-શાબાશ વલસાડ પોલીસ!
-ઇન્ચાર્જ પીઆઇ જાડેજાએ નવ પરિણીત દંપતી
સહિત 3 કારમાં સવાર 10 જણાને વારંવાર અપમાનજનક શબ્દો કહ્યા
-કાર ઉપર દંડા પછાડયા
-પાલિકાના માજી
પ્રમુખે પોલીસના અભિગમની એસપીને લેખિત ફરિયાદ કરી
વલસાડ
વલસાડ
સીટી પોલીસે રાત્રે માનવતા નેવે મૂકીને અમાનવીય વર્તન દાખલી કરફ્યૂ ભંગ કરનારાઓ
સાથે એક નવ પરિણીત દંપતીને પણ પોલીસ મથકે લાવી ગુનો નોંધતા નવપરિણીત યુગલે
સુહાગરાત મનાવવાની જગ્યાએ પોલીસ મથકમાં રાત ગુજારવી પડી હતી. આ બનાવમાં ઈન્ચાર્જ
પી.આર.જાડેજાએ નવપરિણીત યુગલ સહિત ૧૦ લોકો સાથે કરેલી ગાળાગાળી અને યુગલની કારમાં
જોરથી દંડો મારવાની ઘટનાની ફરિયાદ વરરાજાના કાકા અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ
રાજુ મરચાએ ડીએસપીને લેખિતમાં કરી છે.
વલસાડ
પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંએ ડીએસપી રાજદીપસિંહ ઝાલાને આપેલી લેખિત ફરિયાદમાં
જણાવ્યા મુજબ તા.૨૪ના રોજ તેમના ભાઈ મનોજ મંગુભાઈ પટેલના દીકરા પીયૂષના લગ્ન હતા.
આ અંગેની તમામ પરવાનગી લેવામાં આવી હતી. અગાઉથી પત્રિકા આપવામાં આવેલી હોય તે સમયે
રાત્રિ કરફ્યૂ હતો નહીં. અને કન્યા પક્ષે લગ્નનું મુહૂર્ત રાત્રે ૧૧ વાગ્યાનું
કઢાવ્યું હતું. લગ્ન તડકેશ્વર મહાદેવ મંદિર પ્લોટમાં રાખેલ હતા. કન્યા પક્ષે
કન્યાના ભાઈના પણ લગ્ન હતા. આમ બે લગ્નો એક સાથે હતા. માત્ર એજ દિવસનો સમય વચ્ચે
હોય અનેક મુશ્કેલીઓનો સામનો કરી લગ્ન પૂર્ણ કર્યા હતા અને ઉતાવળ કરવા છતાં પણ બે
લગ્નો સાથે હોય રાત્રે ૧૦-૩૦ કલાકે લગ્ન લેવાયા હતા. કન્યાની વિદાય તેના ઘરેથી
કરવાનો રિવાજ હોય પાર્ટી પ્લોટમાંથી ઘરે જઈ આવવામાં ૧૧ વાગી ગયા હતા. ત્યારબાદ
વર-કન્યાને લઈને ઘરના માત્ર ૧૦ વ્યક્તિ ૩ જુદી-જુદી કારમાં ઘરે જવા નીકળ્યા હતા.
દરમિયાન ધરમપુર રોડ આરપીએફ ઓવરબ્રિજ પાસે આવતા પ્રથમ ચાલી રહેલી નવપરિણીત યુગલની
કાર (નં.જીજે-૧૫-સીબી-૮૪૮૭) પોલીસે અટકાવી હતી. અને ઈન્ચાર્જ પીઆઈ જાડેજાએ કાર ચેક
કરીને પૂછ્યું કે કેટલા વાગ્યા?
ક્યાંથી આવો છો? તો વરરાજાની માતાએ કહ્યું કે
લગ્ન હતા. ત્યારે પીઆઈ જાડેજાએ કહ્યું કે તમને ખબર નથી કરફ્યૂ છે અને તેઓ કંઈ બોલે
તે પહેલા જ પીઆઈ જાડેજાએ વર-કન્યાને એકદમ ઉગ્રતાભર્યું વલણ અપનાવી ખીજવાવા લાગ્યા
હતા. અને અપમાનિત શબ્દો બોલી ગધેડાઓ આટલા વાગ્યે લગ્ન કરવા નીકળી પડયા. સીધા કરી
નાંખીશ અને જોરજોરથી ગુસ્સો કરી એમની પાસેનો દંડો કારના પાછળના ભાગે જોરથી માર્યો
હતો. ત્યારબાદ પણ પીઆઈ જાડેજાએ અમાનવીય વર્તન જારી રાખીને ગધેડા અને ન બોલવાના
શબ્દો બોલી અપમાનીત કરવાનું ચાલુ રાખ્યું હતું અને વર-કન્યાની કાર સહિત ત્રણેય
કારમાં પોલીસને બેસાડીને વલસાડ સીટી પો.સ્ટે.માં લઈ આવ્યા હતા. પોલીસ મથકે લઈ
ગયેલા ૧૦ પૈકી ૧ પાલિકાના માજી પ્રમુખ, ૧ હાલનો સભ્ય અને એક
માજી સભ્ય હતા. પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાએ આ ફરિયાદની નકલ ગૃહમંત્રી હર્ષ
સંઘવી અને રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડીયનને પણ મોકલી છે. આમ પોલીસના અમાનવીય અભિગમ
સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે ઘણા લોકોની રાત બગાડી
વલસાડ
સીટી પોલીસે સોમવારે મુંબઈથી વલસાડ આવેલા એક વેપારીની લગ્નની લકઝરી બસ, એરપોર્ટથી આવેલા
મુસાફર, ટ્રાવેલ્સ-ટેક્સી વગેરેના મુસાફરોને પણ કરફ્યૂ ભંગના
ઓથા હેઠળ પોલીસ મથકે લઈ જઇ તેઓની પણ આખી રાત બગાડી હતી. પોલીસે ક્રર્મકાંડી
બ્રાહ્મણ અને નોકરિયાતોને પણ ધમકાવીને કેસ કર્યો હતો. આમ પોલીસનો અમાનવીય અભિગમ
લોકોમાં ટીકાપાત્ર બન્યો છે.
.