ST buses have been banned from entering Ahmedabad after 9 pm tonight

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ STના ડેપો મેનેજર એચ.એન.દવેએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી કરફયુને લઈ અમદાવાદમાં એસટીના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે જ્યારે અમદાવાદમાં રાતે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે.

ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ દસક્રોઇમાં બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.