શહેરના દૂધેશ્વર વિસ્તારમાં રહેતાં સેન્ટ્રલ જેલના નિવૃત્ત મહિલા કર્મચારી નૂરબીબી મલેકનું પહેલી જૂનના સોમવારે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. તેમને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં રખાયા હતા. તબીયત ખરાબ થતાં શનિવારે સવારે તેમને દાખલ કરાયા હતા.

- Advertisement -

દર્દીના સગા સોમવારે સવારે વીડિયો કોલિંગ પર વાત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જોકે ફોન પર દર્દી સાથે વાત થાય તે પહેલાં જ તેમને કહેવાયું કે તમારા દર્દીનું મોત થયું છે. આ તબક્કે દર્દીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.

સગાએ આક્ષેપ કર્યો હતો કે, અમને મોત વિશે ૨૪ કલાક મોડી જાણ કરવામાં આવી છે, એક દિવસ પહેલાં એટલે કે રવિવારે વીડિયો કોલિંગ પર વાતચીતનો પ્રયાસ કર્યો ત્યારે દર્દી ઓ-૩ વોર્ડમાં જમણે પડખે સુતેલી હાલતમાં જોયા હતા, એ વખતે વાતચીતનો પ્રયાસ કર્યો તો સ્ટાફે બૂમો પાડવાની ના પાડી હતી.

તેમને એવું કહેવાયું હતું કે, દર્દી સૂઈ ગયા છે, કાલે વાત કરજો. સગાનો દાવો છે કે, તેમના દર્દી રવિવારે સાંજે પણ આ જ સ્થિતિમાં સૂતેલા હતા. દર્દીના સગા ગોમતીપુર વિસ્તારમાં રહે છે, કોરોનાના શંકાસ્પદ માનીને દર્દીની દફનવિધિ સોમવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં કરાઈ હતી. મૃતકના બહેને કહ્યંમ કે, સિવિલમાં લાશોના ઢગલા પડયા છે, અમને વીડિયો ઉતારવાની ના પાડી દેવાઈ હતી.

સોલા સિવિલમાં કોરોના વોર્ડમાં મૃતદેહ લપેટવા વોર્ડબોય સગાની મદદ માગે છે

નવા વાડજ હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતાં પરિવારે વીડિયો મારફત આક્ષેપ કર્યો છે કે, ૫૭ વર્ષના પ્રવીણ દરજીને સોલા સિવિલ ખાતે દાખલ કરાયા હતા, ૧૫થી ૩૦મી સુધી પરિવારજનોને દર્દી સાથે રોકાવા માટે ફરજ પડાઈ હતી. તેઓ પોતે જ નહિ પરંતુ આસપાસના દર્દીઓ સાથે પણ સગા મોજૂદ હતા. ૩૦મી મેના રોજ આ દર્દીનું મોત થયું હતું. મોતના સમય અંગે પણ પરિવારે સવાલો ઉઠાવ્યા છે, વોર્ડબોયે મૃતદેહને પ્લાસ્ટિકથી લપેટવા માટે કહ્યું હતું. જોકે હોસ્પિટલ તંત્ર દાવો કરે છે કે, વોર્ડમાં કોઈ પરિવારજનને જવા દેવામાં આવતા નથી. બેદરકારીના આક્ષેપ અંગે તપાસના આદેશ અપાયાનું હોસ્પિટલ તંત્ર જણાવે છે.

આ પણ વાંચો:-  વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની મોટી જાહેરાત, ઉદ્યોગકારોને થઈ જશે બખ્ખા

ફાટી જતી PPE કિટથી સ્ટાફને ચેપનો ભય

સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટરો અને ર્નિંસગ સ્ટાફે આક્ષેપ કર્યો છે કે, તેમને જે પીપીઈ કિટ આપવામાં આવી છે તે હલકી કક્ષાની છે, પીપીઈ કિટ ફાટી જાય છે, જેના કારણે ખુલ્લા શરીરે ઘણી વાર કામ કરીએ તો ચેપનો ખતરો વધી જાય છે, આમેય કેન્સર હોસ્પિટલમાં અત્યાર સુધી સ્ટાફમાંથી જ ૧૦૬ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

મોતના ૧૪ દિવસ પછી મેસેજ આવ્યો, દર્દીને કેન્સર હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા

કોરોનાનું કબ્રસ્તાન બની ગયેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ ઘોર બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે, ૧૪ દિવસ પહેલાં દરિયાપુર વિસ્તારના ૬૧ વર્ષીય કિશોર હીરાલાલ શાહ નામના દર્દીનું સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. એટલું જ નહિ તેમની ડેડબોડી પરથી દાગીના પણ ગાયબ થઈ ગયા હતા, આ નાલેશીભરી હરકત બાદ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

જોકે હવે આ મૃતકના પરિવારજનને મોતના ૧૪ દિવસ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એવો મેસેજ મોકલવામાં આવ્યો કે, કિશોરભાઈ શાહને કોવિડ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે જીસીઆરઆઈમાં (કેન્સર હોસ્પિટલ) ૩૦ મે ૨૦૨૦ના ૬.૩૮ કલાકે ટ્રાન્સફર કરેલ છે. મૃતકના સગાએ સોશિયલ મીડિયા હોસ્પિટલ તંત્રે જે સત્તાવાર મેસેજ મોકલ્યો છે તેના સ્ક્રિનશોટ મોકલ્યા છે.

આ પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું કે, આ ખૂબ ગંભીર બાબત છે. મૃતકના પરિવારજનનું કહેવું છે કે, આ ગંભીર બેદરકારીનો અમને જવાબ મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે ઘોર બેદરકારી બદલ તંત્રનો ઉધડો લીધો એ પછીયે હોસ્પિટલ તંત્ર સુધરવાનું નામ લેતો નથી.