<a href="https://news4gujarati.com/tag/gujarati-news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati News">Gujarati News</a>, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

વડોદરાના પૂર્વ સાંસદ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 21મી માર્ચના રોજ વડોદરાના મહેમાન બનનાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-ગુજરાત રિફાઇનરી દ્વારા વધુ સંર્વિધત અને પર્યાવરણ મિત્ર પરિશુધ્ધ બળતણ બીએસ-6ની ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવી છે. જાહેરક્ષેત્રની એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે નવી પાઇપલાઇનનું આયોજન કરાયું છે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનું તેઓ લોકાપર્ણ કરનાર છે. જે માટે શહેરના નવલખી મેદાન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના આયોજનને લઇને આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલા ધારાસભા હોલ ખાતે અધિકારીઓની એક ખાસ બેઠક જિલ્લ કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળી હતી.

- Advertisement -

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21મી માર્ચના રોજ વડોદરા આવનાર છે. જે કાર્યક્રમના આયોજન અંગે આજે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. બેઠકમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે પીએમની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ સંબંધિત તમામ વ્યવસ્થાઓનું સંકલન પ્રાંત અધિકારી વડોદરા શહેર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અંદાજે ૨૫ હજાર જેટલા લોકોને એકઠા કરવાની યોજના છે. જેમને નરેન્દ્ર મોદી સંબોધન કરશે.

કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા પાણી અને ફૂડ પેકેટ્સ, વાહન વ્યવસ્થા, આરોગ્યલક્ષી સુવિધાઓ અને મોબાઇલ સેનિટેશનની વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને બેઠકમાં સૂચના આપી હતી. નાગરિકોને બ્લોકવાઇઝ બેસાડવાની અને તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા ગોઠવવા પણ આદેશ કરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ અને સ્ટેજ, સ્ટેજ પર મહાનુભાવોની બેઠક વ્યવસ્થા અર્થે પ્લાન બનાવવા માર્ગ અને મકાન તથા વીજ વિભાગને સૂચના અપાઇ હતી.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કાર્યક્રમ પૂર્વે નવલખી ગ્રાઉન્ડમાં સફાઇ તેમજ સ્થળ પર લેવલીંગ કરી સમથળ બનાવવા સુચન કર્યુ હતું. તેમણે સ્ટેજ અને બાકીની વ્યવસ્થાઓ સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવે તે જોવા જણાવ્યું હતુ. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શું કરવામાં આવશે તે વિશે જણાવ્યુ હતું. કાર્યક્રમ પૂર્વે રમતગમત અને પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ વિભાગ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો:-  કોરોના મહામારીમાં સરકારી શાળામા ઓનલાઈન શક્ય ન હોઈ પુસ્તકો બાળકોને ઘરે મોકલાયા

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, ગુજરાત રિફઇનરીના ઇડી સુધીરકુમાર, પ્રાંત અધિકારીઓ, આઇઓસીએલ અને ઓઇલ કંપનીના તથા વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું 100 સ્થળો પર લાઇવ સ્ટ્રીમિંગ કરાશે
21મી માર્ચના નવલખી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમનું દેશમાં વિવિધ 100 સ્થળો પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. જે માટે સ્ટેજ પર તેમજ તેની આસપાસ હાઇસ્પીડ ઇન્ટરનેટ તેમજ હાઇ રીઝોલ્યુશન કેમેરાનું સેટઅપ પણ કરવામાં આવનાર છે. જે માટેની પણ જરૂરી સુચનાઓ આજે મળેલી બેઠકમાં આપવામાં આવી હતી.

વાયરસના હાહાકાર વચ્ચે 25 હજાર લોકોને એકઠા કરવા કેટલા યોગ્ય ?
એક તરફ ભારતમાં વાયરસના પોઝીટીવ કિસ્સાની સંખ્યા વધી રહી છે. ત્યારે વિશ્વભરમાં એનક કાર્યક્રમોનું આયોજન રદ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ ધુળેટીનો તહેવાર નહીં ઉજવવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ આહવાન કરાયું છે. તેવા સંજોગોમાં વડોદરા ખાતે જાહેર કાર્યક્રમમાં 25 હજારથી વધારે લોકોને એક સ્થળે એકઠા કરવા તે કેટલું યોગ્ય છે. તે પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે. જાહેર સ્વાસ્થયના હિતમાં આ કાર્યક્રમમાં સ્વાસ્થય સંબંધી વ્યવસ્થા રાખવા આજની બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા સુચન પણ કરાયું છે. તેમ છતાં વાયરસની અસર વચ્ચે આ કાર્યક્રમ કેટલો હિતાવહ છે વિષે પણ આયોજન કરતાં પહેલા વિચારવાની જરૂરીયાત છે.

- Advertisement -