હાઇકોર્ટે કોરોના વાઇરસના સંદર્ભમાં કરેલી અરજી અંગે વિપક્ષની આલોચના કરી હતી. આ અંગે રાજ્ય કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, આ અવલોકનથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. સરકારને બદનામ કરવાના વિપક્ષના ષડ્યંત્રો ખુલ્લા પડી ગયા છે. વિપક્ષે લોકોના હિત માટે લીધેલા નિર્ણયોને રાજકીય વિરોધના હેતુ માટે દુરુપયોગ કર્યો છે.

- Advertisement -

હાઇકોર્ટે કહ્યું – PIL રાજકીય માઇલેજ મેળવવા માટે નથી
આ અંગે હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમે ઓર્ડર ક્લોઝ કરીએ તે પહેલા, હાલ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલી રહેલી બિનજરૂરી અને નાહકની ચર્ચાઓ તેમજ ટિપ્પણીઓ માટે અમે અમારી વેદના વ્યક્ત કરવા માગીએ છીએ. અમને જાણવા મળ્યું છે કે વખતોવખત જનહિત માટે આપવામાં આવેલા અમારા આદેશોનો કેટલાક આડા હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. અમારા અભિપ્રાય મુજબ, જાહેરહિતની અરજી (PIL–પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) એ લોકો માટે છે જેઓ એકલવાયા અને નિરાધાર છે. તેમજ એ લોકોના ફાયદા માટે છે જેઓ પોતાના સામાજિક પછાતપણાને કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. અમે એમ પણ કહેવા માગીએ છીએ કે આ જાહેરહિતની અરજીઓ કોઈ રાજકીય લાભ કે રાજકીય માઇલેજ મેળવવા માટે પણ નથી. જાહેર હિતની અરજીઓને ક્યારેય પણ રાજકીય લડાઇનું સાધન બનાવવું જોઇએ નહીં.’

‘વિપક્ષનું કામ સરકારના કામ પર નજર રાખી  ટકોરવાનું છે’
હાઇકોર્ટે જણાવ્યું કે, આ કટોકટીભરી પરિસ્થિતિમાં આપણે એકબીજાનો સાથ આપવો જોઇએ, એકબીજા સાથે ઝઘડવું ન જોઇએ. કોવિડ-19ની આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી. પરિણામે, આ મુદ્દે કોઈપણ વ્યક્તિ રાજકારણ ન કરે તે જ સૌથી વધુ હિતાવહ છે. કોવિડ-19 સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ અને અર્થતંત્ર પરની તેની ગંભીર અસરોને જોતાં સરકાર તેની નીતિઓમાં યોગ્ય સુધારો કરે એ મહત્વપૂર્ણ છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિપક્ષનું કામ સરકારના દરેક કાર્ય પર નજર રાખીને તેમને ટકોરવાનું છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં, ટીકાત્મક રીતે બોલવા કરતા સરકારને સહયોગ કરવો વધારે ફાયદાકારક રહેશે. 

આ પણ વાંચો:-  એરપોર્ટ પર 24 કલાકમાં 13 પેસેન્જર પાસે રૂ. 3 કરોડની કિંમતનું 7 કિલો સોનું પકડાયું

મહામારી અંગે રાજનીતિ અયોગ્યઃ હાઇકોર્ટ
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, શાસકપક્ષની સરકારની ટીકા કરવા માત્રથી ચમત્કારિક મરીતે કોવિડ-19ના દર્દીઓ સાજાં નહીં થઈ જાય અને તેનાથી મૃત્યુ પામેલા લોકો પણ પાછા જીવતા થવાના નથી. આ મહામારી લોકોના આરોગ્ય, સલામતી અને સુખાકારી માટે જોખમી છે અને આ કટોકટીથી કોઈને પણ લાભ નથી થઈ રહ્યો. આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી આ મહામારીએ વ્યાપક રીતે લોકોમાં જે પીડા અને દુઃખ પેદા કર્યા છે તે આખી વાતનું મહત્વ જ આપણે ઓછું કરી નાખીશું. લોકોના જીવ બચાવવા અને લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યની ઉપર રાજકારણ અને રાજકીય હિતોને ક્યારેય મૂકી શકાય નહીં. અમે તમામને વિનંતી કરીએ છીએ કે હવે પછી વખતોવખત જનહિત માટે પસાર કરવામાં આવતા કોર્ટના આદેશો અંગે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા કે કોઈપણ ચર્ચામાં ઉતરતા પહેલા ખૂબ કાળજી રાખશો. અમારો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ મુદ્દે અમારે વધુ સ્પષ્ટીકરણ અને વિગતો આપવાની જરૂર નથી. જે પ્રમાણેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે મુજબ જો રાજ્ય સરકારે કંઇ કર્યું જ ન હોત તો અત્યાર સુધીમાં આપણે બધા જ મૃત્યુ પામ્યા હોત. આ લિટિગેશનમાં આપણે જે કંઇ પણ કરી રહ્યા છીએ, તે રાજ્ય સરકારને તેમની બંધારણીય અને કાયદાકીય જવાબદારીઓ યાદ કરાવીને તેમને સભાન અને સક્રિય રાખવા માટે કરી રહ્યા છીએ.

જાહેર હિતની અરજી પર રાજકરણ ન કરવું જોઇએઃ પ્રદિપસિંહ
આ અંગે પ્રદિપસિંહ જાડેજાએ હાઇકોર્ટે PIL સંદર્ભે કરેલા અવલોકન અંગે પણ જણાવ્યું છે કે, ‘PIL રાજકીય લાભ મેળવવા માટે નથી. જાહેર હિતની અરજી કરીને ક્યારેય રાજકીય લડાઇ ન લડવી જોઈએ. આથી, કોઈ પણ વ્યક્તિ આ મુદ્દે રાજકારણ ન કરે તે જરૂરી છે. સરકારની માત્ર ટીકા કરવાથી કોવિડ-19ના લોકોનો કોઇ જાદુઈ ઇલાજ નહીં થાય અને મૃત્યુ પામેલા લોકો જીવંત નહીં થાય. જાહેર હિતમાં સમયાંતરે પસાર થતા કોર્ટના આદેશ સંદર્ભે કોઈપણ ટિપ્પણી કરવા અથવા કોઈપણ ચર્ચામાં પ્રવેશતા પહેલા હવેથી કોર્ટે વિપક્ષ સહિત બધાને ખૂબ કાળજી રાખવાની વિનંતી કરી છે. એવા લોકો કે જેઓ આ મુશ્કેલીના સમયમાં પોતાનો હાથ મદદ કરવા લંબાવી શકતા નથી અને લોકો માટે કંઈ પણ સારું કરી શકતા નથી તેમને રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરવાનો કોઈ અધિકાર જ નથી.’

આ પણ વાંચો:-  વિજય ચાર રસ્તા પર રીક્ષાને કારે ટક્કર મારી