આજે અનલોકના પ્રથમ તબક્કાનો પહેલો દિવસ છે. આજથી અનેક શ્રમીક ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેન પણ અમદાવાદનાં કાલુપુર સ્ટેશનથી રવાના થઇ હતી. જેમાં જનારા મુસાફરો કાલુપુર સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે જે ટ્રેનનો સમય હોય તે લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. અન્ય તમામ પ્રવાસીઓને ચેક કરીને બહાર બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે પ્રવાસીઓ ટોળા વળીને બેસતા સામાજીક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ અંગે રેલવે તંત્રએ પણ સામાજીક અંતર જળવાય તેવી કોઇ તસ્દી લીધી  નહોતી. જેના કારણે સામાન્ય દિવસોમાં જોવા મળે તેવા દ્રશ્યો કાલુપુર રેલવે સ્ટેશ પર જોવા મળ્યા હતા. લોકો ટોળા વળીને બેઠા હતા. કેટલાક લોકો થેલાઓ મુકીને તેના પર સુઇ ગયા હતા. બેસવાની કે પાણીની પણ કોઇ યોગ્ય વ્યવ્સથા કરવામાં આવી નહોતી.

- Advertisement -

ટ્રેન સેવા ચાલુ થઇ ત્યારે પ્રથમ ટ્રેનની લીલી ઝંડી આપવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રેલવેના અનુસાર 10 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. તબક્કાવાર ટ્રેન વધારવામાં આવશે. ઉપરાંત અન્ય સ્ટેશનોથી આવતી ટ્રેન પણ ધીમે ધીમે વધશે અને કાલુપુર રેલવે સ્ટેશન ફરી એકવાર ધમધમતુ થશે. તેમણે જણાવ્યું કે, મુસાફરોને પ્લેટફોર્મ પર જ જગ્યા મળી રહે તેવા પ્રયાસો કરીશું. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે બેઠક વ્યવસ્થા પણ ગોઠવીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા જાહેરાત તો કરી દેવાઇ છે પરંતુ હજી સુધી સ્ટેશન ખાતેની વ્યવસ્થા કરવામાં આવી નથી. રેલવે દ્વારા તમામ મુસાફરોને સ્કેનિંગ માટે વહેલા પહોંચવા માટે જણાવાયું છે. જેથી મુસાફરો નિયમ સમયથી 2 કલાક જેટલા વહેલા પહોંચી જાય છે. જો કે ચેકઅપ પુરૂ થયા પછી તેમને અંદર પ્રવેશ મળતો નથી જેથી તેમણે ચેકઅપ બાદ તડકામાં બહાર બેસી રહેવું પડ્યું હતું. જો કે અધિકારીઓ દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:-  રાજકોટમાં એક દંપતિએ 150 ખેત મજૂરોને રાશનની જરૂર છે તેવું ખોટું કહ્યું