સવાલ- હું મૂળ મુંબઈનો છું અને પુણેમાં જૉબ કરું છું. વર્ક ફ્રોમ હોમ કરવાનું છે એટલે ખાસ વાંધો નથી એવું મને લાગતું હતુ, પરંતુ હું હાલમાં જે રૂમમાં રહું છું એ શેરિંગમાં છે. બીજા બે છોકરાઓ પણ સાથે રહે છે. એક જણની નોકરી જતી રહી છે અને તે પાછો પોતાના ગામ જવા માગતો નથી, બીજા એકને કપાતે પગારે નોકરી ચાલુ છે અને તે પણ મારી જેમ વર્ક ફ્રોમ હોમ કરે છે. પરિવારમાં સાથે રહેતા હો તો બધા એકબીજાને સમજી લે એવી અપેક્ષા પણ રખાય, પરંતુ અહીં તો કોઈને કંઈ કહેવાય એવું જ નથી. માત્ર મારા એકલાનો જ ફુલ પગાર ચાલુ છે એટલે બધો જ ખર્ચ હું કરું છું.

- Advertisement -

જેની નોકરી છૂટી ગઈ છે તેને અમે કહ્યું કે ઍટ લીસ્ટ તું આ સમય દરમ્યાન ઘરનું કામકાજ સંભાળી લે તો અમને કામમાં રાહત રહે, પણ ભાઈસાહેબ આખો દિવસ આઇપૅડમાંથી ઊંચા આવતા જ નથી. તે ન તો ઘરનું કંઈ સંભાળે છે અને ન કોઈ આર્થિક મદદ કરે છે. દિવસમાં ત્રણથી ચાર વાર ઘરની બહાર નીકળી જાય છે. નીચે દોસ્તો સાથે વાતોના વડાં કરતો રહે છે. જો સવારે કંઈક કરિયાણું લેવા જવાનું કહીએ તો કહે છે કે મને ભીડમાં નથી જવું, મને ચેપ લાગી જશે. અમારા મકાનમાલિકે બે મહિનાનું ભાડું માફ કર્યું છે અને અમે ઘરમાં બધું જાતે જ બનાવી લઈએ છીએ. અમે તે છોકરાને એમ પણ કહ્યું કે જો તને અહીં જૉબ ન મળવાની હોય તો તારે વહેલી તકે ઘરે જતા રહેવું જોઈએ.

તે મહારાષ્ટ્રમાં જ રહે છે એટલે જવા-આવવામાં પણ વાંધો ન રહે. મારો બીજો રૂમ પાર્ટનર એ મતનો છે કે જો તેને ન સુધરવું હોય તો આપણે તેને અહીંથી નીકળવાનું કહી દેવું જોઈએ, પણ ઘર અમારું થોડી છે કે તેને જતા રહેવાનું કહી દેવાય? આવી સ્થિતિમાં શું કરવું?

આ પણ વાંચો:-  કેજરીવાલ સરકારે આપી મોટી રાહત, દિલ્હીમાં 8.36 રૂપિયા સસ્તું થયું ડીઝલ

જવાબ- આવા સમયમાં જેમની નોકરી જતી રહી હોય તેમના પ્રત્યે પૂરતી સહાનુભૂતિ રાખવી જોઈએ, પણ જો આ સહાનુભૂતિનો ખોટો લાભ લેવાતો હોય તો આંખ લાલ કરતાં પણ શીખવું જ જોઈએ. તમે બન્ને કમાઓ છો અને અત્યારે ખર્ચ કરી શકો એમ છો તો એક દોસ્તને આવા કપરા સંજોગોમાં સંભાળી લેવો એ પણ સારું કામ જ છે. તમે તમારી રીતે એની કોશિશ પણ કરી જ છે. હા, અમે કમાઈએ છીએ એટલે તારી પર જોહુકમી કરીએ એવી વિચાર મનમાં લાવવો પણ ન જોઈએ. તમારા પત્રમાં તમે એવું ફીલ કરતા હો એવું જણાતું પણ નથી એ સારી વાત છે. 

જરૂરિયાતમંદને સાચવો એ સારી વાત છે, પણ જો તે બહાર નીકળી પડતો હોય, નકામા ગપ્પા મારવા સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી-તૈસી કરી નાખતો હોય તો એનાથી તમે પણ જોખમમાં મુકાઓ છો. બની શકે કે અત્યારે તે ટેન્શન અને સ્ટ્રેસને કારણે પણ આવું કરતો હોય. તમારે ઘરની ડિસિપ્લિનના મુદ્દાઓ નક્કી કરવા પડશે. જ્યાં સુધી લૉકડાઉન છે ત્યાં સુધી જો તે વગરકારણે બહાર જાય તો પોલીસને ફોન કરી દેવામાં આવશે એવું તેને સ્પષ્ટ કહેવું. એમ છતાં ન માને તો ફોન કરી પણ દેવો. જોકે હવે કસોટીના દિવસો પૂરા થાય એમ લાગે છે. બધું ખૂલશે એ પછીથી તમારે રૂમનું ભાડું આપવાનું થશે. એ વખતે તેને ખબર પડશે કે પૈસા નહીં કમાઉં તો દોસ્તોના ભરોસે ક્યાં સુધી રહીશ?