– પાલિકાએ દુકાનદારો પાસે બાહેધરી લઈને સીલ ખોલી આપ્યા હતા, દુકાન બહાર દબાણ થાય તો દુકાનદારની જવાબદારી તેવું લખાણ લીધું હતું
સુરત, તા. 01 ફેબ્રુઆરી 2022 મંગળવાર
સુરત મ્યુનિ.ના કતાગારગામ ઝોનમાં સીંગણપોર વિસ્તારમાં દુકાનો બહાર રોડ પર થતાં દબાણ માટે દુકાનો સીલ કરવાની કામગીરી કરાતા હોબાળો થયો હતો. પાલિકાએ દુકાનદારો પાસે બાહેધરી લઈને દુકાનોના સીલ ખોલી આપ્યા હતા. જોકે, આજે દિવસ દરમિયાન સીંગણપોર વિસ્તારમાં જ્યાં દુકાનો સીલ થઈ હતી ત્યાં એક પણ જગ્યાએ દબાણ જોવા મળ્યા ન હતા. જેના કારણે દુકાનદારો જ દબાણ માટે પ્રોત્સાહન આપતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મ્યુનિ.ના કતારગામ ઝોનમાં સિંગણપોર વિસ્તારમાં જાહેર રોડ પર દબાણની સમસ્યા સૌથી વધુ છે. આ વિસ્તારના લોકો અને કોર્પોરેટરોની આ દબાણ દુર કરવા માટે સતત ફરિયાદ થતી હતી. પાલિકાએ અનેક વાર દબાણ દુર કરવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ દબાણ દુર થતાં ન હતા. ત્યાર બાદ ઝોન દ્વારા સર્વે કરાતા દુકાનદારો જ પાલિકાનો રોડ કે ફુટપાથ પર દુકાન બહાર દબાણ કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ કેટલાક દુકાનદારો દબાણ કરનારા પાસે ભાડું વસુલતા અને લાઈટનું જોડાણ પણ આપતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાલિકાએ દુકાનદારોને દબાણ માટે જવાબદાર ગણીને દુકાનો સીલ કરવાની કામગીરી કરી હતી.
ગઈકાલે કતારગામ ઝોન દ્વારા જ્યાં દબાણની સૌથી વધુ ફરિયાદ હતી તેવી 70 દુકાનો સીલ કરી દીધી હતી. ત્યાર બાદ મોડી સાંજે દુકાનદારો પાસે એફિડેવિટ લઈને દુકાનો ખોલી આપી હતી. દુકાનદારોએ દુકાન બહાર દબાણ ન થવા દઈએ તેવી બાહેધરી આપી હતી. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયુ હતું અને કેટલાક વિપક્ષના કાર્યકરોએ મંત્રીની વિરૃધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
જોકે, સીલીંગની કામગીરી અને એફિડેવીટ બાદ આજે સિંગણપોર વિસ્તારમાં જ્યાં દબાણની સમસ્યા હતી ત્યાં એક પણ દબાણ થયાં ન હતા. દુકાનદારોએ સીલીંગની કામગીરીથી બચવા માટે પોતાની દુકાન બહાર દબાણ થવા દીધા ન હતા. જેના કારણે દુકાનદારો દ્વારા જ દબાણને પ્રોત્સાહન આપવામા આવતું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.
.