પાલનપુર તા.25
બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર શહેર એક સમયે ફૂલો અને
અત્તરોના નગર તરીકે પ્રસિદ્ધ હતું.જે નગર હાલ નગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની
લાપરવાહીના કારણે સફાઈ માટે વર્ષે કરોડોનો ખર્ચ કરવા છતાં પારાવાર ગંદકીમાં ખદબદી
રહ્યું છે.જેથી લોકોમાં રોષની લાગણી છવાઈ છે.
સરકાર દ્રારા દેશભરમાં સ્વચ્છતાને પ્રાધ્યાન આપી સ્વચ્છ ભારત
અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે સ્વચ્છતા બાબતે પાલનપુરમાં વિપરીત પરિસ્થિતિ
જોવા મળી રહી છે .શહેરના રોડ ,રસ્તા અને
રહેણાંક વિસ્તારોમાંથી સૂકો અને લીલા કચરાને એકત્ર કરી તેનો ડંપિંગ સાઈડ પર નિકાલ કરવા
નગર પાલિકા દ્રારા એક ખાનગી કંપનીને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે માસિક ૩૩ લાખનો
કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ આ એજન્સી ડોર ટુ ડોર અને શહેરમાં લાગેલ કચરાના સ્ટેન્ડ પરથી ધન કચરો
ઉપાડવામાં સરેઆમ લાપરવાહી દાખવતી હોવાથી શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયા છે.જેને
લઈ હાલ કોરોના મહામારીના સમયે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે નગરપાલિકાના
શાસકો શહેરને સ્વચ્છ રાખવા તેમજ સરકાર ના સ્વચ્છ ભારત અભિયાનને ખરા અર્થમાં સાર્થક
કરવા ડોર ટુ ડોર કામગીરીને વેગવંતી બનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
લોકો જ્યાં ત્યાં કચરો ફેંકવા મજબુર
પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારના રહીશોએ જણાવ્યું
હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા કોઈ
આવતું જ નથી જેને લઈ અમારે ઘન કચરાને જ્યાં ત્યાં નિકાલ કરવાની ફરજ પડી રહી છે.
કોન્ટ્રાક્ટ બદલી દેવા માંગ ઉઠી
નગરપાલિકા દ્રારા શહેરના ઘન કચરાના નિકાલ માટે એક ખાનગી
એજન્સીને માસિક ૩૩ લાખનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.તેમ છતાં શહેરમાં ઘન કચરાનો
નિકાલ ન થતા આ કોન્ટ્રાકટ રદ કરવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
.