ધારાસભ્યોને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે

રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં ભંગાણ થવાનું શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે આ ધારાસભ્યોને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજીમાનું આપ્યા બાદ બ્રિજેશ મેરજાએ મીડિયા સાથે વાતચીત કરતા પૈસા લઇને રાજીનામું આપ્યું હોવાના તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને તેઓએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપીને નવી ઇનિંગ શરૂ કરવા માટે જણાવ્યું હતું.

- Advertisement -

હું મીડિયાના માધ્યમથી જાહેર ઉચ્ચારણ કરું છું કે, શોધી આવો બ્રિજેશ મેરજાએ ક્યાયથી પાંચ પૈસા પણ લીધા હોય તો

બ્રિજેશ મેરજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું મીડિયાના માધ્યમથી જાહેર ઉચ્ચારણ કરું છું કે, શોધી આવો બ્રિજેશ મેરજાએ ક્યાયથી પાંચ પૈસા પણ લીધા હોય તો, શોધી આવો બ્રિજેશ મેરજાએ ક્યાય કોઈ ભ્રષ્ટાચાર કર્યા હોય તો. તમારી હાજરીમાં હું મારા મોરબીમાં જાહેરમાં ફાંસીએ ચઢવા માટે તૈયાર છું. કોઈની બેદાગ કારકિર્દીને આ રીતે કલંકિત કરવાનો કોઈને હક નથી હોતો.

હું પ્રજાના પ્રશ્નોને લઇને ચાલનારો માણસ છું

મેં પહેલા જ કહ્યું કે, હું પ્રજાના પ્રશ્નોને લઇને ચાલનારો માણસ છું, ધારાસભ્ય પદ મને કોંગ્રેસ પક્ષના નિશાન પર અને પ્રજાના મતથી મળ્યું છે. એ મે નમ્રતાથી ત્યાગ કરીને લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરનારો માણસ છું. મને જે પદ મળ્યું હતું તે ધારસભ્ય પદને મેં નમ્રતાથી છોડી દીધું છે. સાથે-સાથે જે પક્ષમાં રહીને કાર્યો કર્યા હતા અને જે પક્ષમાં રહીને પ્રજા અને પક્ષ માટે નૈતિકતા કેળવી હતી. તેને અનુરૂપ હું મારી જાહેર જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે જઈ રહ્યો છું. પ્રજાના આશીર્વાદ મારી સાથે છે.

આ પણ વાંચો:-  રાજકોટવાસીઓને કલેક્ટરે આપી ચેતવણી, લોકો સમજે નહીંતર પછી…

ભારતીય જનતા પક્ષના કોઈ પણ આગેવાને આ ક્ષણ સુધી મારો સંપર્ક કર્યો નથી

બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષના કોઈ પણ આગેવાને આ ક્ષણ સુધી મારો સંપર્ક કર્યો નથી. હું ક્યાય ગયો નથી. તમે તપાસ અને ઇન્વેસ્ટીગેસન કરી શકો છો. નવી ઇનિંગમાં હું મારું કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીશ અને લોકોની વચ્ચે જઈશ.

કોંગ્રેસે રિસોર્ટ પોલીટીક્સ શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી એપ્રિલમાં જાહેર થઇ હતી ત્યારે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને રાજીનામાં પડ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસે રિસોર્ટ પોલીટીક્સ શરૂ કર્યું હતું. કોરોનાની મહામારીના કારણે રાજ્યસભાની ચૂંટણી લંબાઈ હતી અને ત્યારબાદ હવે ફરીથી ચૂંટણીની નવી તારીખ જાહેર થતા કોંગ્રેસમાંથી ત્રણ ધારાસભ્યોના રાજીનામાં પડ્યા છે. કુલ 8 ધારાસભ્યોના રાજીનામ પડતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના બંને ઉમેદવારને જીતવા માટે 70 મતની જરૂર છે પરંતુ 8 ધારાસભ્યોને રાજીનામાં કારણે અપક્ષના એક મત સહિત કોંગ્રેસ પાસે 66 મત જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.