જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારના રોજ સુરક્ષા અધિકારીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. જોકે, હજી સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેનાને છેલ્લા પાંચ દિવસમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા.

- Advertisement -

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપુરા વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસી ગયા હોવાની જાણ થતા જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોતે સેનાથી ઘેરાઈ ગયેલા હોવાનું જણાતાની સાથે જ આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

કુલગામમાં સાવધાની વર્તતા મોબાઈલ ઈન્ટરનેટની સેવાને બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ આતંકવાદીઓ ભારતીય સેના પર અવારનવાર હુમલા કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે સિક્યોરિટી ફોર્સીસે પણ કેટલાક આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અગાઉ 25 મેના રોજ પણ કુલગામમાં જ અથડામણ દરમિયાન જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 40 કિલો આઇઇડી ભરેલી શોધી પાડી હતી. જેના કારણે આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસ, સેના અને સીઆરપીએફની મદદથી શ્રીનગરના પુલવામામાં એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. સુરક્ષા દળોએ સમયસર આઇઇડીથી ભરેલી એક સેન્ટ્રો કારને ટ્રેક કરીને તેને ઉડાવી દીધી હતી. જોકે, કાર ચાલક આતંકવાદી કારમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો:-  ખેડૂતો માટે મોદી સરકાર 3 બિલ લાવી છે, કોંગ્રેસ કરે છે વિરોધ: જેપી નડ્ડા