાલઘર અને દહાણુમાં તહેનાત કરાઈ છે. બાકીની 6 ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર પડશે તો એને કામે લગાડાશે.

કેટલી અસર કરશે?

નિસર્ગ સાઇક્લોન મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગના અનુમાન મુજબ સીધી રીતે અસર કરશે. મુંબઈ ઉપરાંત નજીકના થાણે, રાયગડ, પાલઘર, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. પશ્ચિમી કિનારે સમાંતર એક ડિપ્રેશન બની રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન ખરાબ છે જે સાઇક્લોનને કારણે વધારે બગડી શકે છે.

અરબી સમુદ્રનું સાઇક્લોન ગુજરાત તરફ વળે છે

સામાન્ય રીતે દર વર્ષે અરબી સમુદ્રમાં એકથી બે સાયક્લોન પેદા થાય છે. ત્યાર બાદ એ પશ્ચિમ ઓમાન અને એડનની ખાડી અથવા ઉત્તરમાં ગુજરાત તરફ વળી જાય છે; જેમ 1998 અને ગયા વર્ષે આવેલા સાઇક્લોનમાં જોવા મળ્યું હતું. બન્નેમાં મોટી સંખ્યામાં જાનમાલની હાનિ થઈ હતી.

સાઇક્લોનથી કેવી સ્થિતિ થશે?

90થી 105 કિલોમીટરની ઝડપે હવા ફૂંકાશે. મુંબઈ સહિતના દરિયાકિનારે બે મીટર ઊંચાં મોજાં ઊછળશે. મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ અને રાયગડમાં વરસાદને લીધે પાણી ભરાવાની શક્યતા છે. હવાને કારણે વૃક્ષો તૂટી પડવાની સાથે વીજળીના વાયર તલટી જવાથી અનેક જગ્યાએ અંધારપાટ સર્જાનાવી શક્યતા છે.

આ પણ વાંચો:-  કોરોના વાયરસના આતંક વચ્ચે લાલબાગ ચા રાજાએ લીધો મોટો નિર્ણય

મુંબઈમાં પાલિકાની તૈયારી

નિસર્ગ સાઇક્લોનને પગલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હોવાથી ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાના તમામ 24 વૉર્ડના અધિકારીઓની મહત્ત્વની બેઠક મળી હતી. તમામ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોએ પોતપોતાના વિસ્તારમાં પાણી ભરાવાથી માંડીને જમીન ધસવાની કે અન્ય કોઈ ઘટનાની શક્યતા હોય ત્યાં લોકોને સાવધ રહેવાની સૂચના અપાઈ છે.

નિસર્ગ’ નામ બંગલા દેશે આપ્યું

દરેક સાઇક્લોનને નામ આપવાની પરંપરા છે. મુંબઈ પર તોળાઈ રહેલા સાઇક્લોનને ‘નિસર્ગ’ નામ બંગલા દેશે આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.